ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં ઉપરકોટના કિલ્લા ખાતે નવીનીકરણ અંતર્ગત પ્રાચીન દરગાહો, મંદિરો અને કબરો નહીં તોડવાની માંગ સાથે થયેલી અરજીમાં હાઈકોર્ટે સોમવારે મૌખિક ટકોર કરીને મહાનગરપાલિકાને યથાવત સ્થિતિ જાળવી રાખવાનું સૂચન કર્યું છે. આ રિટ પીટીશનમાં હાઈકોર્ટે અગાઉ રાજય સરકાર, જૂનાગઢ મહાનગરપાલિકા અને જૂનાગઢ કલેકટરને નોટીસ પાઠવી હતી.
જો કે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાતા અરજદાર તરફથી સોમવારે હાઈકોર્ટની વેકેશન બેંચને આ અંગે ધ્યાન દોરી અરજન્ટ સુનાવણીની માંગ કરી હતી. જો કે હાઈકોર્ટે અરજન્ટ સુનાવણીની મંજુરી આપી નહોતી પરંતુ તંત્રને ઉક્ત મૌખિક સૂચન આપ્યા છે.
આ સમગ્ર મામલે મુસ્લીમ સમાજ દ્વારા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે જૂનાગઢમાં ઉપરકોટ કિલ્લાના નવીનીકરણ પ્રોજેકટમાં કેટલાક ધાર્મિક સ્થાનોને દૂર કરી દેવાયા છે. ઉપરકોટનો કિલ્લો ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે.