ચામુંડા માતાજીના મંદિરે નવરાત્રિ નિમિત્તે હજારો ભક્તો ઉમટી પડશે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.22
ગુજરાતના શક્તિપીઠોમાં એક સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે ચામુંડા માતાજી બિરાજમાન છે. જેથી ચોટીલા ખાતે આખા વર્ષ દરમિયાન માઇભક્તો દૂર દૂરથી દર્શને આવે છે પરંતુ જ્યારે નવરાત્રી પર્વનો આજથી પ્રારંભ થયો છે ત્યારે આજથી નવ દિવસ સુધી માતાજીની આરાધના કરવાનો કંઈક વિશેષ મહિમા હોય છે. નવરાત્રી હિન્દુ માટે ભક્તિ માતાજીની આરાધના અને મંત્ર જાપ કરવા માટેના દિવસો હોય છે જેમાં તમામ લોકો પોતપોતાના કુળદેવીનું સ્મરણ કરી આખા દિવસમાંથી થોડો સમય કાઢીને પણ માતાજીની સ્તુતિ અને આરાધના કરે છે. ત્યારે આ નવરાત્રી દરમિયાન ચોટીલા ખાતે પણ માતાજીના દર્શને આવતા માઇભક્તોમાં ઘસારો જોવા મળશે જેના લીધે ચામુંડા માતાજીના મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. જેથી તમામ ભક્તો માતાજીના દર્શન કરી શકે. આ સિવાય માતાજીનો નવ દિવસ સુધી દરરોજ અલગ અલગ પ્રકારનું સુશોભન કરવામાં આવશે જેમાં માતાજીના જુદા જુદા સ્વરૂપોના પણ દર્શન થશે આ નવ દિવસ દરમિયાન રાજ્ય અને રાજ્ય બહારથી હજજારો માઈ ભક્તો માતાજીના દર્શન કરી પોતાના અને પોતાના કુળની રક્ષા કરવા માટે માતાજી પાસે આશીર્વાદ લઈ ધન્યતા અનુભવશે.



