ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના લોઠડા ગામે કાન વીંધવાનું કામ કરતા ગોપાલભાઈ ભદુભાઈ સોલંકીની હત્યાના કેસમાં આરોપી ભલાભાઈ ડાયાભાઈ બાવળીયાને ગુજરાત હાઈકોર્ટે ચાર્જશીટ પહેલા જ જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.
- Advertisement -
ઘટના 17 મે, 2025ના રોજ બની હતી. આરોપી પરબતભાઈના ઘરે તેમની પત્ની મંજુલાબેનના કાનમાં કડી ફીટ કરવા ગોપાલભાઈ ગયા હતા. બાદમાં, મંજુલાબેનની કાનમાંથી એક કડી ઓછી જણાતા, ગોપાલભાઈ પર તે કડી કાઢી લીધાની શંકા ગઈ હતી. પરબતભાઈએ ગોપાલભાઈને શોધીને પોતાના ઘરે લાવ્યા અને કડી બાબતે પૂછપરછ કરતા ઝઘડો થયો હતો. આરોપી પરબતભાઈ, તેમનો બાળકિશોર દીકરો, ભલાભાઈ ડાયાભાઈ બાવળીયા, સોમાભાઈ મીઠાભાઈ બાવળીયા અને રાહુલભાઈ જીતેશભાઈ સાકરીયા (તમામ લોઠડાના રહેવાસી)એ ગોપાલભાઈને લાકડી, પ્લાસ્ટિકના પાઈપ અને ઢીકાપાટુ વડે માર માર્યો હતો. ગોપાલભાઈએ કડી વિશે કશું ન કહેતા, આરોપીઓ તેમને ગાડીમાં બેસાડી લોઠડા ગામની સીમમાં લઈ ગયા હતા અને ત્યાં ફરીથી લાકડી તથા પાઈપ વડે આડેધડ ઈજા પહોંચાડી હતી, જેના કારણે ગોપાલભાઈનું મૃત્યુ થયું હતું.
આ ઘટના અંગે 18 મે, 2025ના રોજ રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (ઇગજ)ની કલમ 103(1), 90(3), 3(4), 119(1), 189(2), 191(2), 191(3), 190 તથા ગુજરાત પોલીસ એક્ટ 135(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપી ભલાભાઈ ડાયાભાઈ બાવળીયાએ રાજકોટ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી, જે રદ થતાં તેમણે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. વકીલ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો અને વડી અદાલતના રજૂ કરાયેલા ચુકાદાઓને ધ્યાનમાં લઈને ગુજરાત હાઈકોર્ટે આરોપી ભલાભાઈ ડાયાભાઈ બાવળીયાને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં આરોપી વતી એડવોકેટ ભરતભાઈ ડી. સાપરા, રણજીત બી. મકવાણા, જીગ્નેશ એમ. સભાડ, ભાર્ગવ ડી. બોડા, યોગેશ જાદવ, સરોજ વિઝુડા અને ગુજરાત હાઈકોર્ટમાં મિહિરભાઈ વખારીયા રોકાયેલા હતા.