તો… રામનાથ મહાદેવ મનપા પર વધુ રાજી થશે
એક વર્ષ થયું પણ પુલ એમનો એમ જ છે, આડશ કે રેલિંગ પણ નથી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરના દેવ અને જેના પર સમગ્ર રાજકોટવાસીઓને ખુબ જ આસ્થા અને શ્રદ્ધા છે તે એટલે રામનાથ મહાદેવ. ભગવાન રામનાથ મહાદેવ સ્વયંભૂ હોવાથી તેનું વિશેષ મહત્વ છે અને આ મંદિરે ધર્મ પ્રેમી લોકો ખુબજ મોટી સંખ્યામાં દર્શને આવતા હોય છે. તેમજ મંદિર 24 કલાક સતત ખુલ્લું પણ રહે છે અને કોઈ પણ સમયે અહીં લોકો પૂજા કરવા પણ આવતા હોય છે. તેથી આ મંદિરે ભક્તોનો વધુ ધસારો રહે તે સ્વાભાવિક છે. દુ:ખની વાત એ છે કે રાજકોટ મનપા રામનાથ મંદિર અને તેની આજુબાજુના વિસ્તારમાં બ્યુટીફીકેશન સંબંધે ફક્ત વાતો જ કરી રહી હોય તેવું લાગે છે. કારણકે, ત્યાંના સ્થાનિકોએ આજે ખાસ ખબર સાથે વિશેષ વાતચીત કરી હતી અને તેઓને પડતી મુશ્કેલી જણાવી હતી.
સ્થાનિક જગદીશભાઈ ગોહેલ ઉર્ફે કાળુભાઇ અને રમેશભાઈ પંડ્યાના જણાવ્યા મુજબ; રામનાથ મંદિર નજીક આવેલ પુલ જર્જરિત હાલતમાં છે. આ જગ્યાએ પાર્કિંગ કરવામાં આવી રહ્યું છે. આ પાર્કિંગ ગયા ચોમાસે પહેલા જ પુરમાં તણાય ગયું હતું અને હજુ પણ એ જ હાલતમાં છે. તો આ પુલ (પાર્કિંગવાળી જગ્યા)ને તાત્કાલિક રીપેર કરાવી યોગ્ય આડસ મુકવામાં આવે. જો કે તેઓએ આ બાબતે તંત્રને અનેક રજૂઆત કરી છે પણ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી. તેમજ અહીંનાં કોર્પોરેટરોને પણ આ બાબતે કહેવાયું છે તેમ છત્તા કોઈ સમાધાન આવ્યું નથી.
થોડા દિવસો પહેલા શિવરાત્રી સમયે 2-4 લોકો આ જગ્યા એ જ પડી ગયા હતા. બાદમાં ત્યાંના મંદિરના લોકોએ તેની મદદ કરી હતી. આ મંદિરે રોજના 25 થી 30 હજાર લોકો આવે છે, તેમજ આ સંખ્યા શ્રાવણ મહિનામાં ખુબ જ વધી જતી હોય છે. તેથી આ કામ તાત્કાલિક કરવું અતિ જરૂરી છે. કારણકે, જોઈ કોઈ અનિચ્છનીય બનાવ બને તો જવાબદારી કોની ? બીજું કે આવનારા 2 મહિના બાદ ચોમાસું શરુ થઇ જશે તો એ સમયે નદીમાં પણ પાણી આવી જતું હોય છે તો ત્યારે રીપેરીંગ કરવું ઘણીવાર શક્ય બનતું ન હોવાથી આ કાર્યને રાજકોટ મનપા તાત્કાલિક ધોરણે મહત્વતા આપી લોકોની જરૂરિયાતોને ધ્યાને લઈને પૂર્ણ કરે (જર્જરિત પુલની મરમ્મત) તેવી માંગ ઉઠી છે. જો કે હવે આ બાબતે રાજકોટ મનપા કેવીક સ્ફૂર્તિ દર્શાવે છે તે જોવું રહ્યું.