બિનખેતી પ્લોટમાં નિયમ વિરુદ્ધ બાંધકામ અને મંજૂરી વગર ‘બુધવારી’ બજાર ભરવા બદલ કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.2
- Advertisement -
મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલી સર્વે નંબર 97ની જમીનમાં શરતભંગના ગંભીર ઉલ્લંઘન બદલ જિલ્લા કલેક્ટરે લાલ આંખ કરી છે. રહેણાંક અને વાણિજ્ય હેતુ માટે બિનખેતી થયેલી આ જમીનમાં શરતોનું પાલન ન કરવા બદલ દિનેશભાઈ ગંગારામભાઈ પટેલને ₹9,38,088નો દંડ ફટકારવામાં આવ્યો છે. તપાસમાં બહાર આવેલી ગેરરીતિઓ: અરજદારની ફરિયાદ બાદ થયેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે, દિનેશભાઈએ બિનખેતી જમીન પર 11 જેટલા કાચા પતરાના બાંધકામ કરી તેને ભાડે આપી દીધા હતા. અહીં લે-આઉટ પ્લાન મુજબ હદ નિશાન જળવાયા નહોતા અને જિલ્લા વિકાસ અધિકારીના હુકમની વિવિધ શરતોનો ભંગ થયો હતો. વધુમાં, મામલતદાર અને પ્રાંત અધિકારીના અહેવાલ મુજબ અહીં સરકારને ટેક્સ ચૂકવ્યા વગર વ્યવસાયિક પ્રવૃત્તિઓ ચાલી રહી હતી.
સલામતી સામે જોખમ: કલેક્ટરના હુકમમાં ઉલ્લેખ કરાયો છે કે, આ જગ્યા પર દર બુધવારે સક્ષમ મંજૂરી વગર ’બુધવારી બજાર’ ભરીને ભીડ એકઠી કરવામાં આવતી હતી. આ સ્થળે ફાયર સેફ્ટી, સીસીટીવી કે પાણી જેવી કોઈ પાયાની સુવિધા નહોતી. રાજકોટ ગેમઝોન જેવી હોનારતની શક્યતાને ધ્યાને રાખી, લોકોની જાનહાનિનું જોખમ ટાળવા માટે આ કડક હુકમ કરાયો છે. કલેક્ટરે આરોપીને 30 દિવસમાં દંડની રકમ જમા કરાવવા આદેશ આપ્યો છે.



