જૂનાગઢ લોકસભા અને માણાવદર ઉમેદવાર માટે કોંગ્રેસ અવઢવમાં
ભાજપે બન્ને ઉમેદવારો જાહેર કરી દીધા પણ કોંગ્રેસના હજુ બાકી
- Advertisement -
ભાજપ-કોંગ્રેસ બંને પક્ષ માટે કપરા ચઢાણ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
જૂનાગઢ લોકસભા બેઠક અને માણાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપ દ્વારા બંને ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે અને બંને ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર પણ શરુ કરી દેવામાં આવ્યો છે ત્યારે હજુ સુધી કોંગ્રેસ દ્વારા લોકસભા અને માણાવદર પેટા ચૂંટણીના ઉમેદવારો જાહેર કર્યા નથી ત્યારે કોંગ્રેસ મોવડી મંડળ અવઢવમાં હોઈ તેવું જોવા મળી રહ્યું છે અને બંને ઉમેદવારોના નામની જાહેરાત માટે હજુ સુધી કોકડું ગૂંચવાયું જોવા મળી રહ્યું છે ત્યારે કોંગ્રેસ પક્ષના આગેવાનો પણ વહેલીતકે ઉમેદવારો જાહેર થાય તેવી રજૂઆતો કરી રહ્યા છે. માણાવદર ધારાસભ્ય અરવિંદ લાડાણી કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપ સાથે હાથ મિલાવતા તેને પાર્ટીએ સીધી ટિકિટ ફાળવીને માણાવદર સીટ પરથી ચૂંટણી જંગમાં ઉતાર્યા છે.ત્યારે બીજી તરફ હજુ કોંગ્રેસના ઉમેદવારોનો પેચ ફસાયો છે.
- Advertisement -
જેમાં માણાવદર બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન સાથે ચૂંટણી લડવાના છે ત્યારે કોંગ્રેસ માંથી હરીભાઈ પટેલ ક્રિષ્ના વાળાનું નામ મોખરે ચાલી રહ્યું છે. જયારે પાલ આંબલીયા અને રાજુભાઈ ભેડા સહીત અન્ય આગેવાનો પણ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા ઉત્સુક છે બીજી તરફ કોંગ્રેસનું ઇન્ડિયા સાથે આપનું ગઠબંધનના લીધે કરસનબાપુ ભાદરકા પણ મેદાનમાં છે પણ કોંગ્રેસ પાર્ટી માંથી કોઈ એક ઉમેદવાર ચૂંટણી લડશે તેવું ચિત્ર સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે. માણાવદર વિદ્યાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલ અરવિંદ લાડાણી સત્તા પક્ષમાં રહીને લોકોના અધૂરા કામ કરવાની નેમ સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે ત્યારે બીજી બાજુ માણાવદર વિધાનસભા બેઠકના મતદારો કોંગ્રેસ પક્ષ છોડીને ભાજપમાં આવેલ અરવિંદ લાડાણી સામે નારાજગી જોવા મળી રહી છે અને બીજી બાજુ ભાજપમાં વર્ષોથી પાયાના પથ્થર એવા કાર્યકરોને ટિકિટ નહિ મળતા ગણગણાટ શરુ થયો છે ત્યારે અગાઉ પણ ભાજપથી નારાજ થઇને ભાજપના આગેવાનોએ રાજીનામાં આપ્યા છે.એવા સમયે અરવિંદભાઈ લાડાણી માટે પણ પેટા ચૂંટણીમાં કપરા ચઢાણ જોવા મળી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસ માટે પણ કપરા ચઢાણ જોવા મળે છે એક તરફ લોકસભા ચૂંટણી સાથે યોજાવાની છે અને લોકસભાના ઉમદેવાર કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા ચૂંટણી લડી રહ્યા છે ત્યારે બંને પક્ષમાંથી કોણ બાજી મારશે તેતો આગામી સમય બતાવશે.
પૂર્વ કેબીનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાની સ્પષ્ટતા
જૂનાગઢ માણાવદરના પૂર્વ ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાએ સ્પષ્ટતા કરી હતી કે હું ભાજપમાં છું અને ભાજપમાં રહેવાનો છું.તેવી સ્પષ્ટતા પોતાના સોશ્યલમીડિયા એકાઉન્ટમાં કરી છે.એક સમયે જયારે જવાહરભાઇ ચાવડા એક પણ સામાજિક કે રાજકીય પાર્ટીના કાર્યક્રમમાં નજરે નહિ ચડતા અનેક અટકળો ચાલી રહી હતી ત્યારે હવે જવાહરભાઈએ સ્પષ્ટતા કરી દેતા સમગ્ર બાબતનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે અને સંપૂર્ણ પણે ભાજપ સાથે જોડાયેલ છું અને ભાજપ સાથે રહીશ તેવી પોતાના સોશ્યલ મીડિયામાં પોસ્ટ મૂકી જાહેરાત કરી દેતા અનેક અટકળોનો અંત આવ્યો છે.