મહિલા પોલીસ સ્ટેશનમાં મહિલાઓ આપવીતી સંભળાવવા ઉમટી
મહિલાએ જણાવ્યું કે, મને ગર્ભ રહેતા પતિએ તરછોડી મૂકી જ્યારે બીજીએ કહ્યું કે, મે જેની સાથે લગ્ન કર્યા તે પરિણીત હતો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી અંતર્ગત પાછલા સપ્તાહ દરમિયાન લોકદરબાર યોજવામાં આવ્યો હતો. બાદમાં આજે રાજકોટ શહેર પોલીસ દ્વારા મહિલાઓના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે મહિલા પોલીસ સ્ટેશન ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકદરબારની અંદર મહિલાઓ પોતાના નાના નાના બાળકો સાથે આવી પહોંચી હતી. રડતી આંખોએ એક મહિલાએ જણાવ્યું હતું કે, મેં કુવાડવા રહેતા યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. બાદમાં ગર્ભ રહેતા પતિએ તરછોડી દીધી હતી. પુત્રીનો જન્મ થયો તો પતિ કહે છે કે તું દીકરી સાથે દવા પી મરી જા. મારો પતિ અવારનવાર દારૂ અને ચરસ-ગાંજાનો નશો કરી ઘરે આવી ધાક ધમકીઓ આપે છે. મારા પિતાનું પણ અવસાન બે વર્ષ પૂર્વે થઈ ગયું છે. માટે પરિવારમાં એક ભાઈ છે તેને પણ અવારનવાર ધમકી આપે છે. જ્યારે અન્ય મહિલાએ એવી પણ રજૂઆત કરી હતી કે, મોરબીના એક પરિણીત પુરુષ સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક થયો હતો. બાદમાં મંદિરમાં લગ્ન કર્યા હતા. પાછળથી આ પુરુષ પરિણીત હોવાની જાણ થઇ હતી. આ મામલે મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.
ડીસીપી પૂજા યાદવે જણાવ્યું હતું કે, મહિલાઓની વાત સાંભળી તેનું કાઉન્સેલિંગ કરવામાં આવશે. શક્ય હશે ત્યાં સુધી સમાધાન પણ કરાવીશું. કોઈનો ઘર સંસાર તૂટે નહીં તે માટે સમાધાનના પ્રયત્ન પણ કરીશું.