આગામી દિવસોમાં તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડી વધશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમ નબળી પડી હોવાથી હવે ગુજરાતમાં કોઈ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી. રાજ્યના કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ થઈ શકે છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા રહેશે. સાથે-સાથે મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચે વધઘટ જોવા મળશે. પવનોની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં ધુમ્મસ રહેવાની શક્યતા છે. રાજ્યમાં આગામી દિવસોમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આજે હળવો વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને અમદાવાદમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 32 અને લઘુતમ તાપમાન 22 ડિગ્રી રહી શકે છે. આગામી દિવસોમાં તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો ઘટાડો થશે. જે વરસાદી સિસ્ટમ હતી તે હવે નિષ્ક્રિય થઈ ગઈ હોવાથી માછીમારોને દરિયો ખેડવાની મંજૂરી આપવામાં આવી છે.



