પરપ્રાંતીયો કે વિધર્મીને મકાન ભાડે કે વેચાણથી લેવાની કે આપવાની મનાઈ સાથેના બોર્ડ લગાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
રાજકોટના પોશ ગણાતા વર્ધમાનનગર વિસ્તારમાં શેરી નંબર 6માં હાલ ભારે તણાવનો માહોલ છે. અહીંના સ્થાનિક રહેવાસીઓએ પોતાના ઘરો પર સ્પષ્ટ શબ્દોમાં બેનરો લગાવ્યા છે કે, “વિધર્મીઓ અને પરપ્રાંતીયોએ મકાન લેવા નહીં અને સ્થાનિકોએ વેચવા નહીં.” આ બેનરો દ્વારા સ્થાનિકોએ પરપ્રાંતીય અને વિધર્મીઓને મકાન ભાડે આપવા કે વેચાણથી ન આપવા માટેનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે, વિધર્મીના ત્રાસથી તેમને આ પગલું ભરવાની ફરજ પડી છે. આ વિસ્તાર મુખ્યત્વે જૈન અને સોની પરિવારોનો વસવાટ ધરાવે છે અને તેમણે વિસ્તારને તાત્કાલિક અશાંતધારા હેઠળ લાવવાની માગ કરી છે.
- Advertisement -
સ્થાનિક રહેવાસીઓએ લગાવેલા બેનરો પાછળ અનેક કારણો રજૂ કર્યા છે. ત્રિશુલભાઈ શાહ નામના સ્થાનિકે જણાવ્યું હતું કે, લોકો પરપ્રાંતીયો કે વિધર્મીઓને મકાન ભાડે અને વેચાણથી ન આપે તેના માટે અમે આ બોર્ડ લગાવ્યા છે. તેમણે ખાસ કરીને બંગાળી કારીગરોનો ઉલ્લેખ કર્યો હતો, જેમને આ વિસ્તારમાં મોટાભાગે મકાન ભાડે આપવામાં આવે છે. આ કારીગરો પોતાના કામમાં ઝેરી પદાર્થોનો ઉપયોગ કરે છે, જે રહેણાંક વિસ્તાર માટે અત્યંત હાનિકારક છે.
ઉપરાંત, તેમણે વિધર્મી પડોશીઓથી થતી સામાજિક અને સાંસ્કૃતિક મુશ્કેલીઓ પર પણ ભાર મૂક્યો હતો અને જણાવ્યું કે, વિધર્મીઓ પડોશી તરીકે આવવાથી લેડીઝને બહાર નીકળવામાં તેમજ બાળકોને પણ બહાર રમવામાં મુશ્કેલી થાય છે, આ વિસ્તારમાં મોટાભાગે જૈન પરિવારો વસવાટ કરે છે, જેઓ લસણ-ડુંગળી પણ ખાતા નથી, જ્યારે વિધર્મી લોકો માંસ-મટનનું સેવન કરતા હોવાથી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે આ વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવો જરૂરી છે.
મયુરભાઈ સોની નામના અન્ય સ્થાનિકે પણ આ મુદ્દે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, લોકો માત્ર પોતાના મકાન વેચવા કે ભાડે આપવા માટે થઈને વિધર્મીઓની પસંદગી કરે છે, પરંતુ તેના કારણે તેમની આસપાસમાં રહેતા લોકોને મુશ્કેલી પડે છે. સોનીના મતે, વિધર્મીઓ નોનવેજ આરોગે છે અને મોડી રાત્રે દેકારા કરે છે, જેના કારણે રહેવું મુશ્કેલ બને છે. આ જ કારણોસર તેમણે આ વિસ્તારને અશાંતધારા હેઠળ લાવવા માટેની માંગણી કરી છે.
વધુમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, વિધર્મીઓ દ્વારા અહીં મહિલાઓની છેડતી થયાના બનાવો પણ બની ચૂક્યા છે. જોકે આવા લોકો હાથ આવી શક્યા નથી. પરંતુ આ પ્રકારની ઘટનાઓથી સ્થાનિકોમાં ભય અને અસુરક્ષાનો માહોલ વ્યાપ્યો છે. તેથી, આગામી સમયમાં કોઈપણ વિધર્મીઓને મકાન ભાડે આપવા કે વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સમગ્ર મામલે સ્થાનિક ધારાસભ્ય તેમજ કલેક્ટર સહિત તમામ સ્થળે આ વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવાની માગ કરવામાં આવનાર હોવાનું પણ તેમણે જણાવ્યું છે.



