એક વર્ષમાં કરવામાં આવેલી 700 જેટલી ડિલિવરીમાંથી 98% ડિલિવરી સિઝેરિયન!
ક્રાઇસ્ટ હોસ્પિટલ કતલખાનું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝરાજકોટ, તા.20
રાજકોટની નિહિત બેબીકેર ચિલ્ડ્રન હોસ્પિટલની જેમ જ ક્રાઈસ્ટ હોસ્પિટલમાં પણ સરકારી સ્વાસ્થ્ય યોજનાનો ભયંકર દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. શહેરના જામનગર રોડ પર આવેલી ક્રાઈસ્ટ હોસ્પિટલ દ્વારા આયુષ્માન યોજના હેઠળ કરોડોની કમાણી કરાવવા માટે ગર્ભવતી મહિલાની નોર્મલ ડિલિવરીની જગ્યાએ સિઝેરિયન ડિલિવરી કરવામાં આવી રહી છે. ક્રાઈસ્ટ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષમાં આશરે 700 જેટલી ડિલિવરી કરવામાં આવી છે જેમાં ચોંકાવનારી બાબત એ છે કે, 700 ડિલિવરીમાંથી 98 ટકા ડિલિવરી સિઝેરિયન કરવામાં આવી છે.
ક્રાઈસ્ટ હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાઓની નોર્મલ ડિલિવરી કરવામાં આવતી જ નથી. હાઈરિસ્ક ડિલિવરીની કેટેગરીમાં જ બધી ડિલિવરી કરવામાં આવે છે. કારણ કે, જો આયુષ્માન યોજના હેઠળ નોર્મલ ડિલિવરી કરવામાં આવે તો હોસ્પિટલને 5-10 હજાર રૂપિયાથી વધુ કઈ ખાસ મલાઈ મળે નહીં, અને સિઝેરિયન ડિલિવરી કરવામાં આવે તો ક્રાઈસ્ટ હોસ્પિટલને સીધા જ 40-50 હજાર રૂપિયાની મલાઈ મળી જાય. સરકારી યોજનામાં સિઝેરિયન ડિલિવરીનું પર ડે પેકેજ 10થી15 હજાર રૂપિયા હોય છે જે મેળવવા ક્રાઈસ્ટ હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાઓની જાણીજોઈને નોર્મલની જગ્યાએ સિઝેરિયન ડિલિવરી કરવામાં આવે છે.
- Advertisement -
ક્રાઈસ્ટ હોસ્પિટલમાં સરકારી યોજનાનો લાભ ખાટવા જે પ્રકારે દર્દીઓના રિપોર્ટથી લઈ સ્વાસ્થ્ય બાબતે ગોબાચાળી આચરવામાં આવે છે તેના કારણે અહીં આવતી મહિલા અને નવજાત શિશુના જીવ ગુમાવવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. અલબત્ત અહીં ગર્ભવતી મહિલાઓની ડિલિવરી એક હોમીઓપેથી ડોક્ટર દ્વારા કરવાવવામાં આવી રહ્યા હોવાનું માલૂમ પડ્યું છે. ડો. ખુશ્બુ નામ ધરાવતી બીએચએમએસ દ્વારા ક્રાઈસ્ટ હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાઓની ડિલિવરી કરાવવામાં આવતી હોવાની હકિકત પ્રકાશમાં આવી છે. ક્રાઈસ્ટ હોસ્પિટલમાં ચાલતી અઢળક લોલંલોલ વિશે સરકારી આરોગ્ય અધિકારી કેવા પગલાં ભરશે એ જોવું રહ્યું.
‘ખાસ-ખબર’ પાસે અનેક ડોક્યુમેન્ટ, ઓડિયો-વિડીયો પુરાવા
સરકારી યોજના હેઠળ કરોડો રૂપિયા કમાવવા ક્રાઈસ્ટ હોસ્પિટલમાં ક્યાં પ્રકારે દર્દીઓના રિપોર્ટથી લઈ સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે તેના ‘ખાસ-ખબર’ પાસે અનેક ડોક્યુમેન્ટ, ઓડિયો-વિડીયો પુરાવા છે. આ ડોક્યુમેન્ટ, ઓડિયો-વિડીયોમાં ક્રાઈસ્ટ હોસ્પિટલમાં આયુષ્માન યોજનાનો દુરુપયોગ કરવામાં આવતો હોવાનું સ્પષ્ટ દર્શાઈ આવે છે. દર્દીઓ પણ ખુદ પોતાની આપવીતી જણાવી રહ્યા છે અને નોર્મલ ડિલિવરીની જગ્યાએ ક્યાં પ્રકારે સિઝેરિયન ડિલિવરી કરવામાં આવે છે તેના આધાર-પુરાવા આપી રહ્યા છે.