9 સિંહબાળ અને 2 સિંહણ પાંજરે પુરાયા; બે સિંહબાળના શંકાસ્પદ મોતથી ચિંતા, સેમ્પલ લઈ તપાસ શરૂ
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
- Advertisement -
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કાગવદર ગામ નજીક સીમ વિસ્તારમાં વન વિભાગ દ્વારા આજે એક મોટું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 9 સિંહબાળ અને 2 સિંહણની હાલત નાજુક જણાતા તેમને પાંજરે પૂરવામાં આવ્યા છે. જોકે, આ દરમિયાન બે સિંહબાળના શંકાસ્પદ રીતે મોત થતા વન્યજીવ પ્રેમીઓમાં ચિંતા વ્યાપી છે. વન વિભાગે આ મોતની પુષ્ટિ કરી છે.
વન વિભાગને માહિતી મળી હતી કે, કાગવદર વિસ્તારમાં કેટલાક સિંહબાળ અતિ નબળી હાલતમાં જોવા મળી રહ્યા છે. આ જાણ થતાં જ જાફરાબાદ રેન્જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સ્કેનિંગ કરતા સિંહબાળ ગ્રુપની હાલત નાજુક જણાતાં તાત્કાલિક ધોરણે મોટા રીંગ પાંજરાનો ઉપયોગ કરીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
હાલ, રેસ્ક્યુ કરાયેલા સિંહબાળ અને સિંહણને બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે. ત્યાં ડોકટરો દ્વારા સિંહબાળની સઘન તપાસ કરવામાં આવશે અને તેમને જરૂરી સારવાર પૂરી પાડવામાં આવશે.