18 જિલ્લાના 41 એ.આર.ઓ.ને પાંચ દિવસીય ચૂંટણીલક્ષી કામગીરી અંગે તજજ્ઞો દ્વારા તાલિમ
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા આગામી લોકસભા સામાન્ય ચૂંટણી- 2024ની પૂર્વતૈયારીના ભાગરૂપે રાજકોટ જિલ્લા કલેકટર ઓફિસ અને જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા બીજા તબક્કાના આસિસ્ટન્ટ રિટર્નીંગ ઓફિસર (એ.આર.ઓ.)ના સર્ટિફિકેશન પ્રોગ્રામનો આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ તાલીમ કાર્યક્રમ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ તકે નિવાસી અધિક કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ચેતન ગાંધીએ તમામ અધિકારીઓનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે ચૂંટણીલક્ષી કામગીરી સારી રીતે નિભાવવા કામગીરી સાથે સતત સંપર્કમાં રહેવું તેમજ કમિશન દ્વારા અપડેટ કરવામાં આવતા નિયમોથી માહિતગાર રહેવું જરૂરી છે. રીટર્નિંગ ઓફિસર સાથે કામગીરીમાં તાલમેલ માટે રિફ્રેશમેન્ટ તાલીમ જરૂરી છે ત્યારે તમામ અધિકારીઓ ખૂબ સારી રીતે આ તાલીમનો લાભ મેળવે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ ખાતે 29 જાન્યુઆરીથી બીજી ફેબ્રુઆરી સુધી પ્રથમ બેચમાં એ.આર.ઓ.ની ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ બીજા તબક્કામાં પાંચમી ફેબ્રુઆરીથી નવમી ફેબ્રુઆરી સુધી બીજી બેચમાં કુલ મળીને 95 જેટલા એ.આર.ઓ.ને તાલીમ આપવામાં આવશે. ચૂંટણી આયોગ દ્વારા આયોજિત આ પ્રોગ્રામમાં ચૂંટણી અધિકારીઓ દીપ્તિ મંદોત્રા, રાજેશ કાનુનગો, ડો. મનીષકુમાર અગ્રવાલ, એમ. એ. સૈયદ, ડો. શશી શેખર રેડ્ડી સહિતના નેશનલ લેવલના ટ્રેનર દ્વારા નોમિનેશનથી લઈ મત ગણતરી સુધી વિવિધ તબક્કે ચૂંટણીલક્ષી કામગીરી અંગે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ગાઈડલાઈન મુજબ માર્ગદર્શન પૂરું પાડશે.
આજથી શરૂ થયેલ તાલીમ કાર્યક્રમની બીજી બેચમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, મહીસાગર, મોરબી, અરવલ્લી, અમરેલી, ખેડા, બોટાદ, ભાવનગર, વડોદરા, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર તેમજ રાજકોટ સહિત 18 જિલ્લાના 41 એ.આર.ઓ.નો સમાવેશ કરાયો છે.
આ તકે પ્રાંત અધિકારી જે. એન. લીખીયા, ચૂંટણી મામલતદાર એમ. ડી. દવે, તાલીમ નાયબ મામલતદાર સી. વી. કુકડીયા, નાયબ મામલતદાર વિક્રમસિંહ ઝાલા સહિત ચૂંટણી શાખાના અધિકારીઓ તેમજ કર્મચારીઓ કાર્યક્રમને સફળ બનાવવા સહભાગી બન્યા છે.