હુડો ટીટોડોના રાહડાની ધૂમ વચ્ચે માનવ મહેરામણ હિલોળે ચડ્યું
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી ખાતે બિરાજતા મચ્છુ માતાજી મંદિર દ્વારા વર્ષોથી અષાઢી બીજના પાવન અવસરે મચ્છુ માતાજીના પ્રાગટય દિનની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણી અંતર્ગત વર્ષોથી પરંપરાગત રીતે રબારી-ભરવાડ સમાજ દ્વારા મચ્છુ માતાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે આ શોભાયાત્રા યોજાઈ ન હતી ત્યારે કોરોના મહામારીના બે વર્ષ બાદ આજે અષાઢી બીજનાં પાવન અવસર પર સવારે 09:30 કલાકે મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં આવેલ મચ્છુ માતાજીની જગ્યા ખાતેથી ભરવાડ સમાજના ધર્મગુરુ 1008 મહામંડલેશ્વર ઘનશ્યામપુરી મહારાજે મચ્છુ માતાજીની ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો અને આ ભવ્ય શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પરથી નીકળી હતી જેમાં હૈયે હૈયું દળાય તેવી ભીડ વચ્ચે ભરવાડ રબારી સમાજના લોકો પરંપરાગત વેશભૂષા સાથે આસ્થાભેર શોભાયાત્રામાં જોડાયા હતા અને જાણે માનવ સેલાબ રસ્તા પર વહી રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. વિશાળ શોભાયાત્રા દરમિયાન ગીત સંગીતના સથવારે રબારી-ભરવાડ સમાજના યુવક યુવતીઓ ઝૂમી ઉઠયા હતા અને હુડો ટીટોડો જેવા પરંપરાગત નૃત્ય અને રાસ ગરબા સાથે શોભાયાત્રામાં અનોખો માહોલ સર્જાયો હતો.
- Advertisement -
આ શોભાયાત્રાના નિર્ધારિત રૂૂટ પર વિવિધ સંસ્થાઓ દ્વારા ચા પાણી, ઠંડી છાસ, સરબત, દૂધ કોલ્ડ્રીંકસનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ આજના પાવન અવસરે હજારો ભાવિકોએ મહાપ્રસાદ લીધો હતો અને રાત્રે લોકડાયરાનો પણ કાર્યક્રમ યોજાવામાં આવ્યો છે. વધુમાં આ દિવસે મચ્છુ માતાજીની જગ્યાના મહંત ગાડુંભગત નિવૃત થતા હોય તેમના પૌત્ર કીશનભગતની ગાદી તિલક વિધિ કરવામાં આવી હતી અને કિશનભગતને મહંતની પદવી સોંપવામાં આવી હતી.
- Advertisement -
ચાંપતો પોલીસ બંદોબસ્ત, 100થી વધુ સુરક્ષા જવાનો રહ્યા ખડેપગે
મોરબીમાં ભરવાડ રબારી સમાજ દ્વારા અષાઢી બીજના પાવન અવસરે યોજાતી મચ્છુ માતાજીની આ ભવ્ય શોભાયાત્રા જે સૌરાષ્ટ્રની સૌથી મોટી બીજી શોભાયાત્રા હોવાથી કોઈ અનીચ્છનીય બનાવ ન બને તે માટે જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી, 4 પીઆઈ, 12 પીએસઆઈ, એએસઆઈ, કોન્સ્ટેબલ, હોમગાર્ડ અને જીઆરડી સહિતના 100 થી વધુ જવાનોનો કાફલો ખડેપગે રહ્યો હતો.