સોરઠ પંથકમાં 226મી જલારામ જયંતિની ભવ્ય ઉજવણી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
લોહાણા મહાજન દ્વારા કારતક સુદ સાતમના પવિત્ર દિવસે પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક, સામાજિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. લોહાણા મહાજનના પ્રમુખ મહેન્દ્ર મશરૂએ જણાવ્યું હતું કે, મુખ્ય કાર્યક્રમ દાતાર રોડ પર આવેલ પાર્ટી પ્લોટ જલિયાણ નગરી ખાતે યોજાશે.
- Advertisement -
મુખ્ય કાર્યક્રમમાં સવારે 10:30 વાગ્યે જલારામ બાપાની ઝૂંપડી સન્મુખ 226 દીવડાની આરતી કરવામાં આવશે, ત્યારબાદ ભૂદેવોને ભોજન અર્પણ કરાશે. આ ઉપરાંત, રઘુવંશી પરિવારો માટે સમૂહ જ્ઞાતિ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હજારો ભાવિકો જોડાઈને ’જય જલારામ’ના નાદથી વાતાવરણ ગુંજવશે. જો હવામાનના અનુસંધાનમાં વરસાદનું વિઘ્ન હશે તો મહાપ્રસાદનું આયોજન લોહાણા મહાજન વાડી ખાતે ખસેડવામાં આવશે. આ પર્વ નિમિત્તે સેવાકીય કાર્યક્રમોમાં સવારે 11થી 2:30 વાગ્યા દરમિયાન વિનામૂલ્યે રક્તદાન શિબિર, થેલેસેમિયા પરીક્ષણ અને રેન્ડમ બ્લડ સુગર તપાસનું આયોજન કરાયું છે. આ ઉપરાંત, ગૌસેવા અને પશુ-પક્ષીઓની સેવા કરતી સંસ્થાઓને દાન પણ અર્પણ કરવામાં આવશે. સેવાકાર્યો બાદ બપોરે પોસ્ટ ઓફિસ રોડ પરના નવનિર્માણ થઈ રહેલા જલારામ મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળશે. અન્ય કાર્યક્રમોમાં હવેલી ગલી જલારામ બાપાના મંદિરે સવારે 7:30 વાગ્યાથી 9 વાગ્યા સુધી 226 દીવડાની આરતી અને અન્નકૂટ દર્શન યોજાશે.



