ચોરાઉ ચેઇન ખરીદનાર સોની વેપારીની પણ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ
5.26 લાખના સોનાના દાગીના સહિત 5.71 લાખનો મુદ્દામાલ કબ્જે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી રાહદારી વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી ઝોંટ મારી ગળામાં પહેરેલા સોનાના ચેઇનની ચીલઝડપના બનાવો વધ્યા હતા જેથી આવા ગુનાઓને અંજામ આપનાર સમડીને દબોચી લઇ ગુનાના ભેદ ઉકેલવા આપેલી સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચની ટીમે લોધિકાના પાંભર ઇંટાળા ગામની બેલડીને દબોચી લઇ ગાંધીગ્રામ પોલીસ મથકના 3 ગુનાના ભેદ ઉકેલી નાખ્યા છે તેમજ આ બેલડી પાસેથી ચોરાઉ ચેઇન ખરીદનાર સોની વેપારીની પણ ધરપકડ કરી 5.26 લાખના સોનાના ચેઇન, બાઈક અને મોબાઈલ સહીત 5.71 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. રાજકોટ પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાઓના ભેદ ઉકેલવા પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડિયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ બી બી બસિયા દ્વારા મળેલી સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ આર ગોંડલીયા, એમ એલ ડામોર અને સી એચ જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ અનિરૂધ્ધસિંહ પરમાર, વી ડી ડોડીયા, એસ વી ચુડાસમા, એમ કે મોવલિયા સહિતની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને મળેલી બાતમી આધારે ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તારમાં 3 ચીલઝડપને અંજામ આપી મેળવેલા સોનાના ચેઇન સમડીએ કરણપરામાં રહેતા સોની વેપારી કમલેશ હર્ષદભાઈ માંડલિયાને વેચ્યા છે તેવું બાતમી આધારે પોલીસે કમલેશ માંડલિયાને દબોચી લઇ પૂછતાછ કરતા આ ચેઇન તેને લોધીકાના પાંભર ઈંટાળા ગામના ધર્મેશ ભુરાભાઇ સનુરા ઉ.31 મેહુલ દેવરાજભાઇ સનુરા ઉ.20એ વેચાતા આપ્યા હોવાની કબૂલાત આપતા પોલીસે તે બંનેની પણ ધરપકડ કરી હતી પોલીસે 5.26 લાખના 3 ચેઇન, બાઈક અને બે મોબાઈલ સહીત 5.71 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં ધર્મેશ અગાઉ તાલુકા પોલીસમાં પકડાઈ ચુક્યો હોવાનું અને દસેક દિવસ પૂર્વે પણ ચીલઝડપની કોશિશ કરી હોવાનું જાણવા મળ્યું છે.



