દર ગુરુવારે અહીં સિંહ આવતો હોવાની ચર્ચા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢના ભવનાથ, વિલીંગ્ડન ડેમ, પાજનાકા પુલ બાદ હવે દાતારના જંગલમાં પણ સિંહના દર્શન થઇ રહ્યા છે. દાતારના દર્શને જતા ભાવિકોને રસ્તામાં 2 સિંહો આરામ કરતા નજરે પડ્યા હતા. ત્યારે તેનો વિડોયો બનાવ્યો હોય તે સોશિયલ મિડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. તેમજ દર ગુરૂવારનાં અહીં સિંહ આવતા હોવાની ચર્ચા પણ થઇ રહી છે. આ અંગે મળતી વિગત મુજબ ભવનાથ,પાજનાકા પુુલ, વિલીંગ્ડન ડેમ સહિતના અનેક વિસ્તારોમાં અવાર નવાર સિંહોના આંટાફેરા રહે છે પરિણામે ત્યાંથી પસાર થતા લોકોને સહજમાં સિંહ દર્શનનો લાભ મળી જતો હોય છે.દરમિયાન હવે દાતારના પર્વત પર પણ સિંહોએ દેખા દીધી છે. દાતારના પર્વત પર અંદાજે 1,700 પગથિયા પર આવેલ કોયલા વઝીરની જગ્યા પર ગુરૂવારે સવારે 2 સિંહોએ દેખા દીધી હતી. પરિણામે ભાવિકો-પર્યટકોએ પ્રકૃત્તિની સાથે સિંહોના દર્શનની પણ મજા માણી હતી.
- Advertisement -
ત્યારે પર્યટકોએ સિંહનો વિડીયો બનાવી લીધો હતો જે સોશ્યલ મિડીયામાં વાઇરલ થયો છે. આમ, હવે દાતારની સિડીએ પણ સિંહ જોવા મળી રહ્યા છે.