કોલકાતા રેપ-હત્યા કેસ, ડોક્ટરોની ભૂખ હડતાળનો 5મો દિવસ: સરકાર સાથેની બેઠકમાં કોઈ નિર્ણય નહીં
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં 8 ઓગસ્ટની રાત્રે એક ટ્રેઈની ડોક્ટર પર રેપ અને હત્યા કરવામાં આવી હતી. 9 ઓગસ્ટે પીડિતાની લાશ મેડિકલ કોલેજમાંથી મળી આવી હતી. આ ઘટનાના વિરોધમાં 9 ટ્રેઈની ડોક્ટરો ભૂખ હડતાળ પર ઉતર્યા છે. ધર્મતલામાં ડોરિના ક્રોસિંગ પર શનિવાર સાંજથી ચાલી રહેલા ઉપવાસને કારણે આરોગ્ય સેવાઓ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી. બુધવાર, 9 ઓક્ટોબરના રોજ ડોક્ટરોની એક ટીમે મુખ્ય સચિવ મનોજ પંત સાથે લગભગ 2 કલાક સુધી બેઠક કરી હતી. ડોક્ટરોનો આરોપ છે કે તેમને આશ્ર્વાસન સિવાય કંઈ મળ્યું નથી.
ડોક્ટરે કહ્યું- રાજ્ય સરકારે દુર્ગા પૂજા પછી માંગણીઓ પર વિચાર કરવાનું કહ્યું છે. અમારા સાથી ડોક્ટરો ભૂખ હડતાળ પર છે, અમને આવી કઠોરતાની અપેક્ષા નહોતી.
બીજી તરફ, મુર્શિદાબાદના એક દુર્ગા પંડાલમાં આરજી કરના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષને મહિષાસુર તરીકે દર્શાવવામાં આવ્યા છે.
સોલ્ટ લેક ખાતેના આરોગ્ય વિભાગના હેડક્વાર્ટર ખાતે યોજાયેલી બેઠકમાં રાજ્યભરમાંથી મેડિકલ કોલેજોના 20 જેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. દેવાશિષ હલદરે કહ્યું કે મુખ્ય સચિવ કેમ્પસમાં સુરક્ષા લાગુ કરવા માટે રાજ્ય દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે એ જ જૂની વાતો કરવામાં આવી છે. બાકીની માંગણીઓ સંદર્ભે, સરકારે કોઈ લેખિત સૂચના આપવાનો કે તેના માટે સમય મર્યાદા જણાવવાનો પણ ઈન્કાર કર્યો હતો.
100થી વધુ સીનિયર ડોક્ટરોએ રાજીનામા આપ્યા
બુધવારની રાત સુધીમાં, મમતા સરકાર અને ડોકટરો વચ્ચેની વાતચીતનો બીજો રાઉન્ડ નિષ્ફળ જતાં આરજી કર હોસ્પિટલના 106 ડોકટરો અને ફેકલ્ટીએ રાજીનામું આપી દીધું છે. દિવસ દરમિયાન, જલપાઈગુડી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના 19, સિલિગુડીની ઉત્તર બંગાળ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના 42, કલકત્તા નેશનલ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના 35 અને કોલકાતા મેડિકલ કોલેજ અને હોસ્પિટલના લગભગ 70 ડોક્ટરોએ રાજીનામા આપી દીધાં છે.