ગ્રીનકાર્ડ ન હોય તો પણ અમેરિકા પાછા જવાની કાયદાકીય જોગવાઈ અને પ્રક્રિયા
મહેશ અને મીનાક્ષી અમેરિકાનું ગ્રીનકાર્ડ ધરાવતા હતા. મહેશના મોટાભાઈએ એના લાભ માટે ‘ફેમિલી ફોર્થ પ્રેફરન્સ કેટેગરી’ હેઠળ ગ્રીનકાર્ડનું પિટિશન દાખલ કર્યું હતું. જેમાં મહેશની પત્ની મીનાક્ષી પણ ડિપેન્ડન્ડ તરીકે હતી. વર્ષોની વાટ જોયા પછી એ બેઉંને ‘ઈમિગ્રન્ટ વિઝા’ મળ્યા એ મેળવીને તેઓ અમેરિકામાં દાખલ થયા અને થોડા સમયમાં એમને ગ્રીનકાર્ડ આપવામાં આવ્યા.
- Advertisement -
હજુ તો એમને ત્યાં પહોંચ્યાને છ-બાર મહિના થયા હશે એટલામાં મહેશની પત્ની મીનાક્ષી અને એના મોટાભાઈની પત્ની મયુરી એ બે વચ્ચે કજિયા-કંકાસ શરૂ થયા. તું આમ નથી કરતી, તેમ નથી કરતી, તું આળસુની જેમ પડી રહે છે, અમને કામમાં મદદ નથી કરતી, આ અમેરિકા છે ભારત નથી આવા આવા રોજ રોજ એમના ઝઘડા થતા હતા.
આખરે એક દિવસ મોટાભાઈએ મહેશને કહ્યું કે ‘જો ભાઈ, તું અને તારી પત્ની અમારી સાથે રહો છો એ અમને ફાવતું નથી. એટલે તમે બન્ને ફરી પાછા ઈન્ડિયા ચાલી જાઓ. તમારા લાભ માટે મેં ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કર્યું હતું. મારા થકી તમને બન્નેને ગ્રીનકાર્ડ મળ્યા છે, એટલે તમારા બન્નેના ગ્રીનકાર્ડ જે મેં તમારી પાસેથી લઈ લીધા છે એ હવે હું કાપી નાખું છું. તોડીફોડીને ફેંકી દઉં છું. તમે અમેરિકામાં રહેવાને લાયક નથી ઈન્ડિયા પાછા જાઓ.’
નાનાભાઈને ધુતકારીને મોટાભાઈએ ભારત પાછા જવાની ફરજ પાડી. હોંશે હોંશે અમેરિકા ગયેલા મહેશ અને મીનાક્ષી વિલા મોએ ભારત પાછા આવ્યા. થોડો સમય ભારતમાં રહ્યા બાદ એ બન્નેને વિચાર આવ્યો કે આપણે ગ્રીનકાર્ડધારક છીએ. તો શા માટે આપણે મોટાભાઈના ઓશિયાળા બનીને અમેરિકામાં રહેવું જોઈએ. આપણે ત્યાં આપણું જુદું ઘર લઈને રહીશું. અને પોતાનો કોઈ નવો બિઝનેસ શરૂ કરીશું. તે બન્ને વિચાર્યું કે તેઓ ફરી પાછા અમેરિકા પહોંચી જાય, પણ અમેરિકા છોડ્યાને છ મહિના થઈ ગયા હતા, અને એમની પાસે તો ગ્રીનકાર્ડ પણ હતા નહીં. હવે શું કરવું?
- Advertisement -
મહેશે મુંબઈમાં રહેતા અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાના જાણકાર અને અનુભવી એડવોકેટની સલાહ લીધી. એને જાણવા મળ્યું કે ગ્રીનકાર્ડ પાસે ન હોય, ખોવાઈ ગયું હોય પણ એક વર્ષની અંદર એ માટે અરજી કરી હોય ગ્રીનકાર્ડ ખોવાયું છે એવી જો પોલીસમાં ફરિયાદ કરી હોય તો મુંબઈ, ન્યુ દિલ્હી, ચેન્નાઈ, હૈદરાબાદ કે પછી કલકત્તા આ પાંચ જગ્યાએ જે જુદી જુદી અમેરિકન કોન્સ્યુલેટોની ઓફિસ આવેલી છે તેઓ એમને અમેરિકા જવા માટે ટ્રાવેલ ડોક્યુમેન્ટ આપશે.
દરેક કોન્સ્યુલેટના નિયમો જુદા જુદા હતા. પણ મુંબઈ કોન્સ્યુલેટમાં જો રિકવેસ્ટ કરવી હોય કે અમારું ગ્રીનકાર્ડ ખોવાઈ ગયું છે અને અમે અમેરિકા પાછા જવા માંગીએ છીએ અને અમેરિકા છોડયાને એક વર્ષથી ઓછો સમય થયો છે. તો એમણે સૌ પ્રથમ તો ૂૂૂ.ીતિફિંદયહમજ્ઞભત.ભજ્ઞળ/શક્ષ આ સાઈટ ઉપર અરજી કરવાની. અને ‘લો ફોર્મ પરમેનન્ટ રેસિડેન્ટ અથવા તો બોર્ડિંગ ફોલ ઈન્ટરવ્યુની માંગણી કરવાની.
આ માટે એમણે ફોર્મ આઈ-131એ એપ્લિકેશન ફોર ટ્રાવેલ ડોક્યુમેન્ટ ભરીને રજૂ કરવાનું. 575 ડોલર એક વ્યક્તિની ઓનલાઈન ફી આપવાની. એ યુસિસની ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ ફોર ફાઈલિંગ ફોર્મ આઈ-131 હેઠળ ભરવાની. એમનો વેલીડ પાસપોર્ટ રજૂ કરવાનો. પોલીસ રિપોર્ટ જેમાં એમણે દર્શાવ્યું હોય કે એમનું ગ્રીનકાર્ડ ખોવાઈ ગયું છે એ રજૂ કરવાનું. જો એમની આગળ એમના ગ્રીનકાર્ડની કોપી હોય તો એ રજૂ કરવાની. ન હોય તોપણ ચાલે. એમણે એ પણ પુરાવા સહિત દેખાડી આપવાનું કે તેઓ અમેરિકાની બહાર એક વર્ષથી વધુ રહ્યા નથી. એટલે કે તેઓ જે અરજી કરી રહ્યા છે એ અમેરિકા છોડ્યા પછી એક વર્ષની અંદર કરી રહ્યા છે. સાથે સાથે એમણે પોતાના ટુ બાય ટુ ઈંચના બે એકસરખા ફોટોગ્રાફ પણ આપવાના.
આવું કરતા અને કોન્સ્યુલેટને રિકવેસ્ટ કરતા એમને ‘બોર્ડિંગ ફોઈલ’ ઈશ્યુ કરવામાં આવશે. આ બોર્ડિંગ ફોઈલ મળતા ત્રીસ દિવસની અંદર એમણે અમેરિકામાં પ્રવેશવું જોઈએ. અમેરિકા પાછા જવાનો પ્રવાસ ખેડવો જોઈએ. જો એ ન કરે અને ત્રીસ દિવસ વીતી જાય અને પછી જવું હોય તો ફરી પાછી આ જ પ્રક્રિયા કરવાની રહે. અને ફરી પાછા 575 ડોલર વ્યક્તિદીઠ આપવાના રહે.
મહેશે આ સઘળી ફોર્માલિટી બરાબર પૂર્ણ કરી. અને એને અને એની વાઈફ મીનાક્ષીને અમેરિકામાં પ્રવેશવા માટેના બોર્ડિંગ ફોઈલ્સ આપવામાં આવ્યા. જે મેળવીને તેઓ અમેરિકા ગયા. મોટાભાઈને મળ્યા પણ નહીં. મોટાભાઈ જે શહેરમાં રહેતા હતા એ શહેરમાં ન જતા બીજા શહેરમાં ગયા ત્યાં એમણે પોતાનું રહેઠાણ લીધું. એક મોટેલ ભાડે લીધી અને જોતજોતામાં તો અમેરિકામાં સ્થાયી થઈ ગયા.
એટલે જો તમારા ગ્રીનકાર્ડ ખોવાઈ ગયા હોય અથવા તો કોઈએ આવી જબરજસ્તી કરીને તમારા ગ્રીનકાર્ડ લઈ લીધા હોય અને તમે ગ્રીનકાર્ડ વગર અમેરિકા છોડીને ભારતમાં આવ્યા હોવ તો મુંબઈ કોંસ્યુલેટમાં ઉપર જણાવ્યા મુજબ અરજી કરતા તમને ‘બોર્ડિંગ ફોઈલ્સ’ મળી શકશે. અને એ મેળવીને તમે અમેરિકામાં પાછા દાખલ થઈ શકશો.



