જયેશ રાદડિયા વિરૂદ્ધ હાઈકોર્ટમાં થશે પિટિશન
સહકારી ક્ષેત્રનાં અગ્રણી હરદેવસિંહ જાડેજાએ ‘ખાસ-ખબર’ને આપી સ્ફોટક વિગતો
પટ્ટાવાળામાંથી ક્લાર્ક બનેલાં ઉમેદવારો પાંચ વર્ષમાં મેનેજર બની ગયા!
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બૅન્કનો વિવાદ ઠરવાનું નામ લેતો નથી, ઊલટું આ ડખ્ખો વધુ ને વધુ વકરતો જાય છે. થોડાં દિવસ પહેલાં ‘ખાસ-ખબર’એ રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેન્કનાં સ્વર્ગસ્થ જનરલ મેનેજર તારપરાની અગાઉની ઑડિયો ક્લિપ જાહેર કરી હતી- જેમાં તેઓ બૅન્કની ગંદી ભરતી પ્રક્રિયાનો ભાંડો ફોડી રહ્યાં છે. આજે સહકારી ક્ષેત્રનાં વજનદાર આગેવાન હરદેવસિંહ જાડેજા (રાજસમઢિયાળા)એ ‘ખાસ-ખબર’ સાથેની વાતચિતમાં કેટલીક સ્ફોટક માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે, રાજકોટ ડિસ્ટ્રિક્ટ બૅન્કની ભરતી પ્રક્રિયામાં ચાલતી ગોલમાલ સંદર્ભે તેઓ અને તેમનાં સાથીદારો એક અઠવાડિયામાં હાઈકોર્ટમાં પિટિશન કરી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, પિટિશન ડ્રાફટિંગની પ્રક્રિયા હાલ ચાલુ જ છે, ઘણાંબધાં પુરાવાઓ છે અને અન્ય પુરાવાઓ એકઠા કરાઈ રહ્યાં છે.
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બૅન્કની ભરતી પ્રક્રિયા અને તેનો વહિવટ ઠેઠ વિઠ્ઠલ રાદડિયાનાં સમયથી શંકાનાં પરિઘમાં છે. એ સમયે પણ ભરતી માટે પૈસા લેવાતાં હતાં- એવું સૂત્રો કહે છે અને પુત્ર જયેશ રાદડિયાએ પિતાની આ ગૌરવશાળી પરંપરાને આગળ ધપાવી છે. હરદેવસિંહ કહે છે: ‘છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન રાજકોટ ડિસ્ટ્રિક્ટ બૅન્કમાં કુલ 1100 લોકોની ભરતી થઈ છે જેમાંથી 900 ભરતી પટ્ટાવાળાની છે! આ બધાં પટ્ટાવાળાને 6 મહિના પછી કલાર્ક બનાવી દેવાયા છે અને તેમાંથી કેટલાંકને કલાર્કમાંથી માત્ર પાંચ વર્ષમાં જ મેનેજર બનાવી દેવામાં આવ્યાં છે! આ તમામ 900 કર્મચારીની ભરતી લાખો રૂપિયા લઈને કરવામાં આવી છે. હાલ ઉમેદવાર દીઠ જયેશભાઈ 45 લાખ રૂપિયા લે છે!’
હરદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, તેમની આ લડત ત્યાં સુધી ચાલુ રહેશે- જ્યાં સુધી બેન્કમાં પૂર્ણ સફાઈ ન થઈ જાય. ટૂંકમાં કહીએ તો આવનારા દિવસોમાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેન્કના ગેરવહિવટની અનેક વિગતો બહાર આવે- તેવી પૂરેપૂરી સંભાવના છે.
- Advertisement -
ખાસ-ખબરએ તા.14 એપ્રિલનાં રોજ RDC બૅન્કમાં ચાલતાં ગેરવહીવટનો પર્દાફાશ કર્યો હતો, બૅન્કનાં ભૂતપૂર્વ જનરલ મેનેજર સ્વ. તારપરાની ઑડિયો ક્લિપ આધારિત આ અહેવાલથી સહકારી ક્ષેત્ર અને રાજકીય ક્ષેત્રમાં હડકંપ મચી ગયો હતો.
મંત્રી તરીકે જયેશ રાદડિયાએ લીધેલાં નિર્ણયોની પણ સમીક્ષા થવી જોઈએ
પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય. જો જયેશ રાદડિયાએ જિલ્લા બૅન્કમાં આવો ગેરવહિવટ ચલાવ્યો હોય તો એમ કહી શકાય કે, આ જ તેમની તાસીર છે. આવી સ્થિતિમાં ગુજરાતનાં કેબિનેટ મંત્રી તરીકે તેમણે લીધેલાં દરેક મહત્ત્વપૂર્ણ નિર્ણયોનું પણ બારીકાઈથી સ્કેનિંગ થવું જોઈએ અને જ્યાં કશુંક શંકાસ્પદ લાગે ત્યાં- એ બાબતે તપાસ થવી જોઈએ.


