હોસ્પિટલનાં સ્ટાફ અને જાણીતા જ લિફ્ટનો ઉપયોગ કરી શકે છે
હોસ્પિટલ ભવનનાં કાચ તૂટી ગયા પણ આજ સુધી રીપેર ન થયા: પીવાનાં પાણીનાં પોઇન્ટ ઉપર ગંદકી, અનેક બાકડાં તૂટી ગયા
- Advertisement -
દવા અને કેસ બારી એક-એક જ હોય દર્દીનાં સગાને ભારે હાલાકી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં મજેવડી દરવાજા પાસે કરોડો રૂપિયાનાં ખર્ચે બનાવવામાં આવેલી સિવિલ હોસ્પિટલની હાલ કથળતી જઇ રહી છે. અહીં આવતા દર્દીઓ અને તેનાં સગાઓ હેરાન થઇ રહ્યાં છે. લિફ્ટ બંધ હોય છે. તેમજ પીવાનાં પાણીનાં પોઇન્ટ પર ગંદકી જોવા મળી હતી. હોસ્પિટલ ભવનનાં કાચ તુટી ગયા છે. જે રીપેર કરવામાં આવતા નથી. જૂનાગઢ સિવિલમાં આવતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
માત્ર જૂનાગઢ જિલ્લા નહી પરંતુ ગીર સોમનાથ, ધોરાજી,ઉપલેટા,જેતપુર સહિતનાં વિસ્તારમાં સૌથી મોટી સરકારી હોસ્પિટલ જૂનાગઢમાં છે. જૂનાગઢનાં મજેવડી ગેઇટ પાસે સૌથી મોટી અને આધુનિક હોસ્પિટલ બનાવવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો સારવારમાં આવે છે. એટલું જ નહી અહીં સૌથી વધુ પ્રસુતિ થઇ રહી છે.પરંતુ અહીં આવતા દર્દીઓ અને તેના સંગાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહી છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં અસુવિધાને કારણે લોકો હેરાન થઇ રહ્યાં છે. તેમજ ઘણી વખત યોગ્ય સારવાર ન મળતા સામાન્ય લોકોને ફરજીયાત ખાનગી દવાખાનાનો આસરો લેવો પડી રહ્યો છે.
- Advertisement -
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં લિફ્ટ છે. પરંતુ મોટા ભાગે લિફ્ટ બંધ રહે છે. માત્ર હોસ્પિટલનો સ્ટાફ જ તેનો ઉપયોગ કરી રહ્યો છે. આ ઉપરાંત સિવિલમાં અનેક દવા અને કેસ બારી છે. પરંતુ જેમાં પુરૂષ માટે એક અને સ્ત્રીઓ માટે એક એમ બે બારી ખુલ્લી રહે છે. વધુ બારીઓ રાખવાનો કોઇ અર્થ નથી. બારીએ વધુ સ્ફાટ રાખવાની જરૂર છે. સિવિલમાં પીવાનાં પાણીનાં પોઇન્ટ છે. પરંતુ અહીં ખુબ જ ગંદકી છે. લોકોએ બહારથી પાણી લેવું પડે છે. વાવાઝોડા વખતે સિવિલ હોસ્પિટલ ભવનનાં કાચ તુટી ગયા હતા. જે આજ સુધી રીપેર કરવામાં આવ્યાં નથી. અહીં થી કોઇ પણ અવર જવર કરી શકે તેમ છે. ખુલ્લી જગ્યાએ હોઇ અનિચ્છનીય બનાવ બનવાની સંભાવનાં રહેલી છે. સિવિલ હોસ્પિટલની કથળતી હાલત સુધારવાની તાતી જરૂર છે.
બહાર માવા લઇ લે, અંદર વેંચાય
દર્દીનાં સગાએ આક્ષેપ કર્યો હતો કે, સિવિલ હોસ્પિટલનાં ગેઇટ ઉપર સિક્યુરીટી માવા વગેરે લઇ લે છે. પરંતુ હોસ્પિટલની અંદર એક છોકરો માવો વેંચતો હતો. અંદર માવાનું વેચાણ થઇ રહ્યું છે.
સોનોગ્રાફીમાં લાંબુ વેઈટિંગ લિસ્ટ
સિવિલ હોસ્પિટલમાં આધુનિક સોનોગ્રાફી મશીન છે. પરંતુ સોનોગ્રાફીમાં લાંબુ લિસ્ટ રહે છે. જેના કારણે દર્દીઓની સોનોગ્રાફી કરાવામાં સમય લાગી રહ્યો છે. ઘણી વખત તો બહાર સોનોગ્રાફી માટે જવું પડે છે.
મારામારી, મોબાઇલ ચોરીની ઘટનાઓ
અગાઉ સિવિલ હોસ્પિટલમાં દર્દીનાં સગાનાં સામાનની ચોરીની ઘટનાઓ પણ બની હતી. મોબાઇલ ચોરીની ઘટના બની હતી. આ ઉપરાંત મારામારીની ઘટના પણ બનતી રહે છે. કેટલાક તત્વો અહીં પડિયા પાથરિયા રહે છે.