લોધીકા ગ્રામ પંચાયતના સરપંચ, સભ્યો, મંત્રી સહિતના જાગૃત નાગરિકોની લેખિત ફરિયાદ
કમલેશ વરૂ, કૌશિક કમાણી, અજય બાલધા અને મૂકેશ તોગડિયા નામનાં ચાર શખસો સામે મામલતદાર કોર્ટમાં ફરિયાદ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટમાં જમીનના ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યારે અવારનવાર શહેરમાં જમીન કૌભાંડ સામાન્ય બની ગયા છે ત્યારે સરકારી જમીન, ગૌચર જમીન પણ ભૂમાફીયા દ્વારા પચાવી પાડવામાં આવે છે ત્યારે આવું જ એક પ્રકરણ હાલમાં સામે આવ્યું છે. જેમાં ગૌચરની જમીનમાં ગેરકાયદે માપણી કરવા સામે ગ્રામ પંચાયત સરપંચ, તલાટી કમ મંત્રી, ગ્રામ પંચાયતના સભ્યો અને જાગૃત નાગરિકો દ્વારા લેખિતમાં મામલતદારની કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે. આ પ્રકરણમાં ગ્રામ પંચાયતના ત્રણ સભ્યોએ સહી નહીં કરતાં અચરજ ફેલાઈ ગયું છે.
આ જમીન કૌભાંડની વિગતો મુજબ લોધીકાના નવા સર્વે નંબર 563ની ગૌચરની જમીનમાં ગેરકાયદે માપણી કરી ગૌચરની જમીનનો કબ્જો કરવા તેમજ ગૌચરની જમીન કમી કરી જમીન કૌભાંડ આચરીને ગૌચરની જમીન પચાવી પાડવા અંગેની વેચાણ નોંધ નં. 7024 સામે કમલેશ મુળુભાઈ વરુ, કૌશિક પ્રેમજી કમાણી, અજય ગિરધર બાલધા, મુકેશ ગોરધનભાઈ તોગડિયા એ ચારેય શખ્સો વિરુદ્ધ લોધીકા મામલતદાર કોર્ટમાં લોધીકા ગ્રામ પંચાયત સરપંચ, તલાટી મંત્રી, ગ્રામ પંચાયતના સભ્યો અને જાગૃત નાગરિકો દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવી છે. આ લેખિત ફરિયાદમાં ગ્રામ પંચાયતના ત્રણ સભ્યોએ સહી નહીં કરતાં ત્રણેય સભ્યો પણ આ કૌભાંડમાં સામેલ તો નહીં હોય ને તેવું ગામમાં ચર્ચાઈ રહ્યું છે!
- Advertisement -
ફરિયાદમાં જણાવ્યા મુજબ લોધિકાના સર્વે નંબર 563ની સરકારી ગૌચર જમીન થોરડી ગામના સીમાડે આવી છે. જે જમીન કોઈ પણ જાતના આધાર-પુરાવા વિના સર્વેયર તેમજ જમીન દફતર કચેરીના ઉચ્ચ અધિકારી મારફત લાંચ આપી જગ્યા પર કોઈ પણ પ્રકારનો કબ્જો ન હોવા છતાં સરકારી ગૌચર જમીનમાં ગેરકાયદેસર માપણી કરી સીટ બેસાડી ગૌચર જમીન પચાવી પાડવાનું કૌભાંડ બહાર આવતાં સનસનાટી ફેલાઈ ગઈ છે. કરોડોની કિંમતની જમીન કૌભાંડ સરકારી તંત્ર અને ઉચ્ચ અધિકારીઓની સામેલગીરી વગર શક્ય નથી તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. આ જમીન કૌભાંડની ફરિયાદ પ્રાંત અધિકારી રાજકોટ ગ્રામ્ય, જિલ્લા કલેકટર, રાજકોટ લેન્ડરેકર્ડ, નાયબ નિયામક કચેરી, સેટલમેન્ટ કમિશન અને તાલુકા વિકાસ અધિકારી લોધિકા, જિલ્લા વિકાસ અધિકારી રાજકોટ વિગેરે કચેરીમાં રજૂઆત કરવામાં આવી છે.