-અદાણી વિવાદ બાદ વિદેશી રોકાણ સંબંધી નિયમોમાં પણ બદલાવ: 1લી સપ્ટેમ્બરથી તે તબકકે અમલી બનશે
શેરબજારમાં કોઈ કંપનીનો આઈપીઓ આવે ત્યાર પછી તેના લિસ્ટિંગમાં હવે વધુ સમય નહીં લાગે. સેબીએ કરેલા નવા સુધારાના કારણે આઈપીઓ પછી માત્ર ત્રણ દિવસની અંદર શેરબજારમાં તેનું લિસ્ટિંગ થઈ જશે. હાલમાં લિસ્ટિંગમાં છ દિવસનો સમય લાગે છે. આઈપીઓના લિસ્ટિંગનો સમય ઘટાડવા માટે સેબી સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી જેને સેબીના બોર્ડે મંજૂરી આપી દીધી છે. ઈશ્યૂ બંધ થાય તે દિવસથી ત્રણ દિવસ ગણવામાં આવશે. સુધારેલો સમયગાળો બે તબક્કામાં લાગુ થશે.
- Advertisement -
સૌથી પહેલા તે 1 સપ્ટેમ્બર 2023 પછી સ્વૈચ્છિક રાખવામાં આવશે અને 1 ડિસેમ્બર 2023 પછી તે ફરજિયાત કરવામાં આવશે. સેબીએ સ્થાનિક બજારમાં રોકાણ કરતા હાઈ રિસ્ક ઓફશોર ફંડ્સ માટે ડિસ્ક્લોઝરની જરૂરિયાતને પણ મજબૂત બનાવી છે. જે ઓફશોર ફંડ્સે તેમની એસેટના 50 ટકાથી વધારે સિંગલ ગ્રૂપ ઓફ કંપનીમાં રોક્યા હશે તથા જેમણે ભારતીય બજારમાં 250 કરોડ રૂપિયાથી વધારે રોક્યા હશે તેમણે પોતાના તમામ રોકાણકારોના નામ સેબીને જણાવવા પડશે.
સરકારી માલિકીના, સોવેરિન વેલ્થ ફંડ, પેન્શન ફંડ અને પબ્લિક રિટેલ ફંડને તેમાંથી મુક્તિ આપવામાં આવશે. સેબીએ ફોરન પોર્ટફોલિયો હોલ્ડર્સ માટે ડિસક્લોઝરના નિયમોને વધારે કડક બનાવ્યા છે. તેનાથી મિનિમમ પબ્લિક શેરહોલિ્ંડગના નિયમોનો ભંગ ટાળી શકાશે. તથા ઈન્વેસ્ટમેન્ટના ઝઙલ્સનો સંભવિત ભંગ ટાળી શકાશે. અમેરિકન શોર્ટ સેલર હિન્ડનબર્ગ દ્વારા અદાણી જૂથ સામે આરોપો કરવામાં આવ્યા પછી આ સુધારા કરવામાં આવ્યા છે. અમેરિકા સ્થિત હિન્ડનબર્ગ રિસર્ચે આરોપ મુક્યો હતો
કે કેટલાક એફપીઆઈ અદાણી જૂથની લિસ્ટેડ કંપનીઓમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. જોકે, અદાણી દ્વારા આ આરોપો નકારી કાઢવામાં આવ્યા હતા. સેબીએ ડિસ્ક્લોઝરના લેવલમાં પણ ફેરફાર કર્યો છે.આજે સેબીના બોર્ડની મિટિંગ હતી જેમાં કેટલાક મહત્ત્વના પગલાં લેવાશે તેવી પહેલેથી અપેક્ષા હતી. ખાસ કરીને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટ અને આઈપીઓના લિસ્ટિંગના સમયગાળા માટે નિર્ણય લેવાના હતા. અદાણી ગ્રૂપના વિવાદ પછી ડિસ્ક્લોઝરના નિયમો કડક કરવામાં આવે તેવી ઘણા સમયથી માંગણી હતી.