- પરખ ભટ્ટ
કુંભ એટલે ઘડો અને મેળો એટલે લોક-મેળાવડો! પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકમાં દર ત્રણ વર્ષે ઉજવાતો કુંભ મેળો, દર છ વર્ષે ઉજવાતો અર્ધકુંભ મેળો અને દર બાર વર્ષે ઉજવાતો મહાકુંભમેળો આધ્યાત્મિક દ્રષ્ટિએ સવિશેષ મહત્વ ધરાવે છે. ભારતનાં મધ્યમવર્ગીય પરિવારો અને પશ્ચિમી સંસ્કૃતિનાં મોક્ષઇચ્છુક વિદેશીઓ લાખોની સંખ્યામાં અહીં પોતાની હાજરી નોંધાવે છે. મોક્ષની તમન્ના દિવસે ને દિવસે બળવત્તર બની રહી છે. મોડર્ન સાધુ અને આધુનિક ધર્મોએ મોક્ષનાં કોન્સેપ્ટને તદ્દન નવેસરથી વ્યાખ્યાયિત કર્યો છે.
કરોડોની સંખ્યામાં ઉભરાતાં માનવ-મહેરામણ માટે કુંભ એ ફક્ત આસ્થાનો નહીં, પરંતુ ધાર્મિક લાગણીઓનો પણ વિષય છે. શા માટે કુંભને મોક્ષ માટેનો માર્ગ માનવામાં આવે છે? શા માટે કરોડોની સંખ્યામાં અહીં દેશ-વિદેશમાંથી લોકો ઉમટી આવે છે? જેનો જવાબ જાણવા માટે આપણા વેદ-પુરાણોનાં ગર્ભમાં ઉતરવું પડશે.
- Advertisement -
એક એવો સમય હતો, જ્યારે પૃથ્વી પર જીવસૃષ્ટિ આનંદોલ્લાસ સાથે જીવી રહી હતી. સ્વર્ગનાં દેવતાઓ તેમની સારસંભાળ લઈ રહ્યા હતાં. દરેક દેવ પાસે પોતપોતાની વિશિષ્ટ શક્તિઓ હતી, જેનાં વડે તેઓ પૃથ્વીનું સુચારૂ રૂપે સંચાલન કરતાં. વાયુ, અગ્નિ, જળ, આકાશ વગેરે તત્વો તેમજ અન્ય સુખસુવિધાની જવાબદારી પણ દેવોને સોંપવામાં આવી હતી. એક દિવસ, ઋષિ દુર્વાસાએ વૈકુંઠની મુલાકાત લીધી, જેમાં તેમને ત્યાંની અપ્સરા દ્વારા માતા લક્ષ્મીનો પહેરેલો ફૂલોનો હાર ભેટ ધરવામાં આવ્યો. વૈકુંઠમાંથી પરત ફરતી વેળાએ ઇન્દ્રલોક પાસેથી પસાર થવાનું થયું. ઋષિ દુર્વાસાએ સ્વર્ગનાં દેવ ઇન્દ્રને માતા લક્ષ્મીનો પુષ્પનો હાર ભેટ ધર્યો પરંતુ ઇન્દ્રે પોતાનાં હાથી ઐરાવતને તે પહેરાવ્યો. હારની મહત્તાથી અજાણ ઐરાવતે એને પોતાનાં પગ તળે કચડી નાંખ્યો. ઐરાવત પર સંપૂર્ણ અંકુશ હોવા છતાં ઇન્દ્રે પોતાનાં હાથીને રોકવા માટે કોઇ પ્રયત્નો ન કર્યા. દેવી લક્ષ્મીનાં પુષ્પ-હારનું માન ન જળવાતાં ઋષિ દુર્વાસા અત્યંત ક્રોધે ભરાયા અને ઇન્દ્રાદિ દેવોને શ્રાપ આપ્યો કે તેઓ શક્તિવિહોણા થઈને પોતાની તમામ સત્તા ગુમાવી બેસશે.
બીજી બાજુ, અસુરોનાં ગુરૂ શુક્રાચાર્યે આકરી તપશ્ચર્યા થકી ભગવાન શિવ પાસેથી સંજીવની વિદ્યા હાંસિલ કરી, જેની મદદ વડે તેઓ મૃત રાક્ષસને પણ સજીવન કરી શકતાં! દેવો સામેનાં યુદ્ધમાં શુક્રાચાર્યે પોતાની તમામ અસુરસેનાને મેદાનમાં ઉતારી. દેવતાઓ દ્વારા અસુરો હણાઈ રહ્યા હતાં પરંતુ શુક્રાચાર્યની સંજીવની વિદ્યાની અસર હેઠળ તેઓ ફરી સજીવન થઈ જતાં. આખરે ઇન્દ્રે પોતાની સેના સાથે પીછેહઠ કરવાનો વખત આવ્યો .સંજીવની મંત્રને લીધે ઇન્દ્ર ભારે ચિંતામાં મૂકાઈ ગયા. તેમણે ભગવાન વિષ્ણુ પાસે મદદ માંગી. મહાવિષ્ણુએ તેમને સમુદ્રમંથનનો ઉપાય સૂઝવ્યો. ક્ષીરસાગરમાં સમુદ્રમંથન બાદ મળતું અમૃતનું પાન કરવાથી દેવોની ગુમાવેલી શક્તિ અને સત્તા પરત મળી શકે એમ હતી. ભગવાન વિષ્ણુએ ઇન્દ્રને ખાસ ચેતવણી આપી કે સમુદ્રમંથનમાંથી ઉપજનાર અન્ય અમૂલ્ય નિધિઓ બાબતે લોભ ન દાખવે. તેમણે દેવોને ખાતરી આપી કે અમૃતને અસુરોનાં હાથમાં જતું અટકાવવા માટે તેઓ ખાસ ધ્યાન રાખશે. કોઇપણ અસુર તેનું પાન ન કરે એ માટે તેઓ તમામ પ્રયત્નો કરશે.
ક્ષીરસાગરને ઉલેચવા માટે ઇન્દ્રની સેના કાફી નહોતી. આથી ભગવાન વિષ્ણુએ આપેલા સૂચન મુજબ, ઇન્દ્રએ અસુરોની મદદ લેવાનું નક્કી કર્યુ. રાક્ષસો તો પહેલેથી જ અમરત્વ માટેની લાલસા ધરાવતાં હતાં. તેમણે તરત જ હા પાડી દીધી. પરંતુ શુક્રાચાર્યને ઇન્દ્રની નીતિ પર જરા પણ ભરોસો નહીં એટલે તેમણે અસુરોને સમુદ્રમંથનમાં ભાગ લેવાની મનાઈ ફરમાવી. ઇન્દ્રે અહીં પણ ચાલ રમી! એમણે અસુરોને એમ કહીને ભ્રમિત કર્યા કે આવતીકાલે અગર શુક્રાચાર્ય ન રહ્યા તો તમારું કોણ? સંજીવની વિદ્યા તો તેમની સાથે જ નાશ પામશે. એ પછી? અમરત્વ જ એક એવો ઉપાય છે, જેનાં વડે તેમને આજીવન મૃત્યુના ભયમાંથી છુટકારો મળે એમ છે. અસુરોનાં દબાણ હેઠળ અંતે શુક્રાચાર્ય સમુદ્રમંથન માટે તૈયાર થયા. ભગવાન વિષ્ણુએ પક્ષીરાજને ક્ષીરસાગર ઉલેચવા માટે મંદાર પર્વત ઉપાડી લાવવા વિનંતી કરી. બીજી બાજુ, વાસુકી નાગે પર્વત ફરતે વીંટળાઈને ક્ષીરસાગરને ઉલેચવાની પ્રક્રિયામાં દેવતાઓની મદદ કરવાની તૈયારી દાખવી. પરંતુ અહીં ફરી એક સમસ્યા સર્જાઈ. વાસુકી નાગનાં મુખમાંથી સતત અગ્નિવર્ષા થતી હોવાને કારણે એ બાજુએ ઉભા રહીને સમુદ્રમંથન કરવું એ દેવતાઓ માટે મુશ્કેલ કાર્ય હતું. ભગવાન વિષ્ણુએ આ સમસ્યાનાં ઉકેલ માટે નારદજીને કહેણ મોકલાવ્યું. નારદજીએ એમને આશ્વાસન આપ્યું કે તેઓ અસુરોને વાસુકી નાગનું મુખ પકડીને સમુદ્રમંથન કરવા માટે મનાવી લેશે.
વાસુકી નાગનાં મુખ પાસે ઉભા રહીને સમુદ્રમંથન કોણ કરે એ અંગે દેવ-દાનવ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. એ સમયે નારદજીએ ત્યાં આવીને કહ્યું કે મહાન આત્માઓ વાસુકીનાં અગ્રભાગેથી સમુદ્રમંથન કરશે. દેવો સર્વોચ્ચ સ્થાન ધરાવે છે આથી વાસુકીનાગનાં મુખભાગે તેઓ રહેશે અને અસુરો તેનાં પૃષ્ઠભાગેથી સમુદ્રમંથન કરશે. સ્વાભાવિક રીતે અસુરોનો ઘમંડ ઘવાયો અને તેમણે સામે ચાલીને વાસુકી નાગનાં અગ્રભાગેથી સમુદ્રમંથન કરવાની જીદ્દ પકડી. નારદજી તો રાહ જોઇને જ બેઠા હતાં! તેમણે તુરંત મંજૂરી આપી દીધી. એ સમયે શુક્રાચાર્યને નારદજીની કૂટનીતિનો અંદાજ આવી ગયો. પરંતુ ત્યાં હાજર ન હોવાને લીધે તેમણે મનોમન અફસોસ વ્યક્ત કર્યો. વાસુકી નાગનાં અગ્રભાગે રહેવાનાં અસુરોનાં નિર્ણયથી તેમને ક્રોધ તો આવ્યો, પરંતુ કમનસીબે, તેઓ કશું કરી શકે એમ નહોતાં. (થાઇલેન્ડનાં ‘સુવર્ણભૂમિ એરપોર્ટ’ પર સમુદ્રમંથન દર્શાવતી દેવ-દાનવોની પ્રતિમા વિશાળ પ્રતિમા બનાવવામાં આવી છે!)
- Advertisement -
બધું જ ગોઠવાઈ ચૂક્યું હતું. ભગવાન વિષ્ણુએ પક્ષીરાજને વિનંતી કરી કે મંદાર પર્વતને ક્ષીરસાગરમાં સ્થાન આપે, જેથી સમુદ્રમંથનની પ્રક્રિયાનો આરંભ થઈ શકે. પક્ષીરાજે જેવો મંદાર પર્વત ક્ષીરસાગરમાં મૂક્યો કે તરત સમંદરની ગહેરાઈને લીધે એ ડૂબવા લાગ્યો! અસુરો તો તુરંત પીછેહઠ કરવા લાગ્યા કારણકે એમને એ વાતનો અહેસાસ થઈ ગયો કે ડૂબતાં મંદાર પર્વતનો ભાર વહન કરવો એ આપણું કામ નહીં! પરિસ્થિતિની ગંભીરતા પારખીને ભગવાન વિષ્ણુએ બીજી જ ક્ષણે કુર્માવતાર ધારણ કર્યો. વિશાળકાય કાચબાનું સ્વરૂપ લઈને તેમણે પોતાનાં મજબૂત કવચ (પીઠ) પર મંદાર પર્વત ઉપાડી લીધો. પરંતુ કુર્માવતાર ધારણ કરતાં પહેલા તેમણે વૈકુંઠમાં દેવી લક્ષ્મીને જણાવ્યું કે પોતે પૃથ્વી પર સમુદ્રમંથન માટે જઈ રહ્યા છે. આ જાણીને દેવીએ પણ તેમનાં કાર્યમાં સાથ આપવા માટે તૈયારી બતાવી. પરંતુ સમુદ્રમંથનની ક્રિયામાં દેવી લક્ષ્મીની ભૂમિકા અગત્યની હોવાથી ભગવાન વિષ્ણુએ એમને થોડા સમય માટે પ્રતીક્ષા કરવાનું કહ્યું.
મંદાર પર્વત સ્થિર થતાંની સાથે જ તમામ દેવાસુર દ્વારા સમુદ્રમંથનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. વાસુકીનાં અગ્રભાગે અસુરો અને પૃષ્ઠભાગે દેવતાઓએ મંથન શરૂ તો કર્યુ પરંતુ મંદાર પર્વતનાં વજન અને તેની વિશાળતાને કારણે સમુદ્રમાં મોટી મોટી લહેરો ઉઠવા લાગી. સમુદ્રનું સ્તર ક્રમશ: વધવા માંડ્યુ. મંદાર પર્વતનું બેલેન્સ ખોરવાતું જતું હતું.
એક બાજુએથી તે નમી રહ્યો હતો. આ જોઇને દેવો અને દાનવોએ ફરી મંદાર પર્વતને સ્થિર કરવાની કોશિશ કરી. પરંતુ એનાં ભારને લીધે દાનવો એની નીચે દબાવા લાગ્યા. એ વખતે ભગવાન વિષ્ણુએ પુન: મંદાર પર્વતની ટોચ પર બિરાજમાન થઈને તેને સમતુલિત કર્યો. સમુદ્રમંથનની પ્રક્રિયા આગળ વધી.
મંથનને કારણે વાસુકી નાગ ભયાનક પીડામાંથી પસાર થઈ રહ્યો હતો. જેને કારણે તેનાં શરીરમાંથી વિશ્વનું સૌથી ખતરનાક ઝેર ‘હળાહળ’ સ્ખલિત થવા માંડ્યુ. વિષની ભયાવહતાથી વાકેફ દેવો અને દાનવો ગભરાઈને નાસભાગ કરવા લાગ્યા. પોતાની જિંદગી બચાવવા માટે સમુદ્રમંથનની પ્રક્રિયા અધૂરી મૂકવા તૈયાર હતાં! દાનવોએ શુક્રાચાર્યને સમુદ્રમંથનને પડતું મૂકવા માટે વિનંતી કરી, પરંતુ શુક્રાચાર્યે તેમને આશ્વસ્ત કર્યા કે અગર એકપણ દાનવનું મૃત્યુ થશે તો સંજીવની વિદ્યા વડે તેઓ એમને ફરી જીવંત કરી આપશે! માટે સમુદ્રમંથન ન અટકાવો. દાનવો રાજી! બીજી બાજુ, દેવો પણ ગભરાયા હતાં, તેઓ ઇન્દ્ર પાસે ગયા અને ઇન્દ્ર અંતે ભગવાન વિષ્ણુ પાસે! વિષ્ણુજીએ એમને ખૂબ સરસ ઉત્તર આપ્યો કે અમૃત મેળવવાની પ્રક્રિયામાં સૌપ્રથમ વિષનો સામનો તો કરવો જ પડે! જીવન એ મૃત્યુ સાથે રમાઈ રહેલી આંખમિચૌલી છે. એમણે ઇન્દ્રને ભગવાન શિવ પાસે જવાની સલાહ આપી. સર્જનહાર બ્રહ્મા અને સ્વર્ગાધિપતિ વિષ્ણુ મહાદેવ પાસે પહોંચ્યા. ભોળાનાથે એમની સમસ્યા સાંભળીને મદદ કરવા માટે તરત હા ભણી દીધી. દેવી પાર્વતીએ પણ પોતાનાં પતિનાં કાર્યમાં સાથ આપવાનો નિર્ણય લીધો.
મહાદેવે જેવું હળાહળનું પાન કરવાનું શરૂ કર્યુ કે તરત એમનો ચહેરો નીલા રંગનો થવા માંડ્યો. ઝેર એની અસર દેખાડી રહ્યું હોય એવું પ્રતીત થતું હતું. આ જોઇને દેવી પાર્વતી પતિનાં કંઠમાં જઈને વસી ગયા અને વિષને ગળાનાં ભાગથી નીચે જતાં અટકાવી દીધું. સમગ્ર હળાહળનું પાન કરી ચૂકેલા મહાદેવનાં ભૂરા રંગનાં કંઠને જોઇને ભગવાન વિષ્ણુએ એમને ‘નીલકંઠ’ નામ આપ્યું. દેવોને ભગવાન વિષ્ણુનું સંરક્ષણ પ્રાપ્ત હતું અને દાનવોને શુક્રાચાર્યનું! પરંતુ હળાહળની વિપરીત અસરોથી માનવજાતને બચાવવા માટે કોઇ આગળ ન આવ્યું હોવાથી ભગવાન બ્રહ્માએ મહાદેવને સમગ્ર સૃષ્ટિનાં રક્ષણકર્તા દેવ તરીકે નવાજ્યા. ઇન્દ્રએ શુક્રાચાર્યને સમગ્ર ઘટનાની બાતમી આપી. ખતરો ટળી ગયા હોવાની ખાતરી થતાં સમુદ્રમંથનની પ્રક્રિયા ફરી શરૂ કરી દેવામાં આવી. પરંતુ આ વખતે શુક્રાચાર્યે સ્વરભાનુ નામનાં દૈત્યને સમુદ્રમંથનમાંથી પ્રાપ્ત થનારી અમૂલ્ય નિધિઓ પર નજર રાખવા માટે નિયુક્ત કર્યો.
સમુદ્રમંથનનાં પરિણામે ક્ષીરસાગરમાંથી સર્વપ્રથમ દેવી લક્ષ્મી પ્રગટ થયા. પરંતુ દેવ-દાનવમાંથી કોઇ એમને ઓળખી ન શક્યું. તેઓએ દેવી લક્ષ્મીને ફક્ત એક સુંદર સ્ત્રીનાં સ્વરૂપમાં જોયા, જેથી અંદરોઅદર એમને મેળવવા માટે વિવાદ કરવા લાગ્યા! બીજી બાજુ, દેવી લક્ષ્મી પોતાનાં પતિને ખોળી રહ્યા હતાં. દેવી લક્ષ્મીનો પ્રેમ જોઇને સાગરનાં પેટાળમાંથી ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને કહ્યું કે ક્ષીરસાગરમાંથી ઉદભવ થયો હોવાને લીધે લક્ષ્મી હવે સાગરની પુત્રી ગણાય, આથી એમનું ભવિષ્ય નક્કી કરવાનો અધિકાર ભગવાન બ્રહ્મા પાસે છે. આટલું કહીને તેઓ ફરી અદ્રશ્ય થઈ ગયા.
ભગવાન વિષ્ણુની લીલા પારખી ચૂકેલા ભગવાન બ્રહ્માએ તાત્કાલિક દેવો-દાનવો વચ્ચેનું યુદ્ધ અટકાવી, દેવી લક્ષ્મી માટે સ્વયંવર આયોજિત કરવાની જાહેરાત કરી. આમ કરવા પાછળનું તેમનું પ્રયોજન એ હતું કે સ્ત્રીને કોઇ વસ્તુ કે માલિકીનાં ભાવરૂપે ન જોવી જોઇએ. પોતાનો પતિ નક્કી કરવાનો અધિકાર દરેક સ્ત્રીને છે. ભગવાન વિષ્ણુનાં આ વચન સાંભળીને હર્ષલ નામનાં રાક્ષસે ફૂલાઈને કાલકેતુ અસુરનાં વખાણ કરવાનું શરૂ કર્યુ. તેની બહાદુરી અને શૌર્યનાં ગુણગાન ગાઈને તેણે સૌને એવો ઇશારો આપ્યો કે દેવી લક્ષ્મી ફક્ત કાલકેતુ પર જ પોતાની પસંદગીનો કળશ ઢોળશે! સ્વયંવર ગોઠવાયો. તમામ દેવો-દાનવોએ તેમાં ભાગ લીધો હોવાથી દેવી લક્ષ્મીની ચિંતા વધતી જતી હતી. ભગવાન વિષ્ણુનો કોઇ અત્તોપતો નહોતો! પ્રત્યેક પુરૂષ પાસેથી પસાર થતી વખતે દેવી લક્ષ્મી દરેકનો અસ્વીકાર કરી રહ્યા હતાં. સૌથી છેલ્લે ઉભો હતો, કાલકેતુ! મનોમન તે પોરસાઈ રહ્યો હતો કે આખરે મારા સિવાય જગતમાં કોઇ વીરલો નથી જે આ સુંદરીને પરણી શકે! દેવી લક્ષ્મી પણ અસમંજસ અને દુવિધામાં મૂકાઈ ગયા હતાં. બરાબર એ જ વખતે ભગવાન વિષ્ણુએ સ્વયંવરમાં હાજરી આપી. દેવી લક્ષ્મીએ વિષ્ણુજીને પોતાનાં પતિ તરીકે સ્વીકાર્યા. બંનેનું પુન:મિલન જોઇને સૌકોઇ રાજી થયા. પરંતુ અસુરોને છેતરાયા હોવાની લાગણી થઈ. તેમણે સમુદ્રમંથન અટકાવવા માટે શુક્રાચાર્યને આજીજી કરી પરંતુ અસુરાચાર્યે તેમને મંજૂરી ન આપી! ત્યારબાદ ક્ષીરસાગરમાંથી જે કંઈપણ પ્રાપ્ત થયું એ અવિશ્વસનીય હતું. કેવા પ્રકારની નિધિઓ હતી એ? એવું તે શું ખાસ હતું જેનાં આધાર પર સદીઓથી કુંભની ઉજવણી થાય છે? જાણીશું આવતાં અઠવાડિયે. (ક્રમશ:)