રાજકોટવાસીઓની લાંબા સમયની પ્રતીક્ષાનો હવે ટૂંક સમયમાં આવશે અંત
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટથી અમદાવાદ અને જામનગર જવા માટે મહત્ત્વના માધાપર ઓવરબ્રિજની કામગીરી હવે વાસ્તવિકતામાં પૂર્ણતાના આરે પહોંચી છે અને આગામી તા.25મી બાદ તેનું લોકાર્પણ કરી શકાશે તેમ સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળે છે. ઓવરબ્રિજનું કામ પૂર્ણ થયા બાદ વહીવટી તંત્ર દ્વારા તેનું લોકાર્પણ કોના હસ્તે કરાવવું તેનો નિર્ણય લેવાશે તેમ જાણવા મળે છે. આ ઓવરબ્રિજ ખુલ્લો મુકાયા બાદ 50 હજારથી વધુ વાહનચાલકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે. માર્ગ અને મકાન વિભાગ રાજકોટના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર માધાપર ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે અને શનિવારે સવારથી 400થી 450 મીટરના એપ્રોચ રોડ પર ડામરનું કામ શરૂ કરી દેવાશે. આ કામ અઢીથી ત્રણ દિવસમાં પૂર્ણ કરી લેવાશે. ત્યારબાદ બેથી ત્રણ દિવસ ડામર સુકાવવા દીધા બાદ તેના પર થર્મો પ્લાસ્ટના સફેદ પટ્ટા, રેડિયમ અને સાઇન બોર્ડ લગાવવાની કામગીરી એક દિવસમાં પૂર્ણ કરી લેવાશે. આમ તમામ કામગીરી મોડામાં મોડી તા.25મી સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થઇ જશે અને ત્યારબાદ ગમે ત્યારે ઓવરબ્રિજ ખુલ્લો મૂકી શકાશે. એજન્સીની કામની મુદત ગત એપ્રિલ માસમાં પૂર્ણ થઇ ગઇ છે ત્યારે એજન્સીએ ફરી મુદત વધારો માગ્યો છે.
- Advertisement -
દૈનિક 50 હજારથી વધુ વાહનચાલકોને ટ્રાફિક સમસ્યામાંથી ટૂંક સમયમાં મળશે કાયમી મુક્તિ
દિવાળી પહેલા અન્ડર પાસની કામગીરી શરૂ થઇ જશે
માર્ગ અને મકાન વિભાગના સૂત્રોએ જણાવ્યા અનુસાર ઓવરબ્રિજનું લોકાર્પણ થઇ ગયા બાદ વહેલામાં વહેલી તકે અન્ડર પાસનું કામ ચાલુ કરી દેવાનું આયોજન છે. જેના માટે આરએમસી અને અન્ય એજન્સીઓ સાથે નળ કનેક્શન, ગેસ કનેક્શન, બીઆરટીએસ સહિતના મુદ્દે હાલમાં વાટાઘાટ ચાલી રહી છે અને અમારી ગણતરી વહેલામાં વહેલી તકે અન્ડર પાસની કામગીરી શરૂ કરી દેવાની છે. સંભવત: નવરાત્રીથી દિવાળી વચ્ચેના ગાળામાં અન્ડર પાસની કામગીરી શરૂ થઇ જશે.