સિદ્ધાર્થ રાઠોડ
પ્રેમની શરૂઆત ભલે એકમાર્ગી હોય, પણ તેની સમાપ્તિ બહુમાર્ગીય હોય તો તે જીવનની સૌથી મોટી સાર્થકતા છે
- Advertisement -
પ્રસ્થાન:
જો મેં ઇતના જાણતી કી પ્રીત કિયે દુ:ખ હોય,
તો નગર ઢીનઢોરા પિટતી કે પ્રીત ન કરીયો કોઈ
-મીરાબાઇ
મૂળભૂત રીતે આપણે બધા લાગણીશીલ માણસો છીએ. આપણે લાગણીને કોઈને કોઈ સાથે જોડી છીએ અને એથી અપેક્ષા રાખી છીએ કે સામેવાળી વ્યક્તિ પણ આપણા પ્રત્યે એવી લાગણી રાખે બટ ધેટ્સ નોટ લાઇક ઈટ! કોઈ વ્યક્તિ સાથે અપેક્ષા જોડશું તો તે જ અપેક્ષા આપણાં દુ:ખનું કારણ બનશે.
કોઈને પ્રેમ કરીએ અને બદલામાં એવા જ પ્રેમની અપેક્ષા રાખીએ તો બને કે એવો પ્રતિભાવ ન મળે અને એ વ્યક્તિ અપેક્ષા મુજબ ન વર્તે તો આપણે દુ:ખી થઈ જઈએ. તો શું કોઈને પ્રેમ જ ન કરવો? વેઇટ, આ વાક્ય જ ખોટું છે. કરવો પડે પ્રેમ નહીં પણ થઈ જાય એ જ પ્રેમ છે. બે ચુંબકોને એકબીજાથી દૂર રાખો તો લાગે પણ નહીં કે બંને વચ્ચે કંઈ છે પણ જેવા જ બંનેને નજીક લાવો તો ખબરેય ન પડે કે આ બંને એકબીજાથી અલગ છે એવા સજ્જડરીતે ચોંટી જાય.
તો આપણે અપેક્ષા રાખીએ તો દુ:ખી થવાના છીએ પણ સામા પક્ષે એવુંય નથી કે આપણે સાવ અપેક્ષાવિહીન બની જઈએ. સાવ અપેક્ષા ન હોવી જોઈએ એ સાવ અમાનવીય વાત છે. આપણી પાસે દિલ છે તો દિલ કોઈને લાગવાનું જ છે અને દિલ લાગ્યું છે તો તેમાં દિલ તૂટવાના ચાન્સીસ પણ રહેલા છે તોપણ તેનો અર્થ એવો નથી કે આપણે કોઈ સાથે દિલ ન લગાવી. હકીકતમાં આપણે આ પૃથ્વી પર આવ્યા જ એટલે છીએ કે કોઈ વ્યક્તિ કે કોઈ જગ્યા કે કોઈ કાર્ય સાથે દિલ લગાવીને જીવીએ.
કોઈને (અથવા કોઈ કામ પ્રત્યે) દિલ લગાવીએ અને એ સામે એવો પ્રત્યુત્તર આપે તો કોઈ વાંધો નથી પણ જો એ દિલ તોડે તો ફરીવાર (એ દુ:ખ જ છે ને સહન થઈ જશે યાર!) બીજા કોઈને દિલ લગાવશું. ફરીવાર એ ઝનૂન, એ પેશન અનુભવશું એ જ તો મૃત્યુલોકમાં આવવાની મજા છે.
પોતાની જાતને કોઈમાં ખોઈ નાખવી! બીજી આપણા જીવનની શું સાર્થકતા છે? તેનો અર્થ એમ નથી કે બધા પાસેથી અપેક્ષા રાખીને તે વ્યક્તિને અપેક્ષા નીચે દબાવી દેવાની. એક વાત યાદ રાખવા જેવી છે કે પ્રેમમાં તમે કોઈને સ્વતંત્રતાથી મોટી ભેંટ ન આપી શકો. જો તે તેની કદર કરે અને એ લાગણીને તમારા જેટલી જ ઉત્કટતાથી અનુભવે તો યુ આર લકી. જો એમ ન થાય તો બેટર લક નેક્સ્ટ ટાઈમ. હું માનું છું કે આ લખવા જેટલું તે કામ સરળ નથી પણ યાર આ જ આપણા જીવનની સૌથી મોટી ભવ્યતા છે જે બહુ ઓછા લોકોના નસીબમાં હોય છે. આપણાં બધાના મનમાં વે ઈચ્છા હોય છે કે આપણે બધા એટલા ખોવાઈ જાય કે આપણે દુ:ખો, આપણી ઈચ્છાઓ, આપણી આસપાસની દુનિયા અને ખુદ આપણી જાતને ભૂલી જઈએ! ઇટ્સ ધ ગ્રેટેસ્ટ પ્લેઝર વન કેન એવર હેવ! આપણા બધાના મનમાં એ સુષુપ્ત ઈચ્છા કોઈ અંધારે ખૂણે પડેલી હોય છે. પ્રેમ આપણી એ ઈચ્છા ફલિત કરે છે તો શું તે ઈશ્વરે આપેલો સૌથી મોટો આશીર્વાદ નથી?
પ્રેમ એ બંધન નથી પણ સ્વતંત્રતાનો પૂરક છે. પ્રેમની શરૂઆત ભલે એકમાર્ગી હોય પણ તેની સમાપ્તિ બહુમાર્ગીય હોય તો એ જીવનની સૌથી મોટી સાર્થકતા છે.
પૂર્ણાહુતિ:
પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર તત્વનું તૂપણું તુચ્છ લાગે,
દુબળા ઢોરનું કુશકે મન ચરે ચતુરધા મુક્તિ તેઓ નવ માંગે.
-નરસિંહ મહેતા



