લાયન્સ ક્લબ દ્વારા જન્માષ્ટમીના તહેવાર ઉપર 1500 કીટ જરૂરિયાતમંદ પરિવારને આપી 45 હજાર લોકોને સુધી લાભ પહોંચાડાયો
ખાસ-ખબર ન્યૂઝ 5ોરબંદર
પોરબંદરમાં કલ્યાણ હોલ ખાતે સ્વાતંત્ર્ય દિન અંતર્ગત રાશન કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. સ્વાતંત્ર્ય દિન તથા પોરબંદરના સ્થાપના દિવસ અંતર્ગત વિવિધ સંસ્થાઓ દ્વારા અનેકવિધ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે, ત્યારે મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિના હસ્તે જરૂરીયાત મંદ પરિવારોને રાશનકીટ આપવામાં આવી હતી. પોરબંદરમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી થઈ રહી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વાતંત્ર્ય દિનની રાજ્યકક્ષાની ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે. જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણીના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોરબંદર જિલ્લાની સામાજિક સંસ્થાઓ સાથે સંકલન કરી અનેકવિધ દેશભક્તિના કાર્યક્રમો અને સેવા કાર્યો તથા રમતગમતની સ્પર્ધાઓ યોજવામાં આવી રહી છે. ત્યારે પોરબંદર શહેરમાં આવેલ કલ્યાણ હોલ ખાતે રાશન કીટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. લાયન્સ કલબ દ્વારા સ્વતંત્ર્ય દિનની ઉજવણી અંતર્ગત આ સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી જન્માષ્ટમીના તહેવારને લઈને આ સેવા પ્રવૃત્તિ યોજવામાં આવી હતી. લાયન્સ ક્લબ દ્વારા 1500 જેટલી કીટ જરૂરિયાતમંદ પરિવારોને વિતરણ કરવામાં આવી હતી. આ કીટ વિતરણના માધ્યમથી 45 હજાર લોકો સુધી સેવાનો લાભ પહોંચાડવાનું આયોજન કરાયું છે. આ તકે મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિ, ડો. સુરેશ ગાંધી, લાખણશીભાઈ ગોરાણીયા સહિત સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.



