1500 જેટલી બોગસ કંપની ઉભી કરી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવી હતી : કુલ 19ની ધરપકડ
ખાસ-ખબર સંવાદદાતા
દેશના સૌથી મોટી મનવામાં આવતી જીએસટી ચોરીના મુખ્ય આરોપી સુફિયાનની સુરત જીએસટી ઇકો સેલે ધરપકડ કરી હતી. સુફિયાનની રૂ. 2700 કરોડની જીએસટી ચોરી મામલે ધરપકડ કરવામાં આવી હતી. તેણે ખોટા દસ્તાવેજના આધારે બોગસ પેઢી ખોલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હતી.
આ મામલે અત્યાર સુધી કુલ 19 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. કરોડોની જીએસટી ચોરીની રકમ કઈ જગ્યાએ વાપરી તે બાબતે તપાસ હાથ ધરી હતી. ઓક્ટોબર 2022માં ઇકોસેલ દ્વારા જીએસટી વિભાગને સાથે રાખીને ગુજરાતમાં અલગ અલગ એકસાથે છ જગ્યા ઉપર દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. છ શહેરોમાં દરોડા પાડ્યા હતા. તે દરમિયાન એક સાથે 14 જેટલા લોકોની ધરપકડ ઇકો સેલ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ ઇકો સેલ દ્વારા પકડાયેલા આરોપીઓની પૂછપરછ અને તપાસ દરમિયાન અન્ય ચાર આરોપીઓ સાથે કુલ 18 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ઇકો સેલ દ્વારા તપાસ કરતા સામે આવ્યું હતું કે, બોગસ જીએસટી બિલિંગ કૌભાંડમાં રૂ. 2,700 કરોડ જેટલા ટ્રાન્જેકશન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ખોટી રીતે ઊભી કરવામાં આવી હોય તે પ્રકારની 1500 જેટલી કંપનીઓ પોલીસના ધ્યાનમાં આવી હતી. આ 1500 કંપનીઓની તપાસ કરતા સામે આવ્યું હતું કે, તેમાંથી 1300 જેટલી કંપનીઓ ગુજરાતમાં રજિસ્ટર કરવામાં આવી છે અને અન્ય 250 કરતાં વધારે જે કંપનીઓ હતી તે ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં રજિસ્ટર કરવામાં આવી હતી. આ તમામ કંપનીઓ સાથે મળીને કુલ રૂ. 2700 કરોડ જેટલા ટ્રાન્જેકશન બોગસ બિલિંગમાં કરવામાં આવ્યા હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું હતું. ખોટી રીતે રૂ. 2700 કરોડ ટ્રાન્જેક્શન કરીને આરોપી દ્વારા ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવી હતી. આ કૌભાંડના બે મુખ્ય સૂત્રધારો ઉસ્માન અને મૂર્શીદ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતાં. આ બંને આરોપી આખું કૌભાંડ ભાવનગર અને સુરતથી ઓપરેટ કરતા હતા.