ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે રાજકોટ જિલ્લાના લોધિકા અને કોટડા સાંગાણી તાલુકાના વિવિધ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ તકે મંત્રી ભાનુબેન બાબરીયાએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની છેવાડાના માનવી સુધી તમામ સુવિધાઓ પહોંચાડવાની નેમને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર આગળ ધપાવી રહી છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, લોધિકા તાલુકા ખાતે અંદાજે રૂ. પાંચ કરોડના ખર્ચે કાંગશીયાળી-ઢોલરા-વીરવા-ખાંભા-માખાવડ રોડ, અંદાજે રૂ. 2.30 કરોડના ખર્ચે સ્ટેટ હાઈવેથી પીપળિયા પાળથી શાપર સુધીના રોડ અને કોટડા સાંગાણી તાલુકામાં અંદાજે રૂ. 7.42 કરોડના ખર્ચે નવીમેંગણી-થોરડી-ચાપાબેડા-કાલંભડી-નૌઘણચોરા-અનીડા(વાછરા) સુધીના રોડના વિકાસ કાર્યથી ગ્રામ્ય જનોની મુશ્કેલીઓનો અંત આવશે તેમજ આવાગમન માટે સુવિધામાં ઉમેરો થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લોધિકા તાલુકા ખાતે અંદાજે રૂ.પાંચ કરોડના ખર્ચે કાંગશીયાળી-ઢોલરા-વીરવા-ખાંભા-માખાવડ રોડ (ઓ.ડી.આર.) 10.99 કી.મી. લંબાઈ તેમજ 3.75 મીટર પહોળાઇનો રોડ બનાવવામાં આવશે.
આ કામગીરીમાં માઇનોર બ્રિજ, નાળા, ડામર કામ, સીસી રોડ સહિતના કામ કરવામાં આવશે. આ સાથે અંદાજે રૂ. 2.30 કરોડના ખર્ચે સ્ટેટ હાઈવેથી પીપળિયા પાળથી શાપર સુધીનો 4.50 કીમી લંબાઈ અને 3.75 મીટર પહોળાઇનો રોડ નિર્માણ કરવામાં આવશે. જેમાં મેટલકામ, ડામરકામ, નાળાની કામગીરી 475.00 મીટર સી.સી રોડના કામ હાથ ધરવામાં આવશે.