ખાસ-ખબર સંવાદદાતા
શિયાળાની ઋતુ શરૂ થઈ છે, એટલે સ્વાભાવિક છે કે, રાજકોટવાસીઓએ ચિક્કી આરોગવાનું શરૂ કરી જ દીધું હશે. કારણ કે, શિયાળો આવતા જ રાજકોટીયન્સ ચિક્કી ખાવાનું શરૂ કરી દે છે. એમાં પણ રાજકોટની ચિક્કી એટલે આખા જગમાં પ્રખ્યાત. રાજકોટની ચિક્કી માત્રા સૌરાષ્ટ્રમાં જ નહીં, પરંતુ દેશ-વિદેશમાં પણ વેચાય છે. શિયાળાની ઋતુમાં રાજકોટથી વિદેશમાં ચિક્કીનું પાર્સલ મોકલવામાં આવે છે, ત્યારે રાજકોટમાં શિયાળો આવતા જ ચિક્કીની સોડમ બજારમાં ખીલી ઉઠી છે. શિયાળાની જમાવટ થાય એટલે ચિક્કી બજાર ધમધમતું થઈ જાય છે. હંમેશાની જેમ આ વખતે પણ રાજકોટના બજારમાં અવનવી ચિક્કી આવી ગઈ છે. રાજકોટમાં તમને કોઈ એક, બે પ્રકારની નહીં પણ જાતજાતની અને ભાતભાતની ચિક્કીની વેરાયટીઓ જોવા મળે.
કઈ ચિક્કી માર્કેટમાં મચાવી રહી છે ધૂમ?
આ વખતે રાજકોટના બજારમાં કાજુ ક્રન્ચ, વ્હાઈટ પીનટ બાર, સુગર લેસ અંજીર ચીક્કી, ચોકલેટની અવનવી ચિક્કી જેવી નવી વેરાયટી આવી છે. આ સિવાય તમને ડ્રાયફ્રૂટ ચિક્કી, ચોકલેટ ચિક્કી, દાળિયાની ચિક્કી, સિંગ અને દાળિયાની ચિક્કી સહિતાના અલગ અલગ વેરાયટી મળી જશે. ચિક્કીના વેપારીએ જણાવ્યું હતું કે, આ વખતે સુગર લેસ ચિક્કીની માંગ સૌથી વધારે જોવા મળી રહી છે.
- Advertisement -
શું છે ચિક્કીનો ભાવ?
રાજકોટમાં તમને 200થી લઇને 1,300 રૂપિયા સુધીની ચિક્કી મળી જાય છે. એકથી એક ચડિયાતી ચિક્કીનો સ્વાદ લેવા હવે રાજકોટવાસીઓ પણ તૈયાર થઈ ગયા છે અને ચિક્કીની ખરીદી કરવા બજારમાં નીકળી રહ્યા છે. કારણ કે, રાજકોટીયન્સને ચિક્કી પ્રિય હોય છે. રાજકોટના ચિક્કીના વેપારીઓએ જણાવ્યું હતું કે, કમોસમી માવઠાના કારણે ભાવમાં વધારો થયો છે. કારણ કે, કાચો માલ અમને મોંઘો પડી રહ્યો છે, જેથી ભાવમાં વધારો થયો છે.
ભાવમાં થયો વધારો
ચિક્કીના ભાવમાં આ વખતે 8થી 10%નો વધારો આવ્યો છે. હજુ તો શિયાળાની શરૂઆત થઈ છે, પરંતુ આગામી દિવસોમાં રાજકોટવાસીઓ ચિક્કીના વેપારીઓને કરોડોનો નફો કરાવશે તે વાત પણ પાકી છે. કારણ કે, રાજકોટવાસીઓ ખાવા-પીવાના શોખીન હોય છે અને એમાં પણ વાત હોય ચિક્કીની એટલે તો પુરૂ થઈ ગયું.