સ્ટેટ મોનીટરીંગ સેલનો જસદણ પાસે દરોડો
હિમાચલ પ્રદેશ અને વઢવાણના શખ્સની ધરપકડ : 53 લાખનો મુદામાલ કબજે
- Advertisement -
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનને હવે ત્રણ દિવસ જ આડા છે ત્યારે રોકડ અને દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સુચના અન્વયે જખઈની ટીમે જસદણ પાસે દરોડો પાડી 27.84 લાખનો 13,081 બોટલ દારૂ ભરેલા ટ્રક સાથે બે શખ્સોને ઝડપી લીધા છે દારૂનો જથ્થો રાજકોટના બુટલેગર બંધુએ મંગાવ્યો હોવાનું ખૂલતા બુટલેગર સહીત ચારની શોધખોળ હાથ ધરી છે પોલીસે દારૂ, વાહન, રોકડ, મોબાઈલ સહીત 53,33,416 રૂપિયાનો મુદામાલ કબજે કર્યો છે.
સ્ટેટ મોનીટરીંગ સેલના ડીવાયએસપી કે ટી કામળીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં રહેલ પીએસઆઈ એસ વી ગળચર અને ટીમને મળેલી બાતમી આધારે જસદણના જુના બસ સ્ટોપ પાસે વોચ ગોઠવી હતી દરમિયાન પસાર થયેલ આઈસર ટ્રકને અટકાવી જડતી લેતા અંદરથી દવા અને બ્લેડના 573 બોક્સ મળી આવતા તે હટાવીને જોતા તેમાંથી 27.84 લાખની કિમતની દારૂ-બીયરની 13,081 બોટલ મળી આવતા ટ્રકમાં બેઠેલા બે શખ્સોને સકંજામાં લઇ નામઠામ પૂછતાં હિમાચલ પ્રદેશના મંડી જીલ્લાના થાલટુ ગામના પ્રવણકુમાર દુર્ગાનંદ શર્મા અને સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણના બકુલ દિનેશભાઈ નંદેશાળીયા હોવાનું જણાવતા બંનેની ધરપકડ કરી વધુ પૂછતાછ કરતા દારૂનો જથ્થો રાજકોટના ધવલ સાવલિયા, જયેશ સાવલિયા, બંનેનો માણસ હાર્દિક જોગરાજીયાએ મંગાવ્યો હોવાનું અને માલ ચંડીગઢથી ભરી દીધો હોવાનું જણાવતા પોલીસે દારૂ, 10 લાખનો ટ્રક, 10 હજારના બે મોબાઈલ, 950 રોકડ અને 15.38 લાખના દવા, બ્લેડના બોક્સ મળી કુલ 53,33,416 રૂપિયાનો મુદામાલ કબજે કરી ચારેયની શોધખોળ હાથ ધરી છે