મહેશગિરી અંગૂઠાકાંડનાં એક્સપર્ટ: ભૂતનાથની જગ્યા પચાવવા ગજબનાક ખેલ નાંખ્યો?
વસંતગિરીની હાજરીમાં શિવગિરીની ચાદરવિધી કરાઈ તેનો બોલતો પુરાવો
- Advertisement -
ગિરનારથી સફાઈ કરવી હોય તો મહેશગિરીની હકાલપટ્ટી અનિવાર્ય: મહત્તમ સંતોનો આ જ અભિપ્રાય
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જૂનાગઢમાં ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા બાદ ચાદર વિધિ સહિતના મુદ્દે અનેક વિવાદો શરૂ થયા છે. આ વિવાદોના કેન્દ્રમાં જેમનું નામ ચર્ચાઈ રહ્યું છે તે ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગિરી વિરુદ્ધ વધુ એક પુરાવા સાથેની માહિતી પ્રાપ્ત થઈ છે જે અનુસાર ભૂતનાથ મહાદેવ મંદિરના મહંતની ગાદી પર પણ મહેશગિરી ખોટી રીતે બેસી ગયા છે, મહંતની ગાદી હડપ કરી લીધી છે.
- Advertisement -
જૂનાગઢના બહાઉદીન કોલેજ પાસે આવેલા ભૂતનાથ મહાદેવ મંદિરની જગ્યામાં મહંત પરંપરા ખૂબ સમૃદ્ધ રહી છે પરંતુ મહેશગિરીએ આ દિવ્ય જગ્યામાં પણ ગંદુ રાજકારણ રમી મહંત પરંપરાને મેલી કરી મૂકી છે. મહંત વસંતગિરીના બ્રહ્મલીન થતાની સાથે જ તેમના શિષ્ય શિવગિરીની જગ્યાએ મહેશગિરી ભૂતનાથ મંદિરમાં મહંત કઈ રીતે બની ગયા એ તપાસનો વિષય છે. અહીં અગાઉના મહંત વસંતગિરી ગુરુ વિશુધ્ધાનંદગિરીની પૂર્વે વિશુધ્ધાનંદગિરી ગુરુ બ્રહ્મગિરીજી હતા. તે પૂર્વે બ્રહ્મગિરીજી ગુરુ શાંતિગિરીજી હતા. તેની પહેલા શાંતિગિરીજી ગુરુ સોમગિરીજી હતા. વસંતગિરીના બ્રહ્મલીન થતાની સાથે જ મહેશગિરી ભૂતનાથ મહાદેવ મંદિરના મહંતની ગાદીએ ગેરકાયદે બિરાજી ગયા હોવાના કેટલાંક સનસનાટીભર્યા પુરાવા મળી રહ્યા છે.
પુરાવાઓ અને પ્રાપ્ત માહિતી અનુસાર ભૂતનાથ મહાદેવ મંદિરના તત્કાલીન મહંત વસંતગિરીની તબિયત લથડતા તેઓને જૂનાગઢમાં આવેલી ડો. ચીખલીયાની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. વસંતગિરીની સ્થિતિ જોઈ મહેશગિરીના મનમાં ભૂતનાથ મહાદેવ મંદિરના મહંતની ગાદી પર બિરાજવાના કોડ જન્મ્યાં હતા. તેથી તેઓએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વસંતગિરીના શિષ્ય તરીકે ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત તરીકે તેઓ બિરાજશે એવા લખાણ પર અંગૂઠા લઈ લીધા અને પોતાને ભૂતનાથ મંદિરના આગામી મહંત તરીકે જાહેર કરી દીધાં હતા. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે, મહેશગિરી માટે અંગૂઠા કાંડ કરવો નવી વાત નથી તેઓ આ પ્રકારના ષડ્યંત્રમાં માહેર છે.
પરંતુ અફસોસ.. મહેશગિરીના આ અંગૂઠા કાંડ પર એ સમયે પાણી ફરી વળ્યું જ્યારે વસંતગિરી હોસ્પિટલમાંથી સ્વસ્થ્ય થઈ ફરી ભૂતનાથ મહાદેવ મંદિરની મહંત ગાદીએ બિરાજી ગયા. હવે હોસ્પિટલમાંથી પરત આવેલા વસંતગિરીને મહેશગિરીની ચાલ સમજાઈ ગઈ હતી તેથી તેઓએ તાત્કાલિક પોતાનું વસિયતનામું બનાવ્યું એટલું જ નહીં પરંતુ ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત તરીકે તેમની બાદ તેમના શિષ્ય તરીકે શિવગિરીની ચાદર વિધિ પણ કરી નાખી. આમ, ભૂતનાથ મહાદેવ મંદિરના નવા મહંત શિવગિરી ગુરુ વસંતગિરી બન્યા હતા. હવે અસલી ખેલ ત્યારે શરૂ થયો જ્યારે ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત વસંતગિરી બ્રહ્મલીન થયા. વસંતગિરીના બ્રહ્મલીન થયા બાદ તેમના શિષ્ય શિવગિરીને મહંતની ગાદીએ બેસવા દેવામાં ન આવ્યા અને મહેશગિરી ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત બની ગયા. મહેશગિરી ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત બનતા વસંતગિરીએ કરેલા વસિયતનામું ઉપરાંત ચાદર વિધિની અવગણના કરવામાં આવી હોવાનું સ્પષ્ટ છે તેથી હાલમાં ચાલી રહેલા વિવાદો વચ્ચે ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત પદનો વિવાદ પણ વકરશે અને શિવગિરીને પોતાની મહંત ગાદી મળશે કે કેમ એ જોવું રહ્યું.
વસંતગિરીનું વીલ હજુ પણ સીલબંધ, ખુલશે એટલે મહેશગિરીનું મહંતપદ જશે
જૂનાગઢના મોટા મંદિરો અને ધાર્મિક સ્થાનો પર મહેશગિરીની નજર છે. તેઓ સામ, દામ, દંડ, બેદથી જાણે જૂનાગઢના મોટા મંદિરો અને ધાર્મિક સ્થાનો પર કબ્જો મેળવવા બેબાકળા બન્યા છે. તેઓએ ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત બનવા પણ ભૂતનાથ મહાદેવ મંદિરના તત્કાલીન મહંત હોસ્પિટલમાં સારવાર અર્થે હતા ત્યારે અંગૂઠા કાંડ કર્યા હોવાનું કહેવાઈ રહ્યું છે જે બાદ તત્કાલીન ભૂતનાથ મહાદેવ મહંત વસંતગિરીએ વીલ કર્યું હતું અને પોતાના શિષ્ય તરીકે શિવગિરીની ચાદર વિધિ પણ કરેલી હતી. હવે જ્યારે વસંતગિરીનું સીલ બંધ વીલ ખુલશે ત્યારે મહેશગિરીનું મહંત પદ જશે એ નક્કી છે.
વસંતગિરીએ જે વસીયત બનાવી છે – એ જ સાચી: શિવગિરીની ચાદરવિધિ પણ થયેલી છે
વસંતગિરી ક્યારેય અંગૂઠો મારતા જ નહીં, સહી કરતા એટલે મહેશગિરીનું અંગૂઠા કાંડનો આસાનીથી પર્દાફાશ થશે
મહેશગિરીએ જૂનાગઢમાં ડો. ચીખલીયાની હોસ્પિટલમાં જઈ કેટલાક લખાણ પર વસંતગિરીના અંગૂઠાના નિશાન લઈ લીધા હતા. સારવાર લઈ રહેલા વસંતગિરી સભાન અવસ્થામાં પણ ન હતા ત્યારે તેમની જાણ બહાર મહેશગિરીએ લઈ લીધેલા અંગૂઠાના નિશાનની જાણ જ્યારે વસંતગિરીને સારવાર બાદ સ્વસ્થ્ય થઈ પરત ફર્યા ત્યારે થઈ હતી અને તેઓએ નવું સીલ બંધ વીલ બનાવી પોતાના શિષ્ય તરીકે શિવગિરીની ચાદર વિધિ કરી હતી. જોકે વસંતગિરીના બ્રહ્મલીન બાદ મહેશગિરીએ પોતે ભૂતનાથ મહાદેવના મહંત બનશે એવા લખાણ દર્શવતા તેની પર વસંતગિરીના અંગૂઠાના નિશાન હતા ત્યારે આખો ખેલ ઉઘાડો પડી ગયો હતો કારણ કે, વસંતગિરી હંમેશા સહી જ કરતા હતા તેઓ ક્યારેય અંગૂઠો મારતા ન હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.