T20 વર્લ્ડકપમાં આ વખતે દરેક મોટી ટીમોએ નાની ટીમ સામે મેચ જીતવા માટે વલખાં મારવા પડ્યા છે ત્યારે પાકિસ્તાન, ભારત અને ઈંગ્લેન્ડ જેવી ટીમોને પણ નાની ટીમો સામે માંડ માંડ જીત મળી હતી. જોકે ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાબ્વેની મેચમાં મેજર અપસેટ સર્જાયું. ઝિમ્બાબ્વેના 170 રનના ટારગેટ સામે ઓસ્ટ્રેલિયા લાચાર દેખાયું અને 23 રને હાર્યું. ઝિમ્બાબ્વેએ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે બે વિકેટે 169 રન કર્યા હતા. જેમાં સૌથી વધુ બ્રાયન બેનેટ 64*(56), મારુમનીએ 35(21), રાયન બર્લે 35(30) અને સિકંદર રઝાએ 25*(12) રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા 170 રનના લક્ષ્ય સામે 146 રનમાં ઓલઆઉટ થઈ ગઇ હતી.
ઝિમ્બાબ્વેની બેટિંગ બાદ શાનદાર બોલિંગ
- Advertisement -
ઓસ્ટ્રેલિયન ઓપનિંગ જોડી જોશ ઈંગ્લિશ 8(4), ટ્રેવિસ હેડ 17(15) સસ્તામાં આઉટ થઇ ગયા હતા. તેના બાદ કેમરુન ગ્રીન અને ટીમ ડેવિડ પણ 0-0 પર આઉટ થઇ જતાં ઓસ્ટ્રેલિયા સંકટમાં ફસાયું હતું. પાવરપ્લેમાં જ ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાના ટોચના ક્રમના ચાર બેટરની વિકેટો પાડી દીધા બાદ કાંગારુઓને મુશ્કેલીમાં મૂકી દીધા હતા.
મેક્સવેલ લાંબી ઈનિંગ ના રમી શક્યો
જોકે તેના બાદ ગ્લેન મેક્સવેલ અને મેટ રોશોએ બાજી સંભાળી હતી. જોકે પછી મેક્સવેલ 31(22) રન કરીને આઉટ થઇ ગયા બાદ માર્કસ સ્ટોઇનિસ પણ 6 (4) રનમાં સસ્તામાં આઉટ થઈ જતાં ઓસ્ટ્રેલિયાની ટીમ મુશ્કેલીમાં મૂકાઈ હતી. ત્યારબાદ બેન ડુવારીસ 6(7) નો ટોચીએ ખતરનાક ચિત્તાની જેમ કેચ પકડતાં ઓસ્ટ્રેલિયાને 7મો ઝટકો લાગ્યો હતો. એના પછી મેક્સવેલ બાદ મેટ રેનશો ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ ફાઈટ કરી હતી. તેણે ઓસ્ટ્રેલિયા વતી 65 (44) રન પણ કર્યા હતા. આખરે તે મુઝારબાનીની બોલિંગમાં રાયન બર્લના હાથમાં કેચ થમાવી બેઠો હતો. ત્યારબાદ મુઝારબાનીની બોલિંગમાં એડમ ઝમ્પા 2 રન કરીને આઉટ થઇ ગયો હતો અને ઓસ્ટ્રેલિયાની 141 રનમાં 9 વિકેટો પડી ગઈ હતી. છેલ્લી ઓવરમાં ઓસ્ટ્રેલિયાએ 6 બોલમાં 29 રન કરવાના હતા. મુઝારબાનીએ આ મેચમાં સૌથી વધુ 4 વિકેટો ઝડપી હતી. તેણે કુલ 17 રન જ આપ્યા હતા. આ તેનું શાનદાર સ્પેલ રહ્યું હતું. ત્યારબાદ મેથ્યુ કુહેનમેન 0 રને રનઆઉટ થઇ જતાં ઓસ્ટ્રેલિયા ઓલઆઉટ થઈ ગયું હતું. નાથાન એલિસ ઓસ્ટ્રેલિયા તરફથી 7 રન બનાવીને અણનમ રહ્યો હતો.




