સિવિલ હોસ્પિટલમાં પ્રદ્યુમનનગર પોલીસનાં દરોડા: વિદેશી દારૂની 11 બોટલ સાથે એક ઝડપાયો
11 બોટલ સાથે ઝડપાયેલા કમલેશની વધુ પૂછપરછ કરતાં એક મકાનમાંથી 3 પેટી દારૂ મળી આવ્યો: હોસ્પિટલનાં કોઈ સ્ટાફને દારૂ પહોંચાડવા આવ્યો હતો કે કેમ તેવી શંકાના આધારે તપાસ શરૂ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. આજે સવારના સમયે પ્રદ્યુમનનગર પોલીસે ચોક્કસ બાતમીના આધારે સિવિલ હોસ્પિટલમાંથી એક શખ્સને વિદેશી દારૂની 11 બોટલ સાથે ઝડપી પાડી વધુ પુછપરછ કરતા તેને નજીકમાં એક ખંઢેર મકાનમાં વધુ દારૂ હોવાનું જણાવતા ત્યાંથી 3 પેટી દારૂ મળી આવ્યો હતો. પોલીસે હાલ કમલેશ નામના શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આજે સવારના 7.30 વાગ્યા આસપાસ રાજકોટ સિવિલ હોસ્પિટલના સુવિધા મેડિકલ સ્ટોર પાસે એક વ્યક્તિ દારૂ સાથે ઊભો હોવાની ચોક્કસ બાતમીના આધારે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી તલાસી લેતા કમલેશ નામનો શખ્સ 11 વિદેશી દારૂની બોટલ સાથે મળી આવ્યો હતો જેની અટકાયત કરી તેને પોલીસ સ્ટેશન લઇ જઈ પુછપરછ કરતા તેને વસાહતના ખંઢેર મકાનમાં વધુ દારૂ રાખ્યો હોવાની કબૂલાત આપતા ત્યાંથી પોલીસે વધુ 3 પેટી વિદેશી દારૂ કબ્જે કર્યો હતો. હાલ પોલીસે કમલેશ નામના શખ્સની સામે કાયદેસરની કાર્યવાહી કરવા તપાસ હાથ ધરી છે. સાથે જ સિવિલ હોસ્પિટલમાં દારૂ કોઈને દેવા માટે આવ્યો હતો કે કેમ? તેમજ આ દારૂનો જથો કોની પાસેથી પોતે લાવ્યો હતો? અને અગાઉ કોઈ વખત અન્ય કોઈ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે કે કેમ સહીત દિશામાં તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમીને આધારે 22 દિવસ પહેલા સિવિલ હોસ્પિટલમાં દરોડા પાડ્યા હતા. જ્યાં ઇમર્જન્સી રૂમમાં ફરજ બજાવતો ડો.સાહિલ ખોખર ફરજ દરમિયાન દારૂ ઢીંચતો હતો અને નશાખોર હાલતમાં દર્દીઓની સારવાર કરતો ઝડપાયો હતો. પોલીસે ડોક્ટર રૂમની તલાશી લેતા તેના કબાટના ખાનામાંથી દારૂનો જથ્થો પણ મળી આવતા તબીબનો ભાંડો ફૂટી ગયો હતો.
સિવિલ અધિક્ષકનો લૂલો બચાવ
- Advertisement -
‘હોસ્પિટલના ગેટની અંદર દારૂ સાથે યુવક ઝડપાયો છે OPDમાં નહીં, અમારા જ સિકયુટીરી ગાર્ડે પોલીસને જાણ કરી’
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ પોતાના સારવાર અર્થે માટે આવતા હોય છે પરંતુ સિવિલ હોસ્પિટલ તો માત્ર વિવાદનું ધામ જ બની ગઈ છે અને માત્ર 22 દિવસના અંતરમાં એવો બીજો બનાવ સામે આવ્યો જ્યાં હોસ્પિટલના કેમ્પસમાં દારૂ ઝડપાયો છે. આ બનાવ મામલે સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદીએ લૂલો બચાવ કરતા મીડિયા ને જણાવ્યું હતું કે,સિવિલ હોસ્પિટલના ગેટની અંદર દારૂ સાથે યુવક ઝડપાયો છે ઘઙઉમાં નહીં કોઈપણ દર્દીને આ ઘટનાના કારણે નુકસાન નથી પહોંચ્યું અને અમારા જ સિક્યુરિટી ગાર્ડ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે. વધુમાં તબીબી અધિક્ષકે જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. તે માટે ખાસ એક કમિટીની પણ રચના કરવામાં આવશે અને સમયાંતરે સરપ્રાઈઝ ચેકિંગ પણ કરવામાં આવશે.