ભેળસેળ યુક્ત ચીજવસ્તુઓના વેંચાણનો પરવાનો?: લાયસન્સ રીન્યુ કરવા ખાનગી દુકાનમાં વેપારી સાથે મળેલી બેઠકમાં લક્ષ્મી દર્શન થયાની લોકચર્ચા
બોલો લ્યો ! સાડીની દુકાનમાં ફુડ એન્ડ સેફ્ટી વિભાગના લાયસન્સ રીન્યુ માટેની બેઠક મળી !
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
હળવદમાં ભેળસેળ યુક્ત ચીજવસ્તુઓનું બેફામ વેચાણ થઈ રહ્યું છે ત્યારે મોરબીના ફુડ એન્ડ સેફ્ટી વિભાગે હળવદમાં ખાનગી દુકાનમાં વેપારીઓ સાથે બેઠક કરી લાયસન્સ રીન્યુ કરી આપી લક્ષ્મી દર્શન કરીને ભેળસેળ યુક્ત ચીજવસ્તુઓનો વેચાણ પરવાનો આપી દીધો હોય તેવી લોકચર્ચાઓ જાગી છે.
એક બાજુ તહેવારોની મૌસમ ખીલી ઉઠી છે અને બીજી તરફ ભેળસેળયુક્ત ચીજવસ્તુઓ પકડવાની જવાબદારી સંભાળી રહેલું તંત્ર લક્ષ્મી દર્શનમાં વ્યસ્ત હોવાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યાં છે જેમાં હળવદની બજારમાં ખાનગી દુકાનમાં ફુડ ઈન્સ્પેક્ટર છત્રોલા તેમની ટીમ સાથે વેપારીઓને લાયસન્સ રિન્યુ કરી આપતા હોય અને 20 થી વધારે વેપારીઓ પાસેથી આશરે એક લાખથી વધુની રકમ એકઠી કરીને લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવાનો પરવાનો આપ્યો હોવાની ચર્ચાઓ જાગી છે. એક તરફ બજારમાં મળતા ભેળસેળયુક્ત તેલના અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ પણ ફુડ એન્ડ સેફ્ટી વિભાગ નમુના તો ઠીક પરંતુ આ અંગે તપાસ કરવામાં નીરસ જણાય રહ્યું છે જોકે આ આરોપો અને ડિસ્કો તેલ અને આજની કામગીરી અંગે ફુડ એન્ડ સેફટી વિભાગના ફુડ ઈન્સ્પેકટર એમ. એમ. છત્રોલાને ફોન કરવા છતાં ફોન ઉપાડવાનું મુનાસીબ સમજ્યા નહી.
અરજી આપો એટલે તપાસ કરશું: ફુડ ઈન્સ્પેકટર
હળવદ પંથકમાં ચારેય તરફ ભેળસેળયુક્ત તેલની ફેક્ટરીઓ ધમધમી રહી છે તો બીજી તરફ ૠજઝ વગર ગોડાઉનમાં ફેક્ટરી બનાવીને બિનઅધિકૃત રીતે ભેળસેળયુક્ત તેલ બનાવવાનો ધંધો ચાલી રહ્યો છે. આ ફેક્ટરીઓ સામે લાલ આંખ કરવાના બદલે ફુડ એન્ડ સેફ્ટી વિભાગના ફુડ ઈન્સ્પેક્ટર છત્રોલા અરજી આપો એટલે તપાસ કરીશું તેમ જણાવીને પોતાની કામગીરીની હાંસી ઉડાવતા હોય તેવું લાગી રહ્યું છે.
- Advertisement -
હળવદમાં ડિસ્કો તેલની ત્રણ ફેકટરી ધમધમે છે : વેપારી
હળવદમાં સરા રોડ પર અનાજ કરીયાણાની દુકાન ધરાવતા વેપારીએ જણાવ્યું હતું કે, શક્તિનગર પાસે ગોડાઉનમાં અને હળવદ શહેરમાં એક તેલની ફેક્ટરી ધમધમી રહી છે અને એક ફેકટરીના માલિકને ભાજપના નેતા સાથે સંબંધ છે જેથી કરીને અધિકારીઓ સ્થળ ચકાસણી તો ઠીક નામ લેતાં પણ થરથર કાપે છે.