ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા તાલુકાના પીપાવાવ પોર્ટની અંદર આવેલ ગલ્ફ ગેસ કંપની અને તેના પેટા કોન્ટ્રાક્ટ દ્વારા રામપરા-2 ગામે આવેલ રેલ્વે સ્ટેશન પરથી ટ્રેન મારફતે આવેલ ઓઇલને ટેન્કરો દ્વારા રોડ પરથી વહન કરવામા આવતા હોય જેથી આ ઓઇલ અને કેમિકલના કારણે આસપાસના વિસ્તારમાં મોટા પ્રમાણમાં પ્રદુષણ ફેલાય રહ્યુ છે. ત્યારે આ પ્રદૂષણને રોકવા માટે રામપરા ગામના સ્થાનિકો ખેડૂતો તથા આગેવાનોએ પ્રદૂષણની સમસ્યા લઇ રાજુલા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામા આવી હતી. આ ગેસ કંપની દ્વારા ટેન્કર મારફતે ઓઇલનું વહન બંધ કરવામા આવે તેવી માંગ કરી હતી. આ આવેદનપત્રમાં જણાવેલ કે, આ ઓઇલ અને કેમીકલ્સના કારણે આજુબાજુના વિસ્તારમાં મોટા પ્રમાણમાં પ્રદુષણ ફેલાય છે. જેના કારણે જીવસૃષ્ટિને પણ મોટુ જોખમ હોવાથી ઓઇલ દરિયાઈ માર્ગને બદલે આ રીતે ટ્રેન મારફત લાવવામાં આવે છે. તેમજ ટેન્કરોમાંથી ઓઈલ ઢોળવાને કારણે અકસ્માત કે દુર્ઘટના થાય તેવી પુરી સંભાવના છે. ત્યારે કોઈ દુર્ઘટના સર્જાઇ તો જવાબદાર કોણ તેવો સવાલ ઉઠયો છે. ઉપરાંત ગલ્ફ ગેસ કંપની દ્વારા રામપરા-2 રેલ્વે સ્ટેશન પરથી જે રીતે ખુલ્લામાં ઓઈલની હેરફેર કરે છે જે અંગેની કોઈ જાતની મંજુરી વગર કરે છે જે કેટલાક વિભાગોને આર્થિક વહીવટ કરીને આ ઓઈલ રેલ્વેમાંથી ટેન્કરમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.