DCP ઝોન-2 મનોહરસિંહ જાડેજાની રાહબરી હેઠળ વધુ એક સફળતા
ખાસ-ખબર સંવાદદાતા
તાજેતરમાં રાજકોટમાં ભરતી પરીક્ષાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. પોલીસ ખાતામાં પોતાને મોટી ઓળખાણ છે તેમ કહી ભરતીમાં પરીક્ષા વગર પાસ કરાવી આપવાની લાલચ આપી એલ.આર.ડી. તથા પી.એસ.આઈ.ના ઉમેદવારો પાસેથી મોટી રકમ મેળવી વિશ્ર્વાસઘાત અને છેતરપિંડી કરતી ટોળકીની તપાસ દરમિયાન ગુન્હામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી છે.
- Advertisement -
આ ભરતી પ્રક્રિયામાં કોઈ ઉમેદવારોને કોઈ લોકો લોભ-લાલચ આપી છેતરે નહીં તે માટે રાજકોટ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનાઓએ તકેદારી રાખવા સૂચના આપી હતી. તે દરમિયાન ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાને ખાનગી રાહે બાતમીદાર મારફતે હકીકત મળી કે રાજકોટ શહેરના કેટલાક ઉમેદવારોને પોલીસમાં ભરતી કરાવવા માટે અમુક લેભાગુ તત્ત્વો ઉમેદવારો પાસેથી પૈસાની માગણી કરે છે. જે હકીકત આધારે ડીસીપી જાડેજાએ સૂચના કરેલ કે આરોપીઓ વિદેશ નાસી જવાની ફિરાકમાં છે તેથી તેઓ નાસી જાય તે પહેલાં ભોગ બનનાર ઉમેદવારો શોધી તેમની પાસેથી આરોપીઓની હકીકત મેળવી ખૂબ જ ગુપ્ત રાહે સમગ્ર ઓપરેશન પાર પાડવા સૂચનાઓ આપી હતી. ત્યારે ઉપરી અધિકારીઓના માર્ગદર્શન મુજબ ગાંધીગ્રામ પો.સ્ટે.ના પો.ઈન્સ. કે. એ. વાળા ગાંધીગ્રામ પોલીસની અલગ અલગ ચાર ટીમો બનાવી ખાનગીરાહે લેભાગુ વ્યક્તિઓની વાતોમાં ફસાયેલ ઉમેદવારોની શોધખોળ કરી તે લોકોને વિશ્ર્વાસમાં લઈ તેઓ ખરેખર છેતરપિંડીનો ભોગ બન્યા છે તેમ સમજાવી તેઓની પાસેથી આરોપીઓની ઝીણવટભરી માહિતી મેળવવા તજવીજ કરવામાં આવેલી હતી.
વધુમાં આ કામના આરોપી ક્રિષ્નાબેન ભરડવા (રહે. જૂનાગઢ) તથા જેનીશભાઈ પરસાણા (રહે. જામનગર)વાળાઓએ પોતાને તથા અન્ય સાહેદોને પોતાને પોલીસ ખાતામાં મોટી ઓળખાણ છે તેમ આરોપીઓએ જણાવી કોઈએ પોલીસની રનીંગ તેમજ લેખિત પરીક્ષા આપવાની નહીં અને સીધો જોઈનીંગ લેટર મળી જશે તેવો વિશ્ર્વાસ આપી દસ ઉમેદવારો પાસેથી દરેકના રૂા. 1,10,000 તથા અન્ય બે સાહેદો પાસેથી રૂા. 4,00,000 લઈ કુલ રૂા. 15,00,000 મેળવી ફરી. તથા સાહેદો સહિત કુલ 12 ઉમેદવારોને નોકરી નહીં અપાવી આ કામના આરોપીઓએ તેઓની સાથે છેતરપિંડી અને વિશ્ર્વાસઘાત કરી ગુન્હો આચરેલ હતો ત્યારે આ કામના અન્ય બે આરોપીઓની ગણતરીની કલાકોમાં ધરપકડ કરી હતી.