જૂનાગઢ ગિરનારના જોગણીયા ડુંગર પર શિવગુફામાં ગુપ્તેશ્ર્વર મહાદેવ
સાહસિકો, અનોખી શિવભક્તિ અને શ્રદ્ધાળુઓ માટે દિવ્ય અનુભૂતિનું ધામ
કઠિન પદયાત્રા: શિવગુફાના દર્શન માટે વનતંત્રની મંજૂરી લેવી જરૂરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
જૂનાગઢની ગિરનાર પર્વતમાળા રહસ્યો અને દિવ્યતાનો ભંડાર છે. અનેક ગુફાઓ, મંદિરો અને સાધુ સંતોની તપોભૂમિને પોતાના ખોળે સાચવીને બેઠેલા આ પહાડોમાં એક એવી ગુફા પણ છુપાયેલી છે, જેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે. આ ગુફા છે જોગણીયા ડુંગર પર આવેલી ભગવાન ભોળાનાથની શિવગુફામાં ગુપ્તેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખાઈ છે. જોગણીયા પર્વત પર આવેલ એક મોટી અને અભેદ્ય ચટાન જાણે આ શિવગુફાનું રક્ષણ કરી રહી છે. બહારથી જોતા એ ખ્યાલ પણ ન આવે કે આ પથ્થરની અંદર એક સ્વયં મહાદેવ બિરાજમાન છે. ગુફામાં પ્રવેશવું પણ અત્યંત કઠિન છે. સાંકડો અને લપસણો માર્ગ ગુફાના ગર્ભ સુધી પહોંચાડે છે, જ્યાં શાંતિ અને આધ્યાત્મિકતાનો અનુભવ થાય છે. આ શિવગુફા સુધી પહોંચવાનો રસ્તો પણ અસામાન્ય છે. ગિરનારની તળેટી રોડ પર આવેલા સ્મશાન ગૃહની પાછળથી એક પગદંડી શરૂ થાય છે, જે ગાઢ જંગલમાંથી પસાર થઈને જોગણીયા ડુંગર તરફ જાય છે. આ વિસ્તાર વન વિભાગના અધિકારક્ષેત્રમાં હોવાથી ત્યાં જવા માટે તેમની વિશેષ પરવાનગી લેવી જરૂરી છે. ઘણા સાહસિક અને શિવભક્ત લોકો જ આ દુર્ગમ માર્ગે ગુફા સુધી પહોંચવાની હિંમત કરે છે. સ્થાનિક લોકોમાં આ શિવગુફા વિશે અનેક વાયકાઓ પ્રચલિત છે. કહેવાય છે કે વર્ષો પહેલાં એક શિવભક્ત સાધુ આ જગ્યાએ તપસ્યા કરતા હતા અને તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભોળાનાથે સ્વયં આ ચટાનમાં નિવાસ કર્યો. ત્યારથી આ શિવગુફા શિવભક્તો માટે એક પવિત્ર સ્થાન બની ગયું છે. અહીં આવતા શિવ ભક્તો એક અલૌકિક શાંતિ અને ઈશ્વરીય અનુભૂતિનો અહેસાસ કરે છે, જાણે કે જીવન અને મૃત્યુના ચક્રથી પર કોઈ દિવ્ય શક્તિનો સાક્ષાત્કાર થયો હોય તેમાં જોવા મળે છે. આ શિવગુફા ગિરનારના એવા રહસ્યોમાંથી એક છે, જે ભક્તોને શ્રદ્ધા અને કુદરતના અદ્ભુત સંયોજનનો પરિચય કરાવે છે.
શિવગુફામાં બિરાજમાન ગુપ્તેશ્ર્વર મહાદેવનું 2017માં દર્શન કરી ભક્તોએ પૂજન કર્યું હતું
જૂનાગઢના અનેક શિવભક્તો શ્રાવણ માસના પર્વે ગિરનાર પર્વત પર આવેલ અનેક એવી શિવજીની ગુફામાં બિરાજમાન ભગવાન ભોળાનાથના દર્શન કરીને પૂજન અર્ચન કરે છે. જેમાં યોગીભાઈ પઢીયાર અને તેમની સાથે અનેક શિવભક્તિ શ્રાવણ મહિનામાં અપૂજ શિવ મંદિરોના દર્શન કરીને ભગવાન ભોળાનાથના દર્શન સાથે મહાદેવને જળાભિષેક સાથે પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવે છે આ જે જોગણીયા ડુંગર પર બિરાજમાન શિવગુફામાં ગુપ્તેશ્વર મહાદેવને વર્ષ 2017માં દર્શન કરી પૂજન કર્યું હતું એ તસવીરો આજે પણ જોવા મળે હજુ પણ અનેક શિવભક્તિ વન વિભાગની મંજૂરી લઈને શ્રાવણ માસમાં શિવગુફામાં બિરાજમાન ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા પોહચે છે.