મુહબ્બત મેં જો સુન રખા થા ઐસા કુછ નહીં હોતા,
કી ઇસ મેં બંદા મર જાતા હૈ ઝ્યાદા કુછ નહીં હોતા
મેરી ગુરબત* ને મુજસે મેરી દુનિયા છીન લી ‘હાફી’,
મા તો કહતી થી કી પૈસા કુછ નહીં હોતા
*ગુરબત = ગરીબી
વિખ્યાત અર્થશાસ્ત્રી સંજીવ સંન્યાલએ હમણાં એક પૉડકાસ્ટમાં ભારતીય ન્યાયતંત્રમાં ધરખમ ફેરફારો આણવાની વાત કરી. તેમણે કહ્યું કે, ‘દેશની સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ ઉનાળામાં વેકેશન લે છે, એ પછી દશેરા સમયે રજાઓ રાખે છે. આ કેવી સિસ્ટમ છે? આ લોકો ફક્ત થોડાં કલાકો કામ કરે છે. આ બધી જૂની પ્રથાઓ બદલવાની અને તેને મોડર્નાઈઝ્ડ કરવાની જરૂર છે. સરકાર પોતાનાં તરફથી આ બાબતે થોડીઘણી મદદ કરી શકે, પણ અંતે તો ન્યાયતંત્રએ જાતે જ સુધારા આણવા પડશે!’ સંજીવ સંન્યાલ વડાપ્રધાન મોદીની ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલનાં સભ્ય છે, એ વિગત સૌની જાણ સારું.
- Advertisement -
સંજીવ સંન્યાલ એક પ્રબુદ્ધ મહાનુભાવ છે. પરંતુ દેશનાં કોઈ મૂર્ખ વ્યક્તિને પૂછો તો પણ એમનો અભિપ્રાય આવો જ હોય. પરંતુ કેટલાંક જજ્ સાહેબોને આ અભિપ્રાય રૂચ્યો નહીં. તેમણે કહ્યું કે, ‘સરકારને જે મામલો લાંબો ખેંચાવાનો ડર હોય, એ તેમણે વહેલાં જ કોર્ટ સમક્ષ મૂકવો જોઈએ!’ સરકારી કેઈસ બાબતે કદાચ જજ્ સાહેબનો તર્ક સાચો હશે, કદાચ ખોટો પણ હશે. પણ, સામાન્ય પ્રજાનાં કેઈસનું શું? ભારતની અદાલતોમાં લગભગ બે લાખ કેઈસ એવાં છે જે ત્રીસ વર્ષ કે તેનાં કરતાં વધુ સમયથી ચાલી રહ્યાં છે. કુલ પેન્ડિંગ કેઈસની સંખ્યા પાંચ કરોડ કરતાં પણ ઉપર પહોંચી ગઈ છે.
અત્યારે હાયર કોર્ટમાં સાત અઠવાડિયા (પોણા બે મહિના)નું વેકેશન ચાલી રહ્યું છે. શનિ-રવિવાર વગેરેની 94 રજાઓ ગણીએ તો ઊચ્ચ દેશની ઊચ્ચ અદાલતો વર્ષમાં લગભગ 190 દિવસ કામ કરે છે અને 175 દિવસ રજા માણે છે. અડસટ્ટે કહીએ તો છ મહિના કામ, છએક મહિના રજા. આટલી રજા પ્લે હાઉસ કે નર્સરીનાં ભૂલકાંઓને પણ નથી મળતી. તેમનાં શિર પર કરોડો પેન્ડિંગ કેઈસની જવાબદારી નથી, તેમનાં હાથમાં લાખો-કરોડો પરિવારોનું ભવિષ્ય નથી, તેમ છતાં બાળુડાંઓ ઝોલાં ખાતાં વાળમાં તેલ નાંખી, બાબરી કરાવીને પ્લે હાઉસ પહોંચી જાય છે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ જેવી ઊચ્ચ અદાલતોને ભારતમાં પોતાનો સમય, રજા વગેરે નક્કી કરવાની સત્તા છે. બીજું કોઈ તેમાં દખલગીરી ન કરી શકે. એટલે જ આ મામલે અનેક ચર્ચાઓ પછી પણ કશું જ પરિણામ આવ્યું નથી. લગભગ છ મહિનાનું વેકેશન માણવાની આ પ્રથા અને મૂળે કૉલોનિયલ સિસ્ટમનો હિસ્સો છે. ગુલામી કાળમાં ઑલમોસ્ટ બધાં જ જજ્ સાહેબો બ્રિટિશર હતાં અને ભારતની ગરમી ભૂરિયાંઓની હાલત ખરાબ કરી નાંખતી. તેઓ ગરમીમાં હિલ સ્ટેશન કે વતન ચાલ્યાં જતાં હતાં. ફાઈવ-ડૅ વીક પાછળ પણ બેફિકરાઈ જવાબદાર હતી. ભારતીયોને ન્યાય મળે કે નહીં- એમને શો ફરક પડવાનો? એ સમયે પેન્ડિંગ કેઈસ પણ તોતિંગ સંખ્યામાં ન હતા.
આજે જ્યારે દેશની અદાલતોમાં પાંચ કરોડ કેઈસ પેન્ડિંગ છે ત્યારે અદાલતોએ ખરેખર તો બે શિફ્ટમાં કામ કરવું જોઈએ, સરકારે ઘટતાં જજ્ની તત્કાળ ભરતી કરવી જોઈએ, નવાં કોર્ટ રૂમનું નિર્માણ થવું જોઈએ. બુલેટ ટ્રેન કરતાં પણ વધુ જરૂરી બાબત આ છે.
- Advertisement -
દુનિયાનાં ઘણાં દેશોની અદાલતો ભારતની ઍપેક્સ કોર્ટની જેટલી જ રજાઓ રાખે છે. પરંતુ આટલાં કેઈસનો ભરાવો પૃથ્વી પરનાં અન્ય એકપણ દેશમાં નથી. આપણે નકલ કરવામાં પણ સીલેક્ટિવ બની જઈએ છીએ. એમની જેમ જીવવું હોય તો ઈન્ફ્રાસ્ટ્રકચર પણ એવું આપો, શુદ્ધ પેય જળ પાઈપલાઈનથી આપો, ખાદ્ય પદાર્થોમાં ગુણવત્તા આપો, ભેળસેળ વગરનાં ઘી-દૂધ આપો અને ફાસ્ટ જસ્ટિસ માટેની ઉમદા વ્યવસ્થા આપો. પછી તમતમારે છની બદલે આઠ મહિના વેકેશન માણો.