રાજસ્થાનથી વિદેશી દારૂ રાજકોટમાં ઘુસાડે તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધુ: 10 લાખનું ટેન્કર, બે મોબાઇલ મળી કુલ રૂ.34.30 લાખનો મુદ્દામાલ કબજે કરાયો
ખાસ-ખબર સંવાદદાતા
દિવાળીના તહેવાર પર દારૂની રેલમછેલ અટકાવવા બાજનજર રાખીને બેઠેલી પોલીસને લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ પકડવામાં સફળતા મળી છે. ચોટીલા તરફથી વડોદરા પાસિંગના એક ટેન્કરમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની અને તે જથ્થો રાજકોટ આવી રહ્યો હોવાની પોલીસને ચોક્કસ માહિતી મળી હતી. જે માહિતીના આધારે બામણબોર પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન માહિતી મુજબનું વડોદરા પાસિંગનું ટેન્કર નીકળતા તેને અટકાવ્યું હતું. ટેન્કરમાં ચાલક સિવાય કોઇ જોવા મળ્યું ન હતું.
ચાલકની પૂછપરછ કરતા તે રાજસ્થાનના બાડમેર જિલ્લાનો શ્રવણકુમાર પાંચારામ કડવાસરા હોવાનું જણાવ્યું હતું. જ્યારે પોલીસે ટેન્કર ચેક કરતા પ્રથમ કંઇ જોવા મળ્યું ન હતું. બાદમાં ટેન્કરની બારિકાઇથી તપાસ કરતા ટેન્કરમાંથી ચોરખાનું મળી આવ્યું હતું. જે ખોલીને જોતા અંદરથી વિદેશી દારૂની બોટલો જોવા મળી હતી. પોલીસે ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો બહાર કાઢી ગણતરી કરતા જુદી જુદી બે બ્રાન્ડની કુલ 6300 બોટલ મળી આવી હતી.
પોલીસે રૂ.24,19,500ના કિંમતનો વિદેશી દારૂ, 10 લાખનું ટેન્કર, બે મોબાઇલ મળી કુલ રૂ.34.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સકંજામાં આવેલા ચાલક શ્રવણકુમારની પૂછપરછ કરતા તેને વિદેશી દારૂ ભરેલું ટેન્કર રાજસ્થાનથી આપ્યું હોવાનું અને તે ટેન્કર લઇને રાજકોટ પહોંચવા જણાવ્યું હતું. રાજકોટ પહોંચ્યા બાદ મોબાઇલ પર ફોન આવ્યા પછી વિદેશી દારૂ ભરેલું ટેન્કર લેવા કોઇ આવવાનું હોવાની કેફિયત આપી છે. પોલીસે મુદ્દામાલ કબજે કરી ચાલકની ધરપકડ કરી છે અને રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો કોને મગાવ્યો તે સહિતની વિગતો બહાર લાવવા પોલીસે તપાસ હાથ ધરી છે.