ઝૂલતા પૂલ દુર્ઘટનાનું સાહિત્ય અમારી પાસે આવશે ત્યારબાદ જવાબ આપશું: મોરબી નગરપાલિકાની સામાન્ય સભામાં ઠરાવ
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં નગરપાલિકાના ચુંટાયેલા સદસ્યોની બેદરકારી તેમજ નગરપાલિકા દ્વારા છેલ્લા નવ મહિનાથી સામાન્ય સભા ન મળવા સહિતની બાબતો બાદ રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા ગત તા. 19 જાન્યુઆરીના રોજ પાલિકા પ્રમુખને કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી હતી જેમાં સરકારને આ દુર્ઘટનામાં ચુંટાયેલા સદસ્યોની પ્રાથમિક દ્રષ્ટીએ બેદરકારી સામે આવી હોય જેથી ચુંટાયેલ પાંખને સુપરસીડ કેમ કરવામાં ન આવે તે બાબતે જવાબ રજુ કરવા નોટીસમાં જણાવ્યું હતું. આ નોટીસનો જવાબ આપવા ગઈકાલે સોમવારે મોરબી નગરપાલિકાની કચેરી ખાતે સામાન્ય સભા મળી હતી જો કે આ સામાન્ય સભામાં મોરબી પાલિકાના 15 સભ્યો ગેરહાજર રહ્યા હતા અને 37 સભ્યોએ જનરલ બોર્ડમાં હાજર રહી અમારી પાસે ઝૂલતા પુલનું કોઈ સાહિત્ય નથી, સાહિત્ય આવે ત્યારબાદ જવાબ આપશું તેવો ઠરાવ કરવા નક્કી કર્યું હતું.
- Advertisement -
ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે ગુજરાત સરકાર દ્વારા મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવા મામલે નોટિસ ફટકારવામાં આવતા ગઈકાલે મોરબી નગરપાલિકાની ચૂંટાયેલી પાંખ દ્વારા તાકીદે સામાન્ય સભા યોજવામાં આવી હતી. આ સામાન્ય સભામાં બે સભ્યો ગેરહાજર રહ્યા હતા જયારે 13 સભ્યોએ રજા રિપોર્ટ આપ્યો હતો જયારે બાકીના 37 સભ્યો હાજર રહ્યા હતા. સભાની શરુઆતમાં ચુંટાયેલા સદસ્યોએ ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકો અને પીએમ મોદીના માતા હીરાબા તેમજ તાજેતરમાં મૃત્યુ પામેલ પાલિકાના કર્મચારી માટે બે મિનીટનું મૌન પાળી શ્રધ્ધાંજલી આપી હતી. આ બાદ સભાની કામગીરી શરુ કરવામાં આવી હતી જેમાં અગાઉ બોલાવવામાં આવેલ સભાના ઠરાવ અને પ્રોસીડીંગને સર્વાનુમતે નામંજૂર કરવામાં આવ્યું હતું તેમજ ઝૂલતાપુલની દુર્ઘટના બાદ તેને લગતું રેકર્ડ તપાસ સમિતિ પાસે હોય અને સરકારની નોટીસનો જવાબ રજુ કરવા જરૂરી સાધનિક કાગળ અને આધાર પુરાવા સરકારમાંથી માંગવા સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો તેમજ સરકાર તરફની તપાસ સમિતિ દ્વારા કાગળ રજુ કર્યે સર્વાનુમતે સભ્યો દ્વરા જવાબ રજુ કરવામાં આવશે અને ત્યાં સુધી આ અંગે કોઇ નિર્ણય ન્યાયના હિતમાં ન કરવા વિનંતી કરતો ઠરાવ સર્વાનુમતે કરવામાં આવ્યો હતો.