સિક્કાની બીજી બાજુ ન તપાસે તે શાણો અને સજ્જ માણસ ન ગણાય, આ કિસ્સાનાં અનેક એન્ગલ છે, ફળદુએ જેમની તરફ આંગળી ચિંધી છે, એ બધાંને અપરાધી માની લેવાની જરૂર નથી.
બાર એસોસિએશને પણ રાબેતા મુજબ વધુ પડતી સ્ફૂર્તિ દાખવી
- Advertisement -
ફળદુ વકીલ હતા એટલે જ માત્ર તેમનાં પક્ષે આવી ઝુંબેશ ચલાવવી કેટલી વાજબી ગણાશે?
જેઓને મહેન્દ્ર ફળદુ પાસેથી પૈસા લેવાનાં હતાં એવાં અનેક લોકોને પણ આત્મહત્યા કરતા પહેલાં તેમણે ઑડિયો ક્લિપ મોકલી છે કે, ‘તમે મારાં પૈસા આપતાં નથી!’
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
છેલ્લાં એક અઠવાડિયાથી મહેન્દ્ર ફળદુ પોતાની જૂની ઓફિસ (ઉમેશ કોમ્પ્લેક્સ, ચૌધરી હાઈસ્કૂલ પાસે) પર મોડી રાત્રે જઈને કશુંક ટાઈપ કરી રહ્યાં હતાં. આસિસ્ટન્ટે પૂછયું તે એમણે બહાનું કાઢ્યું, કહ્યું કે, ‘આપણાં પર ઈન્કમટેક્સની રેઈડ આવે તેમ છે, એટલે અમુક વિગતો ડીલીટ કરવી પડે તેમ છે!’ આ દિવસો દરમિયાન તેમણે વિવિધ લોકો માટેનાં મેસેજ તૈયાર કર્યા, સ્યુસાઈડ નોટ તૈયાર કરી અને કેટલોક ડેટા ડીલીટ કર્યો, તેવું માનવામાં આવે છે. જે ડેટા ડીલીટ થયો તેમાં શું હતું? પોલીસ આ ડેટા રિટ્રિવ કરે તો ઘણાં ભેદભરમ ઉકેલાઈ જાય તેમ છે. ઉકેલવા જ પડે તેમ છે. આમ પણ આ કોઈ ક્લાસિક સ્યુસાઈડ કેસ નથી. એક વ્યક્તિને કેટલાંક લોકોએ બુચ માર્યું અને પછી એ વ્યક્તિએ પ્રાણ ત્યાગી દીધાં- એવું આ કેસમાં હરગીઝ નથી. વાસ્તવિકતા કદાચ ઊલ્ટી હોય તો પણ નવાઈ પામવા જેવું નથી. આરોપી તરીકે જેનું નામ અપાયું છે- તે અમિત ચૌહાણનાં કહેવા મુજબ તેણે ફળદુ પાસેથી 13 કરોડ રૂપિયા લેણાં નીકળતાં હતાં. અને આ વાતને મહેન્દ્રભાઈની નજીકનાં સૂત્રો પણ સમર્થન આપે છે.
એ જ નજીકનાં સૂત્રો કહે છે કે, અમદાવાદની ઓઝોન કંપની સાથેનાં ફળદુનાં વ્યવહાર- નાણાકીય લેવડદેવડ એટલી હદે અટપટા છે કે, તેનો તાગ પામવો મુશ્કેલ છે. કોણે, કોની પાસેથી પૈસા લ્હેણાં નીકળે છે એ વિષયની તપાસ માટે પણ ખૂબ ઊંડા ઉતરવું પડે તેમ છે. વાસ્તવિકતા એ છે કે, મહેન્દ્ર ફળદુએ પછેડી કરતાં લાંબી સોડ તાણી લીધી હતી. અનેક મિત્રો પાસેથી તેમણે કરોડો રૂપિયા ઉછીના લીધાં હતાં. એમનાં મિત્રવર્તૂળમાં અને બિલ્ડર જગતમાં બધાં જ આ વાત જાણે છે. આ કોઈ એક્સ્કલુઝિવ માહિતી નથી. કેસ આગળ વધશે અને કહેવાતાં આરોપીઓએ જવાબ આપવાનો રહેશે ત્યારે આ પ્રકારનાં પુરાવા રજુ થવાનાં જ છે. મહેન્દ્ર ફળદુનો પથારો મોટો હતો. એટલો મોટો કે કદાચ તેઓ એ સંભાળી શકે એમ ન હતા. ઝેબ્રાનો વૂડસ અને ઈલિઝિયમ નામનાં તેમનાં બે વૈભવી પ્રોજેક્ટને જોઈએ તેવી સફળતા મળી ન હતી. કદાચ ઈલિઝિયમમાં તો તેઓ આર્થિક રીતે ખૂબ ખેંચાઈ ગયા હતા. મહેન્દ્ર ફળદુ આત્મહત્યા કેસમાં અનેક લેયર છે. ડુંગળીનાં પડ જેમ એક પછી એક ઉખળતાં જાય તેમ આ કેસમાં અનેકાનેક પડ છે. કોણ વિક્ટિમ છે અને કોણ દોષી, એ સમજવું સરળ નથી. પરંતુ એટલું નક્કી છે કે, મહેન્દ્ર ફળદુએ લખેલી સ્યુસાઈડ નોટની દરેક વાત ખોટી માનવાની પણ જરૂર નથી અને એ સાચી માનવી તે પણ અનેક લોકોને અન્યાય ગણાશે.
ફળદુની ઑડિયો ક્લિપ અને નોટિસો શંકાના પરિઘમાં!
આત્મહત્યા પહેલાં મહેન્દ્ર ફળદુએ અનેક લોકોને ઑડિયો ક્લિપ મોકલી હતી જેમાં તેમણે એ મતલબની વાત કરી હતી કે, ‘તમે મારા પૈસા પરત આપતાં નથી!’ બિલ્ડર લોબી- વેપારી આલમમાં ચર્ચાતી વિગતો મુજબ કેટલાંક લેણીયાતને પણ તેમણે આવી ક્લિપ મોકલી હતી. ઘણાંને રજિસ્ટર્ડ એ.ડી. દ્વારા પણ આ મતલબની નોટિસ તેમણે મોકલી છે. ટૂંકમાં કહીએ તો પોતાની વિદાય પછી પરિવાર હેરાન ન થાય એ માટે તેમણે પૂરી કાળજી રાખી હતી.
બાર એસોસિએશને ઉતાવળ કરી: કેસમાં ઊંડા ઉતરવાની જરૂર હતી
રાજકોટ બાર એસોસિએશને એવો નિર્ણય કર્યો છે કે, મહેન્દ્ર ફળદુએ સ્યુસાઈડ નોટમાં જેનાં નામ લખ્યા છે- તેનો કેસ કોઈ વકીલ નહીં લડે. આ નિર્ણય લેવામાં થોડી ઉતાવળ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. વાસ્તવમાં આ કેસમાં સિક્કાની બીજીબાજુ ચકાસ્યા બાદ જ નિર્ણય લેવાની જરૂર હતી. જેમ મહેન્દ્ર ફળદુ ક્રિમિનલ ન હતાં, તેમ જેનાં પર આરોપ છે- એ કોઈ પણ રીઢા ગુનેગાર નથી. તેમણે કોઈ જઘન્ય કૃત્ય નથી કર્યું, રાષ્ટ્રવિરોધી કાર્ય નથી કર્યું. ફળદુ વકીલ હતા એ તથ્ય માત્રથી લેવાયેલો આ નિર્ણય બારની શાખને પણ અસર કરી શકે છે.


