66 KV લાઇનના જીવતા વાયર નદીમાં ખાબક્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ચોટીલા તાલુકાના વડાળી ગામે પવનચક્કીની વિન્ડ વર્લ્ડ ઇન્ડિયા લિમિટેડ નામની કંપની દ્વારા અનેક વીજપોલ નદીમાં જ ઉભા કરી દેવામાં આવ્યા છે. આ કંપનીએ પોતાની સરળતા માટે મોટી દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિ હોવા છતા નદીમાં વીજપોલ નાખી દીધા અને ભારે વરસાદમાં તે વીજપોલના જીવંત વીજવાયર નદીમાં પડી જતા વીજકરંટ લાગતા ડઝનબંધ રાષ્ટ્રીયપક્ષી મોરના મોત નીપજ્યા હોવાનું આસપાસના ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે પવનચક્કી કંપની મનમાની કરી નદીમાં અને જોખમી જગ્યાએ વીજપોલ નાખતા હોવાની અનેક ખેડૂતોએ અગાઉ રજૂઆત પણ કરી છે.
તેમ છતા તે પવનચક્કીના અધિકારીઓ દ્વારા હટાવવામાં આવ્યા નથી. ત્યારે પોતાના આર્થિક લાભ માટે પર્યાવરણ અને અબોલ જીવોને નુકસાન પહોંચે તેવી રીતે નાખેલા જીવંત વીજ વાયર પવનચક્કી કંપનીવાળા અન્ય સલામત જગ્યાએ ખસેડે તે જરૂરી છે.
ચોટીલા તાલુકાના વડાળી ગામે સરકારી શાળાના પાછળના ભાગે આવેલા રસ્તા પરથી રોજ અનેક ખેડૂત ભાઇ-બહેનો પસાર થાય છે. રસ્તાની બાજુમાં જ નદી આવેલી છે આ નદીમાં પવનચક્કીની વિન્ડ વર્લ્ડ ઇન્ડિયા લિમિટેડ નામની કંપનીએ અનેક વીજ થાંભલા ઉભા કરી દીધા છે. હાલ ભારે વરસાદના કારણે આ થાંભલા જીવંત વીજ વાયર સાથે પડી ગયા છે. ત્યારે આ રસ્તા પરથી પસાર થતા 10થી વધુ ખેડૂત પરિવારને ભય સાથે પસાર થવુ પડે તેવી સ્થિતિ ઉભી થઇ ગઇ છે. આ અંગે વડાળી ગામના અરજદાર મેતા મિતલકુમાર વિરાભાઇ અને અન્ય ખેડૂત ભાઇઓએ આ વીજપોલ દૂર કરવા માટે મૌખીક રજૂઆત કરી હતી તેમ છતા કોઇ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. પરંતુ એવુ કહેવામાં આવ્યુ હતુ કે જેમ છે તેમ જ રહેશે અને તમારે જે કાયદેસર કાર્યવાહી કરવી હોય તે કરી શકો છો અમને કંપની વાળાએ કહ્યુ છે એટલે વીજપોલ નાખ્યા છે. આથી આ સમસ્યાના ઉકેલ માટે ચોટીલાના મામલતદાર અને નાની મોલડી પોલીસ સ્ટેશનના પીએસઆઇને લેખિત રજૂઆત કરવામાં આવી છે. તેમજ જવાબદારો સામે કડક કાર્યવાહીની માગ કરવામાં આવી છે.
- Advertisement -
વિન્ડ વર્લ્ડ ઇન્ડિયા લિમિટેડ નામની કંપનીએ આ જગ્યા પર આશરે પાંચ વર્ષ પહેલા વીજપોલ ઉભા કર્યા છે. આ વીજપોલ ઉભા કરવા માટે કોઇ પરમીશન લીધી છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવે તે પણ જરૂરી છે. દર ચોમાસામાં આ જીવંત વીજવાયર પોલ સાથે પડી જવાના બનાવ બને છે ત્યારે કોઇ મોટી જાનહાની થશે તો તેના માટે જવાબદાર કોણ રહેશે તેવા પણ અનેક સવાલ ઉભા થયા છે. આ અંગે પવનચક્કીના અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે. તેમ છતા કોઇ કામગીરી કરવામાં આવતી નથી. ત્યારે કોઇ જીવલેણ બનાવ બને તે પહેલા નદીમાં પડેલા આ જીવંત વીજ વાયરને ફરી વીજપોલ ઉપર લગાડવામાં આવે તેવી માંગ ઉઠી છે.
નદીમાં નાખેલા વીજપોલ અન્ય જગ્યાએ ખસેડવા માટે ખેડૂતોએ ચોટીલા પ્રાંત અધિકારીને કરી રજૂઆત
અનેક રજૂઆત છતાં રાજકીય વગ ધરાવતા હોય કોઇ કાર્યવાહી નહીં
પવનચક્કી માટે ખડકી દેવાયેલાં વીજપોલ અન્ય જગ્યાએ ખસેડવા અંગે વારંવાર કંપનીના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે, છતાં રાજકીય વગ ધરાવતા હોય જેથી કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે કોઇપણ ખેડૂતોને મુશ્કેલી ન થાય તે માટે નદીમાંથી વીજપોલ કાઢી અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તે જરૂરી છે.
બાબરામાં પવનચક્કીના વીજવાયરથી વન્ય જીવોને નુક્સાન અંગે મેનકા ગાંધીએ યોગ્ય પગલાં લેવા જણાવ્યું હતું
આ અગાઉ પણ બાબરા તાલુકામાં પવનચક્કી માટે નાખેલા જીવંત વીજવાયરથી પક્ષીના મોત થયા હતા ત્યારે મેનકા ગાંધીએ કલેક્ટર અને ડીએફઓ સાથે ટેલિફોનીક વાત કરી આ બાબતે તાત્કાલીક યોગ્ય પગલા લેવા જણાવ્યુ હતુ.
ભારે વરસાદ અને ભૂસ્ખલનમાં અનેક ઇમારતો તૂટી, અત્યાર સુધીમાં 23નાં મોત
પહાડોમાં નાળાઓએ એટલા ભયાનક સ્વરૂપે વહી રહ્યા છે કે, પાણી ગામડાંઓમાં ભરાઈ ગયા છે, જેના કારણે લોકો અડધી રાત્રે ઘરોમાંથી નીકળીને રસ્તા પર પહોંચી ગયા છે. હાલ, પહાડો પર સ્થિત પોલીસ કેમ્પમાં લોકોને રહેવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ધર્મપુરમાં નદીનું પાણી લગભગ 20 ફૂટ ઉપર વહેવા લાગ્યું છે, જેના કારણે બજાર અને પોલીસ સ્ટેશન જળમગ્ન થઈ ગયા છે. થુનાગમાં મુખ્ય બજારના રસ્તામાં જ નાળું વહેવા લાગ્યું છે. લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે, જેના કારણે લોકોને આખી-આખી રાત જાગવું પડ્યું હતું. અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે લોકોને પોતાની ખાનગી વસ્તુઓનું નુકસાન વેઠવું પડી રહ્યું છે, વળી રસ્તા પર પરિવહન પણ ખોરવાઈ ગયું છે.
સોમવારે ભારે વરસાદના કારણે રાજ્યમાં અનેક ઇમારતો તૂટી ગઈ હતી અને ભૂસ્ખલનના કારણે રસ્તા પર પણ અવરોધ ઊભા થયા છે. ભારે વરસાદના કારણે વાદળ ફાટવા, પૂર અને ભૂસ્ખલનના કારણે મંડીમાં 129 અને સિરમૌર જિલ્લામાં 92 સહિત રાજ્યમાં 259 રસ્તા બંધ થઈ ગયા અને 614 ટ્રાન્સફોર્મર તેમજ 130 પાણી પુરવઠાની યોજનાઓ ખોરવાઈ. 20 જૂને વરસાદના આગમન બાદથી અત્યાર સુધી રાજ્યમાં વરસાદ સાથે જોડાયેલી ઘટનાઓમાં 23 લોકોના મોત થઈ ચૂક્યા છે. જોકે, પાણીમાં વહી જવાના કારણે અનેક લોકો ગુમ હોવાના માહિતી સામે આવી છે. તંત્ર દ્વારા હાલ તે લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.
પ્રયાગરાજમાં ગંગા-યમુનાનું જળસ્તર ભયાનક સપાટીએ
પ્રયાગરાજમાં પૂર પ્રતિભાવ ટીમની રચના
પ્રયાગરાજ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે યમુનાના પાણીનું સ્તર વધ્યું છે. નદીનું પાણી અરૈલ ઘાટ પર બનેલી સીડીઓથી ઉપર વધી ગયું છે. જેના કારણે બેસવા માટે બનાવેલી સુશોભન છત્રીઓ ડૂબી ગઈ છે.
પ્રયાગરાજમાં ગંગા-યમુનાના વધતા જળસ્તરને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્રે પૂર પ્રતિભાવ ટીમની રચના કરી છે. ઘાટોના કિનારે પૂર ચોકીઓ સ્થાપિત કરવામાં આવી છે. ઘણા વિભાગોએ પૂર સંબંધિત તૈયારીઓ માટે સંયુક્ત મોક ડ્રીલ પણ યોજી હતી.