લીંબુમાં કોલ્ડસ્ટોરેજ સ્ટોકની આવક થવા લાગતા ભાવમાં રાહત: મરચાથી માંડીને ટમેટા બીજા સેન્ટરોમાંથી જ આવે છે
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગત મહિને માવઠા-કમોસમી વરસાદને પગલે શાકભાજીથી માંડીને કૃષિપેદાશોમાં વ્યાપક નુકશાની થઈ જ છે ત્યારે હવે શાકભાજીની લોકલ આવકો ઘટી જતા ગુજરાત તથા અન્ય રાજયોમાંથી માલ મંગાવવાની ફરજ પડી છે. રાજકોટ યાર્ડમાં આવતા 60 ટકા શાકભાજી બહારથી આવી રહ્યા છે.
- Advertisement -
માર્કેટયાર્ડના સૂત્રોએ કહ્યું કે શાકભાજીની લોકલ આવકો ઉનાળામાં ઘટી જ જતી હોય છે. આ વખતે ઉનાળાના પ્રારંભ પુર્વેથી જ માવઠાનો માર શરુ થઈ ગયો હતો એટલે શાકભાજીથી માંડીને ઘઉં, ચણા સહિતની કૃષિચીજો પર વિપરીત અસર થઈ હતી. પરિણામે બહારથી શાકભાજી મંગાવવાની સ્થિતિ વ્હેલી સર્જાઈ ગઈ છે.
શાકભાજીના ભાવ છેલ્લા એકાદ-બે પખવાડીયામાં વધી જ ગયા છે. હવે બહારથી આવકોને કારણે તેમાં વધુ થોડોઘણો વધારો થયો છે. અત્યારે લગ્નગાળો ન હોવા છતાં મોટી સંખ્યામાં ધાર્મિક પ્રસંગો ઉજવાતા હોવાથી ડીમાંડ સારી છે. માર્કેટયાર્ડના વેપારી સૂત્રોએ કહ્યું કે લોકલ સેન્ટરોમાંથી માત્ર રીંગણા, કોબીજ, ફલાવર, ચોખા, વાલોર જેવા અમુક શાકભાજી જ આવે છે. બાકી મરચા, ગુવાર, ભીંડો, કારેલા, કંટોલા, કાકડી, દૂધી, ટમેટા માટે બહારના સેન્ટરોનો જ આશરો છે. ભાવપેરીટી અનુસાર આવકોમાં વધારો ઘટાડો થતો રહે છે.
બીજી તરફ લીંબુના ભાવમાં મોટો વધારો થયા બાદ હવે મદ્રાસ-મહારાષ્ટ્ર જેવા સેન્ટરોમાંથી કોલ્ડસ્ટોરેજ-સ્ટોકના લીંબુ આવવા લાગતા ભાવ નીચા આવ્યા છે. જો કે, લોકલ લીંબુના હોલસેલ ભાવ 120થી130 જેટલા ઉંચા જ છે. પરંતુ બહારથી આવતા લીંબુ કિલોના રૂા.80 આસપાસ બોલાય છે. લોકલ લીંબુની આવક મર્યાદીત છે છતાં એકંદર ભાવઘટાડાથી રાહત છે. રાજકોટ યાર્ડમાં આજે 325 કવીંટલની આવક હતી. ભાવ પ્રતિ 20 કિલોના રૂા.1000 થી 1600ના રહ્યા હતા.