ખાસ-ખબર સંવાદદાતા
પત્રકારત્વ અને ફોટોગ્રાફી જગતના દિગ્ગજ એવા મધુરીબેન કોટકનું ગુરુવારે 92 વર્ષની વયે મુંબઈમાં નિધન થયુ છે. મધુરીબેન કોટક ‘ચિત્રલેખા’નાં સંસ્થાપક સ્વર્ગસ્થ વજુ કોટકના ધર્મપત્ની અને ‘ચિત્રલેખા સાપ્તાહિક’ના સહસંસ્થાપક હતા. મધુરીબેન કોટકે કારકીર્દિની શરુઆત ફોટોગ્રાફીથી કરી હતી. તેઓ 60 અને 70ના દાયકામાં ખૂબ જાણીતા મહિલા ફોટોગ્રાફર હતા. દેશના પ્રથમ મહિલા ફોટોગ્રાફર હોમાઇ વ્યારાવાલા પછી મહિલા ફોટોગ્રાફરમાં સૌથી વધુ જાણીતુ નામ મધુરીબેન કોટકનું છે. તેમણે ‘ચિત્રલેખા’નાં સંસ્થાપક સ્વર્ગસ્થ વજુ કોટક પાસેથી જ પત્રકારત્વ અને ફોટોગ્રાફીના પાઠ શીખ્યા હતા. જો કે તેમનું નામ ‘ચિત્રલેખા’નાં સહસંસ્થાપક તરીકે પણ ખૂબ જ જાણીતુ બન્યુ. તેમણે ‘ચિત્રલેખા’ સિવાય ‘બીજ’ અને ‘જી’ ફિલ્મ મેગેઝિન માટે પણ ઘણો અમૂલ્ય ફાળો આપ્યો છે. પતિની હયાતીમાં આ સામયિકોનાં સંપાદન અને પ્રકાશનકાર્યમાં મર્યાદિત ફાળો આપતાં મધુરીબેન કોટકે, વજુ કોટકના અવસાન પછી તે અંગેની સમગ્ર જવાબદારી સંભાળી લીધી હતી.
આ ત્રણેય મેગેઝીનમાં મધુરીબેન કોટકના ફોટોગ્રાફ્સ છપાતા હતા. મધુરીબહેનના પત્રકારત્વક્ષેત્રના આ સાહસમાં શરૂઆતમાં જે કેટલાક લેખક મિત્રોનો સાથ સહકાર મળ્યો હતો. જેમાં કવિ, લેખક અને સિનેપત્રકાર વિજયગુપ્ત મૌર્ય, જિતુભાઈ મહેતા, કવિ વેણીભાઈ પુરોહિત, હરીશ બૂચ તથા નવલકથાકાર સ્વ. હરકિસન મહેતા વિશેષ ગણી શકાય છે.