દિનેશ સદાદિયા એન્ડ કંપની કોઇને ગાંઠતી નથી
કોર્પોરેશનની શાળામાં જમણવાર યોજવા કમિશનરની મંજૂરી અનિવાર્ય છતાં કોઇ પરમિશન ન લેવાઇ!
- Advertisement -
શિક્ષણ સંઘના દિનેશ સદાદિયાની મનમાની સામે ચેરમેન, શાસનાધિકારીની શરણાગતિ…
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શિક્ષણ સમિતિનું તંત્ર દિન-પ્રતિદિન ખાડે જઈ રહ્યું છે. સમિતિના ચેરમેન, શાસનાધિકારી, સભ્યોથી લઈ કર્મચારીઓમાં સંકલનની ભયંકર અભાવ જોવા મળી રહ્યો છે. આજ રોજ ગુજરાત નગર પ્રાથમિક શિક્ષક સંઘ – ઘટક રાજકોટ દ્વારા શહેરના અંબાજી કડવા પ્લોટમાં આવેલી શાળા નં.69 ખાતે વાર્ષિક સાધારણ સભા અને નિવૃત્ત શિક્ષક સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમની સાથે જમણવારનું પણ આયોજન છે. હવે કોર્પોરેશનની શિક્ષણ સમિતિને સંલગ્ન શાળામાં યોજાનારા આ કાર્યક્રમમાં જમણવારની મંજૂરી મામાના ભાણા સિવાય કોણે આપી એ કોઈ જ જાણતું નથી.
ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશન સંલગ્ન શિક્ષણ સમિતિની શાળામાં કોઈ જાહેર કાર્યક્રમ કરવા કે ભોજન સમારોહ યોજવા શાળા ભાડે મેળવવા માટેનું ફોર્મ ભરી મંજૂરી મેળવવી અનિવાર્ય છે. આમ છતાં આજરોજ ગુજરાત નગર પ્રાથમિક શિક્ષક સંઘ – ઘટક રાજકોટ દ્વારા આયોજિત વાર્ષિક સાધારણ સભા અને નિવૃત્ત શિક્ષક સન્માનના કાર્યક્રમ સાથે ભોજન સમારોહ યોજવાની મંજૂરી કોર્પોરેશનમાંથી લેવામાં આવી નથી. આમ, શિક્ષણ સમિતિમાં અંધેરી નગરીમાં સૌ કોઈ રાજા જેવું શાસન ચલાવીને એકબીજા પર જવાબદારીની ફેંકાફેંકી કરી રહ્યા છે અને શિક્ષક સંઘના દિનેશ સદાદિયાની મનમાની સામે સૌ ઘૂંટણિયે હોય તેવું લાગી રહ્યું છે.
- Advertisement -
ચેરમેન પુજારાએ જમણવારની મંજૂરી મામલે ગોળગોળ જવાબ આપ્યા
રાજકોટ શિક્ષણ સમિતિની શાળા નં 69માં આજરોજ શિક્ષક સંઘના યોજાનારા કાર્યક્રમની મંજૂરી કોણે આપી એવો સવાલ ખાસ-ખબર દ્વારા કરવામાં આવતા ચેરમેન વિક્રમ પૂજારાએ ગોળગોળ જવાબ આપ્યા હતા અને અંતે આશરે પંદર મિનિટની વાતચિત પછી પણ જણાવ્યું નહતું કે શિક્ષક સંઘને કોર્પોરેશનની શાળામાં જમણવાર યોજવાની મંજૂરી કોણે આપી છે? તેમની વાતચિત પરથી એવું જણાતું હતું કે, તેઓએ મૌખિત મંજૂરી આપી હશે.
કોર્પોરેશનની શાળામાં જમણવારના કાર્યક્રમ ન કરવા જોઈએ, શહેરમાં હોટેલ-રેસ્ટોરન્ટ ઘણા છે : ઠાકર
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે ખાસ-ખબર સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, કોર્પોરેશનની શાળામાં શિક્ષકોએ જમણવારના કાર્યક્રમ ન કરવા જોઈએ. વિદાય સમારોહ કે સાધારણ સભા સાથે ભોજન સમારોહ કરવા હોય તો શહેરમાં અનેક હોટેલ-રેસ્ટોરન્ટ આવેલી છે ત્યાં કરવા જોઈએ. કોર્પોરેશન શાળાનો દુરુપયોગ ચલાવી લેવામાં આવશે નહીં અને આ કાર્યક્રમમાં મંજૂરી વિના યોજનારા ભોજન સમારોહ મામલે મ્યુનિસિપલ કમિશનરનું પણ ધ્યાન દોરવામાં આવશે, અંતિમ નિર્ણય અને તપાસના આદેશ મ્યુનિસિપલ કમિશનર આપી શકે છે.
કોર્પોરેશનમાંથી કાર્યક્રમ યોજવાની મંજૂરી નથી લેવાઈ
આજરોજ ગુજરાત નગર પ્રાથમિક શિક્ષક સંઘ – ઘટક રાજકોટ દ્વારા શાળા નં 69 ખાતે વાર્ષિક સાધારણ સભા અને નિવૃત્ત શિક્ષક સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. કોર્પોરેશનની શાળામાં આ કાર્યક્રમ કરવા અને ભોજન સમારોહ યોજવા કોર્પોરેશનમાંથી કોઈ જ મંજૂરી લેવામાં આવી નથી એવું ખાસ-ખબરને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરના પી.એ. રામાનુજે જણાવ્યું હતું. નોંધનીય છે કે, કોર્પોરેશનની શાળામાં અગાઉ જયારે જમણવારના કાર્યક્રમ યોજાયા છે ત્યારે કમિશનરની મંજૂરી ફરજિયાત લેવડાવવામાં આવી છે.