રનિંગ બ્રાન્ડમાં 200થી 300 અને બ્રાન્ડેડ શરાબમાં 400થી 500નો વધારો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં તહેવારો પૂર્વે બુટલેગર બન્યા બેફામ છે, અચાનક જ બુટલેગરોએ ગેરકાયદે વેંચતા વ્હિસ્કી અને સ્કોચના ભાવ વધારી દીધા છે. શહેરમાં દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે પ્યાસીઓને વ્હિસ્કી અને સ્કોચ પીવા મોંઘા પડી શકે તેમ છે. રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્રથી આવતા ઈંગ્લિશ દારૂના જથ્થા પકડાઈ જવાના અને પોલીસની કડકાઈના કારણે બુટલેગરોને દારૂમાં ભાવમાં ફરજીયાત વધારો કરવો પડ્યો હોવાનું કહેવાઈ છે. પ્યાસીઓની માંગ અને તહેવારના દિવસોનો લાભ લઈ બુટલેગરોએ વ્હિસ્કી અને સ્કોચની એક બોટલે 500થી 800 રૂપિયા જેટલો ભાવ વધારો ઝીંકી દીધો છે. હવે હજાર રૂપિયામાં મળતી વ્હિસ્કીની એક બોટલ પંદરસોથી બે હજાર રૂપિયા આસપાસ અને ત્રણ હજાર રૂપિયામાં મળતી સ્કોચની એક બોટલના 3500થી 4000 રૂપિયા આસપાસ ભાવ થઈ ગયા છે.
બુટલેગરો પાસેથી મળતો 90% ઈંગ્લિશ દારૂ નકલી!
રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી એક પછી એક ઈંગ્લિશ દારૂ બનાવવાની ફેકટરી ઝડપાઈ રહી છે. રાજકોટ ઉપરાંત જેતપુર-ધોરાજી, પડધરી-ધ્રોલ, બેડી-ટંકારા, કુવાડવા-ચોટીલા આસપાસના વિસ્તારોમાંથી પણ બ્રાન્ડેડ કંપનીનો ઈંગ્લિશ દારૂ કેમિકલ નાખીને બનાવવામાં આવતો હતો. ઈંગ્લિશ દારૂની કાચની બોટલોમાં ડુપ્લીકેટ સ્ટીકર્સ અને બૂચ મારીને અંદર કેમિકલ ભરવામાં આવતું હતું. ઈંગ્લિશ દારૂ પીવાના જાણકારોના મતે બુટલેગરોને હજાર-પંદરસો રૂપિયામાં દારૂ વેંચવો પોસાઈ જ નહીં. શહેરમાં બુટલેગરો દ્વારા વેંચાતો 90 ટકા દારૂ નકલી હોય છે. તેમાં આલ્કોહોલની જગ્યાએ પાણી અથવા કેમિકલ ભરેલું હોય છે.
નવલા વર્ષમાં નશાની રેલમછેલમ અટકાવવા પોલીસ તંત્ર સફળ થશે?
રાજકોટમાં કેટલાંક યુવાનો નવલા વર્ષની ઉજવણી નશા દ્વારા કરે છે. આથી ન્યૂ યરનાં સમયમાં કરોડો રૂપિયાનો ગેરકાયદે વિદેશી દારૂ શહેરમાં ઠાલવવામાં આવે છે. પોલીસનો ચાંપતો બંદોબસ્ત હોવા છતાં યેનકેન પ્રકારે છાનેખૂણે નવલા વર્ષમાં નશાની રેલમછેલમ થતી હોય છે. વળી, દિવાળી, ન્યૂ યરનાં તહેવારને ધ્યાનમાં રાખીને બુટલેગરો પણ દારૂની બોટલનાં મનફાવે તેવા ભાવ લેતા હોય છે. હજુ દિવાળી નવવર્ષને થોડા દિવસોની વાર છે ત્યાં જ રાજકોટમાં ગેરકાયદે દેશી-વિદેશી દારૂનાં અનેક જથ્થા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે પરંતુ હજુ પણ ઠેકઠેકાણે પોલીસ-પ્રજાની નજરચૂક કરી ગેરકાયદે વિદેશી દારૂ શહેરમાં ઘૂસાડવામાં આવે તો નવાઈ નહીં. દિવાળી નવલા વર્ષમાં ગેરકાયદે દારૂનું વેંચાણ અટકાવવાનો અને નશીલા દ્રવ્યોની મહેફિલો રોકવાનો પડકાર પોલીસ તંત્ર સમક્ષ રહેશે. તહેવારો જેમ-જેમ નજીક આવી રહ્યા છે તેમ-તેમ સવાલો ઉઠી રહ્યા છે કે, નવલા વર્ષમાં નશાની રેલમ છેલમ અટકાવવા પોલીસ તંત્ર સફળ થશે કે કેમ?
- Advertisement -
કઈ વ્હિસ્કીમાં કેટલો ભાવ વધારો?
સ્કોચ રેગ્યુલર ભાવ તહેવાર ભાવ
રેડલેબલ 3000 3500
બ્લેકડોગ 3000 3500
ટિચર્સ 3500 4000
જે । બી 3500 4000
બ્લેક।હાઈટ 3500 4000
વ્હિસ્કી રેગ્યુલર ભાવ તહેવાર ભાવ
No.1 1000 1300
RS 1200 1500
RC 1200 1500
ઓલ સિઝન 1200 1500
બ્લેન્ડર 2000 2500