સ્ટેટ લાયબ્રેરી પાછળના મકાનમાંથી 452 લિટર દેશી દારૂ મળી આવ્યો, રાજુ નગા ઉલવા હજી ફરાર
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર જિલ્લામાં પ્રોહિબીશન અને જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓને નાથવા માટે પોરબંદર પોલીસ દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તાજેતરમાં કીર્તિમંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને જેમાં કસ્તુરબા ગાંધી રોડ પર રહેતા એક લીસ્ટેડ બુટલેગર – અનીલ ઉર્ફે અનીયો પરષોતમભાઈ વઢીયાને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે હાથ બનાવટનો દેશી દારૂ ની કુલ 452 લિટર કિંમતે રૂ. 90,400/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કાર્યવાહી પોરબંદરના મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્યા વી.ના માર્ગદર્શન હેઠળ, કીર્તિમંદિર પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. ચૌધરી તથા બંદર રોડ ચોકીના પો.સબ ઇન્સ્પેક્ટર જે.એસ. હુંબલ અને તેમની ટીમે રાત્રે પેટ્રોલિંગ દરમ્યાન કરી હતી. સ્ટેટ લાઇબ્રેરી પાછળ આવેલ અનીયાનું મકાન સર્ચ કરતા, દેશી દારૂની કોથળીઓ મળતા કાર્યવાહી કરાઈ હતી. મુખ્ય આરોપી અનીલ ઉર્ફે અનીયો પરષોત્તમ વાઢિયા (ઉ.વ. 54, રહે. કસ્તુરબા ગાંધી રોડ, પોરબંદર) ને પકડી લેવામાં આવ્યો છે જ્યારે અન્ય શખ્સ રાજુ નગા ઉલવા (રહે. આદિત્યાણા) હજુ પકડથી દૂર છે તેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોરબંદર પોલીસ તરફથી વધુમાં વધુ આ પ્રકારના ગેરકાયદેસર ધંધાઓ પર ઉખેડફેક અભિયાન ચાલુ રાખવામાં આવશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે.