ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ગોવાના બિર્ચ નાઈટ ક્લબમાં આગ લાગ્યાના પાંચમા દિવસે ક્લબના માલિકો અને ભાઈઓ સૌરભ અને ગૌરવ લુથરાની થાઈલેન્ડમાં ધરપકડ કરવામાં આવી છે. થાઈ પોલીસ સાથે ભાઈઓના ફોટા સામે આવ્યા છે. તેમને હાથકડી લગાવેલી છે અને તેમના હાથમાં પાસપોર્ટ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય અધિકારીઓની એક ટીમ થાઇલેન્ડ જવા રવાના થઈ ગઈ છે અને 24 કલાકની અંદર લુથરા બ્રધર્સને પાછા લાવશે. ભારત પાછા લાવ્યા પછી ગોવા પોલીસ તેમને કસ્ટડીમાં લે એવી શક્યતા છે. બ્રિચ નાઈટ ક્લબમાં 6 ડિસેમ્બરના રોજ આગ લાગવાથી 25 લોકોનાં મોત થયાં હતાં. ઘટના પછી બંને ભાઈ ભારત છોડીને થાઈલેન્ડ ભાગી ગયા હતા. બંને ભાઈ પર બિનઈરાદાપૂર્વકની હત્યા અને બેદરકારીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. ઈન્ટરપોલે ભાઈઓ વિરુદ્ધ બ્લૂ કોર્નર નોટિસ જારી કરી હતી.
આ બાજુ, ગોવા પોલીસે લુથરા બ્રધર્સના પાસપોર્ટ સસ્પેન્ડ કરી દીધા છે. વિદેશ મંત્રાલય અનુસાર, પાસપોર્ટ એક્ટ 1967ની કલમ 10અ હેઠળ કેન્દ્ર સરકાર અથવા તેના નિયુક્ત અધિકારી કોઈનો પણ પાસપોર્ટ સસ્પેન્ડ કરી શકે છે. જેનો પાસપોર્ટ સસ્પેન્ડ કરવામાં આવે છે તે એ પાસપોર્ટ પર દેશની બહાર જઈ શકતો નથી. જોકે લુથરા બ્રધર્સ પહેલાંથી જ દેશ છોડીને ભાગી ચૂક્યા છે, તેથી તેમના કેસમાં પાસપોર્ટ અસ્થાયી રૂપે અમાન્ય કરી દેવાયા છે, જેનાથી તેઓ થાઈલેન્ડ છોડીને બીજા દેશમાં ન જઈ શકે. ઉત્તર ગોવા જિલ્લા વહીવટીતંત્રે નાઈટક્લબ, હોટલ અને અન્ય પ્રવાસીઓની હાજરીવાળા વિસ્તારોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. નાઈટક્લબમાં આગ ઇલેક્ટ્રિક ફટાકડાને કારણે લાગી હતી. લુથરા બ્રધર્સની જામીન અરજી પર દિલ્હીની રોહિણી કોર્ટમાં સુનાવણી થશે.
ગોવા પોલીસે લુથરા બ્રધર્સના પાસપોર્ટ સસ્પેન્ડ કરી દીધા છે. વિદેશ મંત્રાલય અનુસાર, પાસપોર્ટ અધિનિયમ, 1967ની કલમ 10અ હેઠળ, કેન્દ્ર સરકાર અથવા તેના નિયુક્ત અધિકારી પાસપોર્ટ સસ્પેન્ડ કરી શકે છે.
- Advertisement -
લુથરા બ્રધર્સે આગ લાગવાના સમયે થાઈલેન્ડની ટિકિટ બુક કરાવી હતી
તપાસ એજન્સીઓ મુજબ, સૌરભ અને ગૌરવ લુથરાએ થાઈલેન્ડ માટે ફ્લાઇટ ટિકિટ એ સમયે બુક કરાવી, જ્યારે ગોવામાં તેમની નાઈટ ક્લબમાં ફાયરબ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવાનો અને ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે લુથરા ભાઈઓએ 6-7 ડિસેમ્બરની રાત્રે 1:17 વાગ્યે ઓનલાઈન ટ્રાવેલ કંપનીની વેબસાઇટ પર લોગ ઇન કર્યું હતું. બંને સવારે 5:30 વાગ્યે ઇન્ડિગો ફ્લાઇટ 6ઊ 1073થી દિલ્હીથી ફુકેત માટે રવાના થઈ ગયા. લુથરા બ્રધર્સ, તેમના બિઝનેસ પાર્ટનર, મેનેજર અને કેટલાક કર્મચારીઓ દિલ્હીના રહેવાસી છે, તેથી ગોવા પોલીસની સાથે હવે દિલ્હી પોલીસ પણ અગ્નિકાંડ મામલાની તપાસ કરી રહી છે. દિલ્હીમાં પણ એક કેસ દાખલ કરવામાં આવ્યો છે.



