ખુલ્લેઆમ અને દિનદહાડે કોલસાના ગેરકાયદે ખનન છતાં તંત્ર નિષ્કિય
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.13
સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસાની ખનિજ ચોરી જગજાહેર ચાલી રહી છે જેમાં કોલસાની ખનિજ ચોરી માટેનું હબ ગણાતા થાનગઢમાં દિનદહાડે ધમધમતી કોલસાની ખાણો પ્રકૃતિની સાથે સરકારી તિજોરીને પણ નુકશાન પહોચાડી રહી છે જોકે આ ગેરકાયદે ખાણો પ્રકૃતિ અને સરકારી તિજોરીને નુકશાનની સાથે ખનિજ માફીયાઓ અને લેભાગુ તંત્રના કર્મચારીઓને આર્થિક ફાયદો પણ પહોંચાડી રહી છે જેના લીધે તો ખુલ્લેઆમ કોલસાની ખનિજ ચોરી અટકવાનું નામ નથી લેતી અને આ ખનિજ ચોરીને તંત્ર અટકાવવા પણ નથી માંગતા ! કહેવાય છે કે ખનિજ ચોરીના રાજકીય નેતાઓ સહિત તંત્રના કેટલાક કર્મચારીઓ પણ ભાગીદાર છે જેમાં કેટલાક ખનીજના અને પોલીસ વિભાગના કર્મચારીઓ પડદા પાછળ હોવાનું જાણવા મળે છે. ખનિજ ચોરી રોકવાની જેને ફરજ છે તેઓ જ પોતે ખનિજ ચોરીના ભાગીદાર રહીને કોલસાની ખનિજ ચોરીને પ્રોત્સાહન પૂરું પાડતા હશે ? ત્યારે જો ખરેખર થાનગઢ ખાતે ચાલતી કોલસાની ખનિજ ચોરી પર કાયદાકીય કાર્યવાહી કરાય તો ખનિજ માફીયાઓ સાથે અનેક અધિકારી અને કર્મચારીઓના તપેલા ચડે તેવી સ્થિતિ સર્જાય તેમ છે.