જૈન અને જૈનેતર ભાવિકો માટે આસ્થાનું ધામ ‘મધુપુરી’
હવન દરમિયાન નાડાછડીની 108 ગાંઠથી મનોકામના પૂર્તિની માન્યતા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ઉત્તર ગુજરાતના ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલું મહુડી તીર્થ (અસલ નામ મધુપુરી) માત્ર જૈન સમુદાય માટે જ નહીં, પરંતુ જૈનેતર શ્રદ્ધાળુઓ માટે પણ આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. અહીં મૂળનાયક પદ્મપ્રભુ જિનેશ્વર ભગવાનના જિનાલયની સાથે સાથે મહાપ્રભાવક ઘંટાકર્ણ મહાવીર દાદાનું મંદિર આવેલું છે, જે જિનશાસનના બાવન વીર પૈકીના ત્રીસમા વીર ગણાય છે.
જૈન તીર્થંકર પરમાત્માના શાસનમાં મહાબલ નામના ક્ષત્રિય રાજા તરીકે પૂર્વભવ ધરાવતા ઘંટાકર્ણવીર દેવનો આવિર્ભાવ યોગનિષ્ઠા આચાર્ય ભગવંત શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજાએ વિક્રમ સંવત 1980માં માગશર સુદ ત્રીજના દિવસે કરાવ્યો હતો. દાદાએ ઉપાસનાસહ સાત્વિક ભક્તિ કરનારા સર્વ શ્રદ્ધાળુઓને સહાયભૂત થવા માટે વચન આપ્યું હતું. ઘંટાકર્ણ દાદાની પ્રતિમાની પ્રક્ષાલ-પૂજા વર્ષમાં માત્ર એક જ વાર કાળી ચૌદશના દિવસે વિધિપૂર્વક કરવામાં આવે છે.
આ તીર્થ અન્ય જિનમંદિરોથી અલગ પડે છે, કારણ કે અહીં શ્રદ્ધાળુઓને સુખડીનો પ્રસાદ ધરવાની અને તેને મંદિરસંકુલમાં જ આરોગી લેવાની પરંપરા છે. બહાર લઈ જનારને અશાંતિ નડવાની માન્યતા છે.
- Advertisement -
દર વર્ષે કાળી ચૌદશ, એટલે કે આ વર્ષે 20 ઓક્ટોબર, 2025ના રોજ વિજય મુહૂર્તમાં (બપોરે 12:39 કલાકે) ઘંટાકર્ણ દાદાનો વિશેષ હવન થાય છે. હવનની શરૂઆતમાં ડંકો વાગતા જ જૈન અને જૈનેતર ભાવિકો લાલ રંગના કંદોરા અથવા નાળાછડીની 108 ગાંઠ વાળવાનું શરૂ કરે છે. એવી માન્યતા છે કે જે શ્રદ્ધાળુઓ સફળતાપૂર્વક હવન દરમિયાન 108 ગાંઠો બાંધી શકે, તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ દિવસે દાદાના ચમત્કારી મૂળમંત્ર: ૐ હ્રીં ઘંટાકર્ણો મહાવીર: સર્વવ્યાધિવિનાશક:…નો જપ કરવાથી ધનલાભ, રોગમુક્તિ, વ્યાપાર-નોકરીમાં લાભ અને અનેક ભય દૂર થાય છે.